Get The App

એલિફન્ટામાં અનાજ સંગ્રહ માટે વપરાતાં માટીનાં વિશાળ પાત્રો મળ્યાં

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
એલિફન્ટામાં અનાજ  સંગ્રહ માટે વપરાતાં માટીનાં વિશાળ પાત્રો મળ્યાં 1 - image

૧૫૦૦ વર્ષ જૂનું જળાશય મળ્યા બાદ નવી શોધ

ઉત્ખનનમાં હાથ લાગેલા અવશેષો ચોમાસા પહેલાં સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવશ

મુંબઈ -  એલિફન્ટાની ગુફાઓ નજીક ચાલી રહેલા ખોદકામ દરમ્યાન અનાજના સંગ્રહ માટેના મનાતા  માટીના બે જંગી પાત્રો મળી આવ્યા હતા. આ પહેલાં ૧૫૦૦ વર્ષ પુરાણું જળાશય અને બીજા દુર્લભ અવશેષો મળી આવ્યા હતા.

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના ડો. અભિજિત આંબેકરના નેતૃત્વ હેઠળ છેલ્લાં ચાર મહિનાથી મોરા બંદર પરિસરમાં ઉત્ખનન ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ખોદકામ વખતે માટીના ઘડા જેવા આકારના જંગી વાસણો મળી આવ્યાં છે. એક પાત્રની ઊંચાઈ ૧.૨૫ મીટર અને  બીજા તૂટેલા વાસણનો વ્યાસ ૧.૨૨ મીટરનો છે. આ માટીના પાત્રનો ઉપયોગ પાણી, અનાજ કે બીજી કોઈ ચીજના સંગ્રહ માટે થતો હોવાની શક્યતા છે.

ઉત્ખનન વખતે વાસણોના ટુકડા, લોખંડની ઈંટો, પથ્થરનું લંગર અને ખડક કોતરીને બનાવેલી પાણીની ટાંકી પણ મળી આવી છે. આના પરથી એવું અનુમાન કરવામાં આવે છે કે આ જગ્યાએ કાપડ રંગવાનો ઉદ્યોગ ચાલતો હશે.

એલિફંટાનું મૂળ નામ ધારાપુરી ટાપુ છે. પોર્ટુગીઝોએ ત્યાં પથ્થરના હાથીનું શિલ્પ જોઈને આ આઈલેન્ડને એલિફંટા નામ આપ્યું હતું.

સદીઓ પહેલાં આ ટાપુનો રોમ અને પશ્ચિમ એશિયાના દેશો સાથે વ્યાપારી સંબંધો હતા તેના પુરાવા પણ મળી આવ્યા છે. ચોથી અને પાંચમી સદીમાં પરદેશ સાથે વ્યાપારી સંબંધો અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના પણ પુરાવા મળ્યાં છે.

આ ખોદકામ દરમ્યાન મળેલા વાસણો અને માટીના મોટા પાત્રોનું જતન અને જીર્ણોધ્ધારનું કામ આગળ વધી રહ્યું છે. ચોમાસુ બેસે એ પહેલાં આ બધા અવશેષો સુરક્ષિત સ્થાન પર ખસેડીને પ્રદર્શિત કરવામાં આવશે.