રિડેવલપમેન્ટમાં ભાડું નહિ અપાયાના 67 કેસ હાઈકોર્ટમાં
એસઆરએ અને મ્હાડાની ઝાટકણી કાઢીઃ ભાડાં વિવાદો ઉકેલવા એકથી વધુ અધિકારીની નિયુક્તિનો આદેશ
મુંબઈ - ઝૂંપડપટ્ટી પુર્વસન ઓથોરિટી (એસઆરએ) અને મ્હાડાએ હાથ ધરેલા પુનર્વિકાસ યોજનામાં ભાડા અથવા ઘરની પ્રતીક્ષામાં રહેલા પાત્ર વ્યક્તિની તરફેણમાં હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. ડેવલપર જો ભાડું આપતો નહોય તો વેચાણ માટેની ૧૦થી ૨૦ ટકા ઘરો ઓથોરિટી જપ્ત કરી શકે છે એવો આદેશ આપ્યો છે.
ન્યા. કુલકર્ણી અને ન્યા. સાઠેની બેન્ચે એસઆરએ અને મ્હાડાના મુખ્ય કાર્યવાહી અધિકારીને ભાડા સંબંધી વિવાદ હાથ ધરવા એકથી વધુ અધિકારીની નિયુક્તિ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત એસઆરએ હેઠળ મળેલા અને મ્હાડાના ઘર ગેરકાયદે રહેનારા સામે કાર્યવાહી કરવાનો, પુનર્વિકાસીત ઘર પર ગેરકાયદે તાબો મેળવનારા અનધિકૃત વ્યક્તિને હટાવવા એક વિશેષ સેલ સ્થાપિત કરવાનો આદેશ કોર્ટે મ્હાડા અને એસઆરએને આપ્યો છે.
ડેવલપર જો બે વર્ષ કે એથી વધુ સમય ઘરનું ભાડુ આપ્યું નહોય એવી ૬૭થી વધુ અરજીઓ હાઈકોર્ટમાં દાખલ છે. અરજી પર સુનાવણી વખતે કોર્ટે ઉક્ત આદેશ આપ્યો હતો.
આવા કેસો હાથ ધરવામાં એસઆરએ અને મ્હાડાની અક્ષમતાને લઈને નારાજગી વ્યક્ત કરાઈ હતી. બે વર્ષનું અડેવાન્સ ભાડું ચૂકવવાનો સરકારનો નિર્ણય હોવા છતાં ડેવલપર અમલ કરતા નહોવા બાબતે કોર્ટે સંતાપ વ્યક્ત કર્યો હતો.
કોર્ટે જણાવ્યું હતું કે ભાડું નહીં આપવું એ બંધારણમાં જીવવાના આપેલા અને રહેઠાણના અધિકારની બાંયધરીનું ઉલ્લંઘનર્છે. આ બધા કેસો કોર્ટ સુધી કેમ પહોંચે છે તમારા સ્તરે ઉકેલ લાવો એમ જણાવીને ભાડા સંબંધી બધા વિવાદ જોવા સ્વતંત્ર અધિકારીની નિયુક્તિ કરવાનો કોર્ટે મ્હાડા અને એસઆરએને આદેશ આપ્યો છે.
એસઆરએએ ગત કેટલાંક વર્ષમાં ભાડાની વસૂલી કરવા નક્કર ઉપાયયોજના કરી છે અને આથી ૮૦૦ કરોડની વસૂલી કરવામાં આવી છે. એસઆરએએ ડેવલપર પર કાર્યવાહી કરી છે. ભાડાની વસૂલી માટે તમામ યોજનાનું ઓડિટ કરવાનું શરૃ કર્યું છે. એસઆરએને ભાડાની વસૂલી કરવા ડેવલપરની વ્યક્તિગત મિલકત પર કાર્યવાહી કરવાનો અધિકાર અપાયો છે અને આ અધિકારનો પણ ઉપયોગ કરવામાં આવશે, એમ એસઆરએ તરફથી સરાફે કોર્ટને જણાવ્યું હતું.
ભાડા નહીં આપવા સંબંધી વિવાદ ઉકેલવા ઓથોરિટીના સહાયક રજસ્ટ્રારની નિયુક્તિ કરવામાં આવ્યાની માહિતી એસઆરએ વતી વરિષ્ઠ વકીલે કોર્ટમાં આપી હતી.
ભાડાની રકમ નહીં આપનારાની યાદી તૈયાર કરીને ડેવલપર સામે અગાઉ કરેલી કાર્યવાહીની વિગત અને ભવિષ્યની કાર્યવાહીની માહિતી રજૂ કરવાનો આદેશ કોર્ટે આપ્યો છે.


