પત્નીનું અકસ્માતમાં મૃત્યુ થતાં પતિને રૃા.51 લાખનું વળતર

ત્રણે વાહનચાલકોની બેદરકારી હોવાનું ટ્રિબ્યુનલનું તારણ
મહિલાની રિક્ષા બે ટ્રક વચ્ચે કચડાઇ જતા તેનું મૃત્યુ થયું હતું
મુંબઇ - એક મહિલાનું રોડ અકસ્માતમાં મૃત્યુ થતા તેના પતિને રૃા. ૫૧.૭૩ લાખનું વળતર મળ્યું છે. ત્રણ વાહનો વચ્ચે રીક્ષા અડફેટમાં આવી જતા મહિલાનું મૃત્યુ થયું હતું. ૧૯મી ઓગસ્ટ ૨૦૧૪મીએ એક મહિલા તેના પતિ સાથે ઘોડબંદર રોડ પરથી રીક્ષામાં બેસીને જઇ રહી હતી. ૨૯ વર્ષીય મહિલા થાણેની એક શાળામાં ચાલતા એક્ટિવિટી સેન્ટરની હેડ હતી.
રસ્તા પર એક ટ્રક ઉભી હતી. રિક્ષા ડ્રાઇવરે ટ્રકને અચાનક જ જોઇને રિક્ષાને જમણી બાજુ વળાવી હતી. તે જ વખતે પૂરઝડપે આવતી એક ટ્રકે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. બે ટ્રક વચ્ચે ઓટોરિક્ષા કચડાઇ જતા મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ મામલો થાણેની એમએસીટીમાં ગયો હતો અને પુરાવાઓની તપાસ કરીને ટ્રિબ્યુનલે ત્રણ વાહનના ડ્રાઇવરોની સંપૂર્ણ બેદરકારી હોવાનું તારણ કાઢયું હતું. ખોટી રીતે વાહન પાર્ક કરનારા ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકને એમએસીટીએ જવાબદાર ગણ્યા હતા. વધુ ઝડપે વાહન ચલાવનારા અને પાછળથી આવતા વાહનનું ધ્યાન રાખ્યા વગર અચાનક જ વળતા ઓટોરિક્ષા ડ્રાઇવરની બેદરકારી પણ હતી.
અકસ્માતમાં સંડોવાયેલી બીજી ટ્રક વધુ ઝડપે આવી રહી હતી અને રિક્ષાની પાછળ સલામત અંતર રાખ્યું ન હોવાથી એમએસીટીએ ટ્રક ડ્રાઇવરને પણ જવાબદાર ગણ્યો હતો. બંને ટ્રકના ડ્રાઇવરો, માલિકો અને વીમા કંપનીઓની બેદરકારી ૪૦-૪૦ ટકા પ્રમાણે ગણીને બંનેને રૃા. ૨૦,૬૯,૪૭૮ ચૂકવવા આદેશ કર્યો હતો.
રિક્ષા ડ્રાઇવર, માલિક અને વીમા કંપનીની જવાબદારી ૨૦ ટકા અનુસાર ગણીને રૃા. ૧૦,૩૪,૭૪૦ ચૂક વવા આદેશ કર્યો હતો. વળતરની ગણતરીમાં ભવિષ્યની આવકમાં ખોટ રૃા. ૩૩,૭૨,૬૬૪, ભવિષ્યની તકો માટે અને અન્ય ખોટ પેટે રૃા. ૧૬,૮૬,૩૩૨ની રકમ ગણી હતી.
અરજદારોએ વળતરનો દાવો રજૂ કર્યો તે પછી ૯ ટકા વ્યાજ ગણીને રૃા. ૫૧,૭૩,૬૯૬ ચૂક વવાની આદેશ કર્યો હતો. જેમાંથી રૃા. ૨૫ લાખ પાંચ વર્ષની એફડી (ફીકસ્ડ ડિપોઝિટ)માં રાખવાના હતા.








