હિંદુઓની પવિત્ર લગ્ન પ્રથા યુગલોના ક્ષુલ્લક ઝઘડાઓથી જોખમમાં : હાઈકોર્ટ

પત્નીએ પતિ, સાસરિયાં સામે કરેલો દહેજનો કેસ રદ કરતી વખતે અવલોકન
પતિનાં સ્વજનો સામે કેસ કરવાના વધતા ટ્રેન્ડને જોતાં આવા કેસોમાં અલગ દ્રષ્ટિકોણ જરુરીઃ લગ્ન સંબંધી વિખવાદો સામાજિક દૂષણ બન્યાં
મુંબઈ - હિન્દુઓમાં લગ્ન અતિ પવિત્ર માનવામાં આવે છે પણ યુગલો વચ્ચે નજીવી વાતે થતા ે ઝઘડાને કારણે હવે તે જોખમમાં છે એવું નિરીક્ષણ બોમ્બે હાઈકોર્ટે પતિ અને તેના પરિવારના સભ્યો સામેના દહેજ માટે સતામણીના કેસને રદ કરતી વખતે કર્યુ ંહતું.
હાઈકોર્ટની નાગપુર બેન્ચે જણાવ્યું હતું કે લગ્ન સંબંધી વિવાદમાં જો ફરી મનમેળ શક્ય નહોય તો તેનો તાત્કાલિક અંત લાવવો જોઈએ જેથી પક્ષકારોની જીંદગી બગડે નહીં.
પતિ અને તેના પરિવારજનોએ દહેજની સતામણીનો ડિસેમ્બર ૨૦૨૩નો કેસ રદ કરવા માટે કરેલી અરજીની સુનાવણી થઈ રહી હતી. મહિલાએ કોર્ટને જણાવ્યં હતું કે કેસ રદ કરવા સામે પોતાને વાંધો નથી કેમ કે હવે તેને પાછલો ભૂતકાલ ભૂલી જિંદગીમાં આગળ વધવું છે. છૂટાં પડી ચૂકેલાં પતિ-પત્નીએ કોર્ટને જણાવ્યું હતું કે તેમણે તેમના વિવાદોનો અંત આણી પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ લીધા છે.
કેસ રદ કરતી વખતે કોર્ટે જણાવ્યું હતું કે દહેજ માટે સતામણી અને અકુદરતી સંભોગ સંબંધી કેસો સમાધાનપાત્ર નથી હોતા. પરંતુ, છેવટે ન્યાય મળે તે સુનિશ્ચિત કરવા માટે અદાલતો કાનૂની કાર્યવાહી રદ કીર શકે છે.
અદાલતે એમ પણ કહ્યું હતું કે પતિના અનેક સ્વજનો સામે કેસ કરવાનો ટ્રેન્ડ તાજેતરમાં વધી ગયો છે. આથી લગ્ન સંબંધી વિખવાદના કેસ હવે જુદી દ્રષ્ટિએ હાથ ધરવાનું મહત્વનું બની ગયું છે.
પક્ષકારો કેસનું પરસ્પર સમજૂતીથી સમાધાન કરવા માગતા હોય અને શાંતિથી રહેવા માગતા હોય તો તેમને પ્રોત્સાહિત કરવાની કોર્ટની ફરજ છે.
લગ્ન સંબંધી વિખવાદો સામાજિક દૂષણ બની ગયાં છે. દંપતી વચ્ચે નજીવા મુદ્દે થતી તકરારો જીવન અને લગ્ન બરબાદ કરે છે. હિન્દુમાં લગ્નને અતિપવિત્ર માનવામાં આવે છે પણ હવે આ પ્રથા જોખમમાં છે. હિંદુ ધર્મ પ્રમાણે લગ્ન એ માત્ર સામાજિક કરાર જ નહીં પણ બે આત્માનું આધ્યાત્મિક મિલન છે તેમ મનાય છે તે વાતનો કોર્ટે ખાસ ઉલ્લેખ કર્યો હતો.
લગ્નસંબંધ સુધારવા અનેક કાયદા તૈયાર કરાયા છે, પણ લોકો તેનો દુરુપયોગ કરે છે અને તેના લીધે માનસિક અને શારીરિક સતામણી, અનંતકાળ ચાલતી લડાઈ, આર્થિક નુકસાન અને ભરપાઈ થાય નહીં તેવું નુકસાન પરિવારના સભ્યો અને બાળકોએ ભોગવવું પપડે છે.









