Get The App

ઈદ મનાવવા દુબઈથી આવેલા ટીનેજર દ્વારા હીટ એન્ડ રનઃ તરુણનું મોત

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
ઈદ મનાવવા દુબઈથી આવેલા ટીનેજર દ્વારા હીટ એન્ડ રનઃ તરુણનું મોત 1 - image

ચાંદિવલીમાં ભાડાંની એસયુવી ચલાવી સ્કૂટરને ટક્કર મારી 

ઘટનાસ્થળેથી ફરાર થયા બાદ ચાંદિવલીમાં એક સ્વજનના ઘરેથી ઝડપાયોઃ કાર ભાડે લેનારા યુવાન મિત્રને પણ નોટિસ

મુંબઈ -  ઇદની ઉજવણી કરવા દુબઈથી આવેલા એક ૧૭ વર્ષીય ટીનેજરે રવિવારે રાત્રે ચાંદિવલીમાં ભાડેથી લીધેલ એસયુવીથી એક સ્કૂટરને ટક્કર મારતા ૧૫ વર્ષના પિલિયન રાઇડર કિશોરનું મોત થયું હતું. આ ઘટના બાદ ટીનેજર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો  હતો, પણ પોલીસે તેને ગણતરીના કલાકોમાં અટકાયતમાં લઈ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર કરતા તેને ૨૭ માર્ચ સુધી સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો  હતો. અકસ્માતની ઘટનામાં પ્રતિક માને (૧૫)નું મોત થયું હતું. જ્યારે પ્રતિકના ભાઈ સુમિત (૨૨)ને ઇજાઓ થઈ હતી.

આ બાબતે સાકીનાકા પોલીસના સૂત્રોનુસાર ટીનેજર ડ્રાઇવરના પરિવારે તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો અને દાવો કર્યો હતો કે અકસ્માત પછી તે મીરા રોડ જવા રવાના થઈ ગયો છે, પણ પોલીસે ચાંદિવલીના એક સંબંધીના ઘરે છૂપાયેલા ટીનેજરને પકડી પાડયો હતો. આ બાબતે ટીનેજરના મિત્ર મોહમ્મદ અનસ મોહરમલ્લી ખા (૨૨) સામે પણ આરોપ મૂકવામાં આવ્યો હતો. જે એમબીબીએસનો વિદ્યાર્થી છે અને તેણે જ તે દિવસ માટે એસયુવી ભાડે લીધી હતી. તેને પણ નોટિસ આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે તેની ચોક્કસ ભૂમિકા જાણવા માટે તપાસ ચાલી રહી છે. ત્યાર બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ અકસ્માતમાં સ્કૂટર પર પાછળ બેસેલા પ્રતિક માને (૧૫)ને માથામાં ગંભીર ઈજાઓ સાથે રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. આ આ બાબતે ડીસીપી (ઝોન-૧૦) દત્તા નલાવડેએ જણાવ્યું હતું કે સગીર આરોપી ગયા અઠવાડિયે દુબઈથી ઇદની ઉજવણી કરવા સાકીનાકા આવ્યો હતો. જોકે ઘટના સમયે ટીનેજર કઈ તરફ જઈ રહ્યો હતો તે સ્પષ્ટ થયું નહોતું.

આ બાબતે વધુ વિગત આપતા મૃતક પ્રતિકના ભાઈ સુમિતે પોલીસને જણાવ્યું હતું કે ગામમાં શુભપ્રસંગ હોવાથી અમુક ખરીદી કરવા તેઓ સ્કૂટર પર તેમના ચાંદિવલીના ઘરેથી નીકળ્યા હતા. જ્યારે તેઓ નાહર અમૃત શક્તિ રોડ પાસે પહોંચ્યા ત્યારે ગેટમાંથી અચાનક આવેલ એક એસયુવીએ તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. આ ઘટના બાદ એસયુવીનો ડ્રાઇવરે ત્યાં ઊભા રહેવાની જગ્યાએ વાહન ભગાવી મૂક્યું હતું. સીસીટીવી કેમેરામાં કારની નંબર પ્લેટનો અમુક જ હિસ્સો ઝીલાયો હતો.

આ ઘટના બાદ ડીસીપી નલાવડેના માર્ગદર્શન હેઠળ એક ટીમે એસયુવી ભાડે આપનાર કાર રેન્ટલ કંપનીને શોધી કાઢી જ્યાં ખાને જમા કરેલા દસ્તાવેજના આધારે તેમની વિગતો મેળવી કાર ડ્રાઇવરને શોધી કાઢવામાં આવ્યો હતો. પ્રતિકના પિતા સુભાષ ઓટો ડ્રાઇવર છે અને તેની માતા ઘરકામ કરે છે.