Get The App

મુંબઈના સ્ટુડિયોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા : બાળકોને બંધક બનાવ્યા

Updated: Oct 31st, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈના સ્ટુડિયોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા : બાળકોને બંધક બનાવ્યા 1 - image

- મુંબઈ શિક્ષણ વિભાગે બે કરોડ ન આપતા બાળકોને બાનમાં લેનારા રોહિત આર્ય અંતે એન્કાઉન્ટરમાં ઠાર

- રોહિતે 17 બાળકો સહિત 19ને વેબ સીરિઝના ઓડિશનના બહાને બોલાવી બંધક બનાવ્યાં અને જીવતાં સળગાવી દેવાની ચિમકી આપી હતી

મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈના પવઈ વિસ્તારના એક સ્ટુડિયોમાં આજે બપોર-૧૭ છોકરા-છોકરી સહિત ૧૯ જણને બંધક બનાવનારા કિડનેપર રોહિત આર્ય રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. બીજી તરફ  તમામ ૧૯ જણને બચાવવામાં આવ્યા હતા. અપહરણકર્તાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો કરી પોતે આ જગ્યાએ આગ લગાવી દેશે તેવી ચિમકી આપી હતી. તેણે  એરગનથી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ગોળીબાર કરવો પડયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. રોહિત આર્યએ મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગ માટે આપણી સ્કૂલ, બ્યુટિફૂલ સ્કૂલના પ્રોજેક્ટને  કન્સેપ્ટ આપ્યો હતો તથા તેનું અમલીકરણ પર કરાવી આપ્યું હતું. તેના બાકી વળતર પેટે સરકાર દ્વારા વચન  મુજબના બે કરોડ રુપિયા નહિ  ચૂકવાતાં પોતે સંબંધિત પદાધિકારીઓ સુધી વાત પહોંચાડવા આ કૃત્ય કર્યું હોવાનો દાવો ૫૦ વર્ષીય  રોહિતે વિડીયોમાં કર્યો હતો. તેની પાસે એરગન ઉપરાંત કેટલાક કેમિકલ હતા, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું.

પવઈમાં સાકી વિહાર રોડ પર મહાવીર ક્લાસિક બિલ્ડિંગમાં આજે બપોરે આ ઘટના બની હતી. રોહિત આર્યએ પ્રિ પ્લાન્ડ રીતે લગભગ ૧૫ વષની વય જૂથનાં છોકરા અને છોકરીઓની વેબ સિરીઝના ઓડિશનના બહાને બોલાવ્યા હતા.   બે દિવસથી આ ઓડિશન ચાલતાં હતાં. આજે બપોરે  ઓડિશન દરમિયાન બપોરે એક વાગ્યાની આસપાસ લંચ બ્રેકમાં પણ બાળકો બહાર નહિ નીકળતાં તેમના વાલીઓને શંકા ગઈ હતી. તે પછી રોહિતે પોતે આ બાળકોને બંધક બનાવ્યાં હોવાનુું જણાવ્યું હતું.  પોલીસ સ્ટુડિયોમાં પ્રવેશે તે પહેલા આર્યએ એક વીડિયો જાહેર કર્યો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વીડિયો દ્વારા તેણે જણાવ્યું હતું કે 'હું રોહિત આર્ય છું. આત્મહત્યા કરવાને બદલે, મેં એક કાવતરું ઘડયું છે. અને કેટલાક છોકરા-છોકરીને બંધક બનાવ્યા છે. હું આતંકવાદી નથી. મારી કેટલીક માગણીઓ છે, ખૂબ જ નૈતિક માગણીઓ છે. મારા કેટલાક પ્રશ્નો છે. હું અમુક લોકો સાથે વાત કરવા માગું છું. મને જવાબો જોઈએ છે મારી પૈસાની કોઈ માગ નથી. મને બીજું કંઈ જોઈતું નથી. ફક્ત વાતચીત કરવા માગું છું. મે અનેક પ્રયત્નો કર્યા હતા. અનેક લોકો મને ઘણીવાર મળ્યા હતા. ૧ મેથી ઉપવાસ પછી પણ આજે કાલે જ થઈ રહ્યું છે. આથી આજથી મેં તીવ્ર ઉપવાસ શરૂ કર્યા છે. પાણી પણ નહીં લઈશ. તમે ગંભીરતા સમજો તો સારું રહેશે, નહીં તો જય શ્રીરામ.

