મરાઠી વિરોધી ટિપ્પણી બદલ હોટેલ ઓપરેટરને માર માર્યો

કલ્યાણ ઘટનાનો વીડિયો વાયરલ થયો
મુંબઇ - મરાઠી લોકો અને રાજ ઠાકરે વિરૃદ્ધ અપમાનજનક ટિપ્પણીનો આરોપ લગાવી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ કલ્યાણમાં ફૂડ સ્ટોલ ઓપરેટર પર કથિત હુમલો કર્યો હતો. આથી પરિસ્થિતિ તનાવપૂર્ણ બની ગઇ હતી.
મનસેના કૃત્ય બાદ પોલીસ સુરક્ષા વધારવામાં આવી
આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે કાયદો અને સુવ્યવસ્થા જાળવવા સુરક્ષા વધારી દીધી હતી.
કલ્યાણ સ્થિત દુર્ગામાતા મંદિર ચોક વિસ્તારમાં આવેલી એક હોટેલમાં આ ઘટના બની હતી.
આ વીડિયો ક્લિપમાં મનસેના કલ્યાણ (પૂર્વ)ના પદાધિકારી કુશ રાજપૂત અને અન્ય કાર્યકરો સાઉથ ઇન્ડિયન ફૂડ આઉટલેટના ઓપરેટર સાથે ઝઘડો કરતા અને માર મારતા જોવા મળે છે. તેને માફી માંગવાની ફરજ પાડવામાં આવી હતી. અને ભવિષ્યમાં આ પ્રકારનું વર્તન ન કરવાની ધમકી આપવામાં આવી હતી.
અગાઉ મીરા-ભાયંદરમાં મનસેના કાર્યકરોએ મીઠાઇની દુકાનના ઉત્તર ભારતીય માલિકને મરાઠી બોલતા ન આવડતા બદલ મારપીટ કરવાની ઘટના બની હતી. આ મામલો મીરા-ભાયંદર પોલીસે કેસ નોંધ્યો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અમે કલ્યાણની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો જોયો છે. અત્યાર સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. અમે સંબંધિત વિસ્તારમાં સુરક્ષા પેટ્રોલિંગ વધારી દીધી છે.
અગાઉ સ્કૂલના અભ્યાસક્રમમાં હિન્દી લાદવા અંગે ભારે હોબાળો થતા મહાયુતિ સરકારને જૂનમાં સરકારી બે ઠરાવો પાછા ખેંચવા પડયા હતા.








