31 જાન્યુ. સુધીમાં સ્થાનિક ચૂંટણીઓ યોજો દોઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર ચૂંટણી પંચને ખખડાવ્યુ

સુપ્રીમે નારાજ થઈને કહ્યું, પંચે પોતાની ફરજ બજાવી નથી, આ છેલ્લી મહેતલ
ચૂંટણી પંચે બોર્ડ પરીક્ષાના કારણે સ્કૂલો ઉપલબ્ધ નહિ હોય તેવાં ગલ્લાંતલ્લાં કરતાં ફટકાર ઃ બોર્ડ પરીક્ષાઓ તો માર્ચમાં હશે, બહાનાં ન કાઢો
૩ વર્ષથી પ્રલંબિત ચૂંટણી માટે પર્યાપ્ત ઈવીએમ નહિ હોવાનું ચૂંટણી પંચનું બહાનું પણ ફગાવ્યુું ઃ તા. ૩૧મી ઓક્ટોબર સુધીમાં વોર્ડ રચના પૂર્ણ કરવા આદેશ
મુંબઈ - મહારાષ્ટ્ર ચૂંટણી પંચ પોતાની ફરજ બજાવવામાં અને અમારા આદેશનું પાલન કરવામાં નિષ્ફળ ગયું છે એવી ફટકાર સાથે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર ચૂંટણી પંચને આગામી તા. ૩૧મી જાન્યુઆરી સુધીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજવા આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચંને ખખડાવતાં કહ્યું હતું કે તમે અમારા અગાઉના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છો. આ છેલ્લી મુદ્દત આપીએ છીએ. હવે કોઈ નવી મહેતલ નહિ મળે.
ચૂંટણી યોજવા માટે શાળાઓ ઉપલબ્ધ નહિ હોય કે પછી પૂરતાં ઈવીએમ પણ નથી તેવાં બહાનાં ચૂંટણી પંચે રજૂ કર્યાં હતાં પરંતુ સુપ્રીમ કોર્ટે એ બધી દલીલો ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્યમાં જિલ્લા પરિષદ, મહાનગરપાલિકા અને પંચાયત સમિતિની ચૂંટણીઓ જાન્યુઆરીના અંત સુધીમાં યોજવાનો માર્ગ મોકળો થયો છે. ન્યાયમૂૂર્તિ સૂર્યકાંત તથા ન્યાયમૂુર્તિ જોયમાલા બાગચીની બેન્ચે સાફ સાફ કહ્યું હતું કે આ છેલ્લી વાર મુદ્દત આપીએ છીએ. હવે પછી કોઈ મુદ્દત વધારો મળશે નહિ.
ચૂંટણી પંચે બોર્ડની પરીક્ષાના કારણે શાળાઓ ઉપલબ્ધ નહિ હોય તેવું કારણ રજૂ કરતાં સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે આ પરીક્ષાઓ તો છેક માર્ચ માસમાં યોજાવાની છે. પંચે ઈવીએમ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નહિ હોય તેવું કારણ આગળ ધરતાં સુપ્રીમે કહ્યું હતું કે નવેમ્બર મહિના સુધીમાં પર્યાપ્ત ઈવીએમ મેળવી લેજો.
કોર્ટે કહ્યું હતું કે તમારે તા.૩૧મી જાન્યુઆરી, ૨૦૨૬ સુધીમાં તમામ મ્યુનિસિપલ સંસ્થાઓ, જિલ્લા પરિષદો તથા પરિષદ સમિતિઓની ચૂંટણી યોજી જ દેવાની રહેશે. હવે પછી કોઈ મુદ્દત વધારો અમે આપવાના નથી. તમારે સાધનસામગ્રીની સહાયની જરુર હોય તો તે અંગેની અરજી ૩૧મી ઓક્ટોબર પહેલાં આપી દેવાની રહેશે.
પંચે હજુ મ્યુનિસિપલ વિસ્તારોમાં વોર્ડ રચનાને આખરી સ્વરુપ આપવાનું બાકી હોવાનું કહેતાં સુપ્રીમ કોર્ટે તા. ૩૧મી ઓક્ટોબર સુધીમાં વોર્ડ રચનાની કામગીરી પૂર્ણ કરી દેવા જણાવ્યું હતું.
ગત મે મહિનામાં સુપ્રીમ કોર્ટે આ ચૂંટણીઓ ચાર મહિનામાં યોજવાનો આદેશ આપ્યો હતો. જોકે, વરસાદ અને અન્ય કારણોસર ચૂંટણીઓ યોજાઈ શકી ન હતી.ઓબીસી અનામતના અમલીકરણ સંબંધિત ચુકાદાને કારણે ૨૦૨૨થી આ ચૂંટણીઓ વિલંબિત છે. જોકે, હવે કોર્ટે ચૂંટણીઓ યોજવાનો અંતિમ આદેશ આપ્યો છે.
થોડા દિવસો પહેલા, ચૂંટણી પંચે ૩૪ જિલ્લા પરિષદોમાં અધ્યક્ષ પદ માટે અનામતની જાહેરાત કરી હતી. રાયગઢ, સિંધુદુર્ગ, નાસિક, જલગાંવ, પુણે, છત્રપતિ સંભાજીનગર, બુલઢાણા, યવતમાળ જિલ્લામાં સામાન્ય શ્રેણી માટે અનામતની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે થાણે, કોલ્હાપુર, સાંગલી, ઘરશિવ, લાતુર, અમરાવતી, ગોંદિયા, ગઢચિરોલી જિલ્લા પરિષદોમાં સામાન્ય મહિલા શ્રેણી માટે અનામતની જાહેરાત કરવામાં આવી છે. સોલાપુર, હિંગોલી, નાગપુર, ભંડારામાં પુરુષ પછાત શ્રેણી માટે અનામત રહેશે, જ્યારે રત્નાગિરિ, ધુળે, સતારા, જાલના, નાંદેડમાં મહિલા પછાત શ્રેણી માટે અનામત રહેશે.









