કોઈપણ ઈનપુટ વિના ફ્યુઅલ સ્વિચ કેવી રીતે ખસી જાય: પાયલટ એસો.નો સવાલ
પ્રારંભિક રિપોર્ટમાં બોઈંગને ક્લિનચીટ સામે પણ વાંધો ઉઠાવાયો
વિમાન અકસ્માતની તપાસનો ભાગ બનવા માટે કાયદાકીય ઉપાયો અંગે એરલાઈન પાલટ્સ એસોસિએશનની વિચારણા
એએઆઈબીનો રિપોર્ટ જાહેર થયાના બીજા દિવસે ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સના અધ્યક્ષ ચરણવીર સિંહ રંધાવાએ કહ્યું કે વિમાન હકીકતમાં કો-પાયલટ ઉડાવી રહ્યા હતા, જે વિમાનને નિયંત્રિત કરી રહ્યા હતા જ્યારે કેપ્ટન જે પાયલટ-ઈન-કમાન્ડ હતા તેઓ ઉડ્ડયનનું નિરીક્ષણ કરી રહ્યા હતા. તેથી કોકપિટ વોઈસ રેકોર્ડરથી કોણ શું બોલી રહ્યું છે તેની ઓળખ સરળ હોવા છતાં પ્રારંભિક રિપોર્ટ એ સ્પષ્ટ નથી કરતી કે મુખ્ય નિર્ણય કોણે લીધા.
રંધાવાએ કહ્યું કે, રિપોર્ટમાં ઈંધણ નિયંત્રણ સ્વીચોની સ્થિતિ બદલાવાનો ઉલ્લેખ છે, જે કોઈ ગંભીર ગડબડનો સંકેત હોઈ શકે છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે ફ્યુઅલ કંટ્રોલ સ્વિચોએ કટઓફથી રન સુધીની પોતાની સ્થિતિ જાતે જ બદલી નાંખી. તેનાથી એ ખ્યાલ આવે છે કે તેમાં કોઈ ઈલેક્ટ્રિક અથવા સોફ્ટવેર ગડબડ હોઈ શકે છે. એવું લાગે છે કે સિસ્ટમને એ ખ્યાલ આવી ગયો કે સ્વિચને કોઈ સ્પર્શ્યું ન હોવા છતાં તે હલી ગઈ હતી. ચરણવીર સિંહ રંધાવાએ પ્રારંભિક તપાસ રિપોર્ટમાં બોઈંગને ક્લીનચીટ આપવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ રિપોર્ટ મુજબ એન્જિન અથવા બોઈંગની સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, પરંતુ અનેક સવાલોનો હજુ પણ જવાબ મળ્યો નથી ત્યારે વિમાન ઉત્પાદક કંપનીને આટલા વહેલા ક્લિનચીટ કેવી રીતે આપી શકાય? વિમાને ઉડ્ડયન કર્યા પછી હકીકતમાં શું થયું તેની યોગ્ય તપાસની જરૂર છે.
દરમિયાન પાયલટ્સના જૂથ એરલાઈન પાયલટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ સામ થોમસે રવિવારે જણાવ્યું કે, તેઓ એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭-૮ વિમાન અકસ્માતની તપાસમાં તેના સભ્યોને ભાગ બનાવવા માટે કાયદાકીય પગલાં લેવા અંગે વિચારણા કરી રહ્યા છે. એએઆઈબીનો પ્રારંભિક રિપોર્ટ વિમાન અકસ્માત પાયલટની ભૂલના કારણે થયો હોવાના સંકેત આપી રહ્યો છે અને તપાસની દિશા પણ એ જ છે. એએઆઈબીના પ્રાથમિક રિપોર્ટની પૃષ્ઠભૂમિમાં તેમના પ્રતિનિધિઓ ડીજીસીએને સોમવારે મળીને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમના સભ્યો વિમાન ક્ષેત્રમાં નિપુણ છે અને અકસ્માતની તપાસમાં અર્થપુર્ણ યોગદાન આપી શકે છે.