મુંબઈ નજીક મધદરિયામાં ઓઈલ અને ગેસનો નવો વિપુલ ભંડાર મળ્યો, ભવિષ્યમાં ઉત્પાદન વધશે
Mumabi ONGC Oil News: કેન્દ્ર સરકારની માલિકીની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓેએનજીસી) મુંબઈના મધ દરિયામાં ઓઈલ અને ગેસનો વિપુલ જથ્થો શોધી કાઢયો છે, જે નજીકના ભવિષ્યમાં સ્વદેશી ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે.
આ નવો જથ્થો ઓપન એક્રિઓજ લાઈસન્સિંગ પોલિસી (ઓએએલપી) રેઝિમ હેઠળ અપાયેલા બ્લોકસમાંથી મળી આવ્યો હોવાનું ઓએનજીસીએ પોતાની આવકના ચોથા કવાર્ટરના રિપોર્ટમાં જણાવ્યું હતું.
ઓઈલ અને ગેસના આ નવા સ્ત્રોતોને સૂર્યમણિ અને વ્રજમણિ એવા નામ અપાયા છે અને એ બન્ને મુંબઈના તટપ્રદેશથી ખાસ્સાં અંતરે આવેલા છે. એક સ્ત્રોત ઓએએલપી-6 બ્લોક એમબી-ઓએસએચપી-2020/2 અને બીજો ઓએએલપી-ત્રણ બ્લોક એમબીઓએસએચપી-2018/1માં આવેલો છે.
જાન્યુઆરી- માર્ચના કવાર્ટર (ત્રિમાસિક ગાાળા) દરમ્યાન કરાયેલા ટેસ્ટિંગમાં બ્લોક એમબી-ઓએસએચપી-2020/2ના વેલ (કુવા)માંથી રોજનું 2235 બેરલ ઓઈલ અને રોજનો 45181 મિલિયન કયુબિક મિટર ગેસ મળી આવ્યો હોવાનું નોંધાયું હતું.
ઓએલપી બ્લોક એમબી-ઓએસએચપી-2020/2ના બસાલ કલમસ્ટિક્સની આ પહેલી શોધ છે. વેલ એમબીએસ 202 એચઓએ-1માં મળેલી સફળથાને નવી આશાસ્પદ શોધ જાહેર કરી એને 'સૂર્યમણિ' એવું નામ અપાયું હોવાનું ઓએનજીસીએ વધુમાં જણાવ્યું હતું. પછીથી હાલનાી વર્તમાન કવાર્ટર દરમ્યાન એ જ વેલના બીજા ઝોનનું ટેસ્ટિંગ કરાયું, જેમાં રોજનું 413 બેરલ ઓઈલ અને 15132 કયુબિક મિટર ગેસ મળ્યો.
અત્રે નોંધવું ઘટે કે મુંબઈના મધદરિયામાં ભારતના સૌથી મોટા ઓઈલ અને ગેસ ક્ષેત્રો આવેલા છે. અરબી સમુદ્રમાં મુંબઈના કાંઠાથી 160 કિ.મી.ના અંતરે આવેલું મુંબઈ હાઈ હાલ દેશનું સૌથી વિશાળ અને ફળદ્રુપ ઓઈલ અને ગેસ ફિલ્ડ (ક્ષેત્ર) છે. આ ફિલ્ડમાંથી રોજના આશરે 134000 બેંરલ ઓઈલ નીકળે છે, જે ભારતના સ્વદેશી ક્રૂડ ઉત્પાદનના ૩૫ ટકા છે. આ ફિલ્ડમાંથી રોજનું ૧૦ મિલિયન સ્ટાન્ડર્ડ કયુબિક મિટર ગેસ પણ નીકળે છે, જે દેશના ગેસ ઉત્પાદનના લગભગ 18 ટકા છે.
ભારતે પોતાની ઓઈલની જરૂરિયાતનો 85 ટકા જથ્થો અને ગેસની જરુરિયાતનો અડધોઅડધ જથ્થો આયાત કરવો પડે છે. નવા શોધાયેલા ઓઈલ અને ગેસના જથ્થાથી સ્વદેશી ઉત્પાદન થોડું વધારી શકાશે.