માત્ર 68 શબ્દોમાં છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ
હવે સીબીએસઈના અભ્યાસક્રમનો વિવાદ
મહારાષ્ટ્રની વિધાનસભામાં મુદ્દો ચર્ચાયો, કેન્દ્રીય શિક્ષણમંત્રીનું વિસ્તૃત પાઠનું આશ્વાસન
મુંબઈ - હિંદવી સ્વરાજના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના ગઢકિલ્લાઓને 'યુનેસ્કો'ના વૈશ્વિક વારસામાં સ્થાન મળ્યું છે. ત્યારે બીજીતરફ સીબીએસઈના સંપૂર્ણ અભ્યાસક્રમમાં શિવાજી મહારાજનો એક જ પાઠ અને તે પણ માત્ર ૬૮ શબ્દોમાં મૂકવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
શિવાજી મહારાજની આવી અવમાનના બદ્દલ સત્તાધારી શિવસેનાના વિધાનસભ્ય ભાવના ગવળીએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. દરમ્યાન, સીબીએસઈના અભ્યાસક્રમમાં શિવાજી મહારાજનો વિસ્તૃત ઈતિહાસ સમાવિષ્ટ કરવાનું આશ્વાસન કેન્દ્રીય મંત્રીએ આપ્યું છે. જરુર પડી તો કેન્દ્રીય શિક્ષણમંત્રીને મળવા માટે શિષ્ટ મંડળ લઈ દિલ્હી પહોંચીશું, એવું રાજ્ય શિક્ષણ મંત્રી પંકજ ભોયરે વિધાનસભામાં જણાવ્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ સુધી જવો જોઈએ. તેમજ સીબીએસઈના માધ્યમે દેશના વિદ્યાર્થીઓ સુધી પણ તે પહોંચવો જોઈએ. પરંતુ સીબીએસઈના ઈતિહાસના પેપરમાં માત્ર ૬૮ શબ્દોમાં શિવાજી મહારાજની વાત કરવામાં આવી છે. તે અપમાનાસ્પદ બાબત હોવાનો ભાવ અપક્ષ વિધાનસભ્ય સત્યજીત તાંબેએ વ્યક્ત કર્યો હતો.
આ સંદર્ભે સ્કૂલ શિક્ષણમંત્રી દાદા ભૂસેએ કેન્દ્રીય મંત્રીને મળી સવિસ્તાર તેમજ અભ્યાસપૂર્ણ ઈતિહાસનો સમાવેશ કરવાની વિનંતી કરી છે. તેને કેન્દ્રીય મંત્રીનું સકારાત્મક આશ્વાસન મળ્યું છે.