Get The App

કાર નહેરમાં પડતાં પતિ-પત્નીનાં મોતઃ બચાવવા ઉતરેલો યુવક લાપતા

Updated: Feb 25th, 2026

GS TEAM

Google News
Google News
કાર નહેરમાં પડતાં પતિ-પત્નીનાં મોતઃ બચાવવા ઉતરેલો યુવક લાપતા 1 - image

છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં અકસ્માત

રસ્તાના અજાણ ડ્રાઈવરે અકસ્માત સર્જયો, જોકે, તે પોતે સલામત બહાર નીકળી ગયો

મુંબઈ  -  છત્રપતિ સંભાજીનગરમાં એક  કારના ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા કાર નહેરમાં પડી ગઈ હતી.  આ અકસ્માતમાં પતિ અને પત્નીનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. તો તેમને બચાવવા માટે પાણીમાં ઉતરેલ એક યુવક ગુમ થઈ ગયો હતો.  જો કે, આ અકસ્માતમાં ડ્રાઈવર સુરક્ષિત રીતે બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. તેને ઈજાઓ થતાં હાલ તે સારવાર હેઠળ છે.

વિગત મુજબ, છત્રપતિ સંભાજીનગરના પૈઠણના ચાંગતપુરીમાં સોમવારે મધ્યરાત્રીએ ૧૧.૩૦ વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે કારમા ડ્રાઈવર અલ્તાફ પઠાણ, મુકીદ શેખ અને તેની પત્ની નીલોફર શેખ  સવાર હતા.  

કાર ચાંગતપુરી ગામ નજીક કેનાલ પુલ પાસે પહોંચ્યા બાદ  રસ્તો સાફ ન હોવાથી ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવતા કાર નહેરમાં પડી ગઈ હતી. આ સમયે ડ્રાઈવરે તરત જ બહાર કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જો કે, તેને ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ  પાણીનું સ્તર વધુ હોવાથી મૂકીદ અને નિલોફર બંને કાર સાથે પાણીમાં ડૂબી ગયા હતા. કાર નહેરમાં પડી હોવાની માહિતી મળતાં જ સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કાર્ય શરુ કર્યું હતું.

આ સમયે રાવસાહેબ ખાડેકર નામનો યુવાન મદદ કરવા માટે પાણીમાં ઉતર્યો હતો. જો કે, પાણીના અણધાર્યા પ્રવાહને કારણે તે સંતુલન ગુમાવતા તણાઈ ગયો હતો અને ગુમ થઈ ગયો હતો. 

આ ઘટના બાદ પોલીસની ટીમ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચીને જેસીબીની મદદથી કારને નહેરમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ડ્રાઈવરને રસ્તો ખબર ન હતી અને પુલ પાસે પહોંચ્યો ત્યારે દિશા ભૂલ થતાં વધુમાં રસ્તા પર અપૂરતી લાઈટીંગ અને રક્ષણાત્મક અવરોધોને અભાવે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.