Get The App

મીઠીબાઈ કૉલેજ વિસ્તારની 'ખાઉ ગલ્લી' સંપૂર્ણ તોડી પડાતાં હવે ઇતિહાસ બની

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
મીઠીબાઈ કૉલેજ વિસ્તારની 'ખાઉ ગલ્લી' સંપૂર્ણ તોડી પડાતાં હવે ઇતિહાસ બની 1 - image

અડધી સદી જૂની ફૂડ સ્ટ્રીટ હવે માત્ર લોકોની યાદીમાં જ રહેશે

પાલિકાએ ૨૭ વૈકલ્પિક જગ્યા બતાવી પરંતુ સ્ટોલધારકોએ ના પાડી દીધીઃ અહીં મેટ્રો લાઈન ટુ બીનું સ્ટેશન બનશે

મુંબઈમુંબઈના વિલે પાર્લે પશ્ચિમ વિસ્તારમાં મીઠીબાઈ કોલેજ નજીક આવેલી પ્રખ્યાત 'મીઠીબાઈ ખાઉ ગલ્લી' હવે ઇતિહાસ બની ગઈ છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા લગભગ ૫૦ વર્ષ જૂની આ લોકપ્રિય ફૂડ સ્ટ્રીટને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવી છે. જિની ઢોસા, બટર વડાપાવ અને વિવિધ  ફ્યુઝન વાનગીઓ માટે જાણીતી આ ખાઉ ગલ્લી હવે મેટ્રો લાઇન-૨બીના સ્ટેશનના નિર્માણ માટે ખાલી કરવામાં આવી છે. આ મેટ્રો માર્ગ ડી.એન. નગરથી મંડાલે (માનખુર્દ) સુધી જોડાશે.

આ કાર્યવાહી પહેલા સ્ટોલધારકો અને પાલિકા વચ્ચે લાંબી કાનૂની લડત ચાલી હતી. નવેમ્બર ૨૦૨૫માં બીએમસીએ વેપારીઓને જગ્યા ખાલી કરવાની નોટિસ પાઠવી હતી. બીએમસી અને એમએમઆરડીએના સંયુક્ત સર્વે મુજબ આ સ્ટોલ્સ પ્રસ્તાવિત મેટ્રો સ્ટેશનના વિસ્તારમાં આવતા હતા. બાદમાં બોમ્બે હાઈકોર્ટે વેપારીઓની અરજીઓ ફગાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, જાહેર હિતના મોટા પ્રોજેક્ટને થોડા ખાનગી ધંધાઓ માટે અટકાવી શકાય નહીં. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, પાલિકાએ આપેલા ૨૭ વૈકલ્પિક જગ્યાના પ્રસ્તાવો વેપારીઓએ નકારી કાઢયા હતા.

પાલિકા અધિકારીઓના જણાવ્યાનુસાર, ખાઉ ગલ્લીના સ્ટોલ્સ અનેક નિયમોના ભંગ કરતા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોથી ૧૦૦ મીટરના વિસ્તારમાં આવા સ્ટોલ્સ ચલાવવા પર સુપ્રીમ કોર્ટના નિયમો હેઠળ પ્રતિબંધ છે. ઉપરાંત વેપારીઓ પાસે જરૃરી પરવાનગીઓ ન હોવા અને રસ્તા પર રસોઈ બનાવી ગટરમાં કચરો નાંખવાના આરોપો પણ કરવામાં આવ્યા હતા. મેટ્રો-ટુબી પ્રોજેક્ટના કામને કારણે પાલિકાએ કાર્યવાહી વધુ ઝડપી બનાવી હતી.

આ ખાઉ ગલ્લી તોડી પડાઈ તે પૂર્વે વિદ્યાર્થીઓ, સ્થાનિક રહેવાસીઓ અને ખાણીપીણીના શોખીનોમાં ભારે ભાવુકતા જોવા મળી હતી. અનેક લોકોએ તેને 'એક યુગનો અંત' ગણાવ્યો હતો. વર્ષોથી વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ જગ્યા માત્ર ખાવાપીવાનો જ નહીં પરંતુ મળવા તથા મિટીંગ કરવાનો પ્રખ્યાત અડ્ડો બની ગયું હતું. સ્ટોલ માલિકોએ પણ પાલિકાની વૈકલ્પિક જગ્યાઓને વ્યવસાય માટે પ્રતિકૂળ ગણાવી નિરાશા વ્યક્ત કરી હતી. હવે આ વિસ્તારના લોકો માટે મીઠીબાઈ ખાઉ ગલ્લીના સ્વાદ અને વાતાવરણ માત્ર યાદોમાં જ રહી જશે.