મ્યુનિ. ચૂંટણીની સાઈડ ઈફેક્ટઃ ઘરેઘરમાં કકળાટ
ઘરમાં એક કામના મહિને બેથી ત્રણ હજાર મળેઃ રાજકીય પક્ષો રોજના પ્રચારના ૭૦૦થી ૯૦૦ ચૂકવેઃ નાસ્તો-ભોજન અલગ
પ્રચાર રેલીઓ માટે હાઉસ વર્કર સહિતના શ્રમિકોની મોટી માંગ ઃ રિક્ષાવાળાઓને તડાકોઃ રોજના બેથી અઢી હજારની ફિક્સ ઈનકમ
મુંબઇ - મુંબઇ મહાનગર પાલિકાની ૧૫મી જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણી આડે હવે માંડ નવ દિવસ રહ્યા હોવાથી ઉમેદવારો મર્યાદિત સમયમાં વધુમાં વધુ મતદારો સુધી પહોંચવાની કવાયત કરી રહ્યા છે. કેટલીય પાર્ટીઓ પાસે સમર્પિત કાર્યકરોની મોટી ફોજ હોવા છતાં વાસ્તવિકતા એ છે કે રોજેરોજ દિવસભર પ્રચાર રેલી માટે કે ચૂંટણીનાં બીજાં નાના મોટાં કામો માટે તેમણે પેઈડ વર્કર્સની સહાય લેવી પડે છે. આ હાલતમાં ઘરમાં સફાઈ-વાસણનું કામ કરતાં કામવાળાઓને તડાકો થઈ ગયો છે. રોજની મોટી રોકડ કમાણી ઉપરાંત ચા-નાસ્તા ભોજનની ઓફરથી અનેક કામવાળા હાલ પેઈડ પ્રચારમાં જોતરાઈ જતાં મુંબઈની અનેક ગૃહિણીઓ સંકટમાં મૂકાઈ ગઈ છે.
દરેક પાર્ટીવાળા તેમ જ અપક્ષ ઉમેદવારોએ પ્રચાર માટે મહેનતાણું ચૂકવીને મહિલા અને પુરૃષોને રોકવા પડે છે. પ્રચાર રેલી માટે, નાની મીટિંગોમાં હાજરી માટે તેમ જ પ્રચારયાત્રા માટે આ રોકડિયા પ્રચારકોની ખરી ડિમાન્ડ છે. આમાં પણ પરાંમાં ઘણી જગ્યાએ ઘરકામ કરતી મહિલાઓ પણ સારૃં મહેનતાણું મળતું હોવાથી પ્રચારનું કામ કરે છે. પરિણામે ઘણી ગૃહિણીએ હાથે કામ કરવાનો વારો આવ્યો છે. મોટાભાગે ઉપનગરમાં એક ઘરમાં એક કામ માટે બેથી ત્રણ હજાર રુપિયા ચૂકવાતા હોય છે. તેની સામે રાજકીય પક્ષો આ પેઈડ કાર્યકરોને રોજના ૭૦૦થી ૯૦૦ રુપિયા આપે છે. આ ુઉપરાંત જરુર પ્રમાણે તેમને સવારના ચા -નાસ્તો કે ભોજનની સવલત પણ મળે છે. ફક્ત રેલીમાં એકવાર જોડાવાના ૨૦૦થી ૩૦૦ રુપિયા ઓફર થાય છે. બીજું ઉમેદવારો પણ મેઇડ સર્વન્ટને પ્રચાર માટે ઉપયોગી ગણાવે છે. કારણ કે જુદી જુદી હાઉસિંગ સોસાઇટીઓમાં બે-બે ચાર-ચાર ઘરમાં કામ કરતી મહિલાઓ સંબંધિત મકાનોમાં જાણીતી હોવાથી પ્રચાર માટે ફરી વળે છે, અને રહેવાસીઓ તરફથી તેમને સારો પ્રતિસાદ મળે છે.
મુંબઈ ઉપરાંત કલ્યાણ ડોંબિવલી જેવાં નજીકનાં શહેરોમાં પણ રોજિંદા પ્રચારક તરીકે કામ કરતા શ્રમિકોને રોજના ૭૦૦ રુપિયાનું રોકડ ભથ્થું ઉપરાંત વડા પાંવ અને પાણીની બોટલની ઓફર થાય છે.
મહિલા અને પુરૃષ પ્રચારકો સવારે ૯ ના ટકોરે ઉમેદવારોના કાર્યાલયમાં પહોંચી જાય છે અને પછી ઝંડા, પ્રચારપત્રકો અને મેગાફોન લઇને ચૂંટણી પ્રચાર માટે નીકળી પડે છે. મોટે ભાગે મહિલા પ્રચારકોને મહિલા ઉમેદવારોના પ્રચાર માટે રોકવામાં આવે છે. આ બહેનો માઇકમાં મહિલા ઉમેદવારના નામની ઘોષણા કરતી વોર્ડમાં ફરે છે.
ઉમેદવારો તરફથી રેલી પણ કાઢવામાં આવે છે જેમાં ઉમેદવાર સૌથી મોખરે રહે છે પરંતુ તેની સાથે તેમના જેન્યુઈન સમર્થકો કે પાર્ટી કાર્યકરો ઓછા હોય છે અને પેઈડ પ્રચારકો વધારે હોય છે.
કલ્યાણ-ડોંબિવલીમાં પેનલ વૉર્ડ પદ્ધતિને લીધે સંબંધિત વોર્ડના ઉમેદવારે ચાર જગ્યાએ પ્રચાર કાર્યાલય ખોલવા પડયા છે. કેટલાય રિક્ષાચાલકોને પણ પ્રચારકાર્ય માટે રોકવામાં આવ્યા છે. આ રિક્ષામાં બેસીને મહિલા અને પુરૃષ પ્રચારક ફરતા રહે છે અને ઉમેદવારને મત આપવાની અપીલ કરતા રહે છે. રિક્ષાવાળાને રોજનું બેથી અઢી હજારનું ભાડું ચૂકવવામાં આવે છે.