કિડનેપર રોહિત આર્યએ વધુમાં કહ્યું કે 'હું  એકલો નથી ઘણા લોકોને આ સમસ્યા છે. હું આ જ ઉકેલ માટે વાતચીત કરવા માગું છું. તમારા તરફથી સહેજ પણ ખોટું પગલું મને આ આખી જગ્યાએ આગ લગાડવા માટે પ્રેરી શકે છે. મારું મોત થાય કે ન થાય, છોકરાઓને નુકસાન થશે, એના માટે મને જવાબદાર ઠેરવવો ન જોઈએ. તેણે વાતચીત પછી રૂમમાંથી બહાર આવશે એવો દાવો કર્યો હતો. દરમિયાન  એમ કહેવાય છે કે રોહિતે સરકારી શિક્ષણ પ્રોજેક્ટમાં આર્થિક નુકસાન થયું હોવાનો દાવો કરીને સરકાર સામે વાતચીત કરવા માટે આ અંતિમ પગલું ભર્યું હતું. 

ડીસીપી  નલાવડેએ જણાવ્યું હતું કે 'પોલીસે રોહિત સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વાતચીતમાં કોઈ પ્રગતિ  ન થતા પોલીસની એક ટીમ બાથરૂમમાંથી સ્ટુડિયોમાં પ્રવેશી હતી. રોહિતે એરગનથી છોકરાઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેને ગોળી મારી દીધી હતી. બાદમાં હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

હોસ્ટેજ ડ્રામા માટે ગુરુવાર જ પસંદ કર્યો

રોહિતે યામી ગૌતમની ' એ થર્સડે ફિલ્મ'  પરથી પ્રેરણા લીધાની શંકા

- ફિલ્મમાં પણ યામી ગૌતમ અંગત કારણોસર સ્કૂલના બાળકોને હોસ્ટેજ બનાવે છે તેવી વાર્તા હતી

મુંબઈ : પવઈના સ્ટુડિયોમાં ૧૯ જણને બંધક બનાવનારા રોહિત આર્યએ બોલિવુડની યામી ગૌતમની ફિલ્મ 'એ થર્સડે'થી પ્રેરિત થઈને આ ગુનો કર્યો હોવાની ચર્ચા થઈ રહી છે.

ફિલ્મનું ટાઈટલ 'એ થર્સ ડે ' હતું અને રોહિત આર્યએ પણ ગુરુવારનો દિવસ જ આ હોસ્ટેજ ડ્રામા માટે પસંદ કર્યો હતો. 

સૂત્રોના જણાવ્યા મુજબ પવઈ કેસ એ થર્સ ડે ફિલ્મના પ્લોટ જેવો જ છે. ફિલ્મમાં પણ યામી ગૌતમનું પાત્ર સરકાર પાસે વિવિધ માગણીસ્ટે બાળકોને સ્કૂલમાં હોસ્ટેજ બનાવે છે તેમ દર્શાવાયું છે.   પહેલાં તો આ કોઈ સામાન્ય કિડનેપિંગ જેવી સ્થિતિ લાગે છે પણ બાદમાં  ખ્યાલ આવે છે કે કિડનેપરે પોતાના અંગત સામાજિક કારણોસર આ ખેલ રચ્યો હતો. 

ફિલ્મમાં યામી ગૌતમ દ્વારા નૈના જયસ્વાલ નામની એક સ્કૂલની શિક્ષિકા ભૂમિકા ભજવવામાં આવી હતી. જે પોસ્કો એકટની આસપાસ પોતાની માંગણીઓ સાથે ૧૬ વિદ્યાર્થીઓને બંધક બનાવે છે.

આ ફિલ્મમાં અભિનેતા અતુલ કુલકર્ણી, નેહા ધૂપિયા અને ડિમ્પલ કાપડિયા એ ભૂમિકાઓ ભજવી હતી. 

રોહિત આર્યનો દાવો, અનેક લોકો મારી સાથે છે

હું આતંકી નથી, સામાન્ય માણસની વાત ન સાંભળી એટલે  આવું કર્યું

- એક સામાન્ય માણસને વાત નહિ કરવા દેવાતાં આ પરિસ્થિતિ સર્જાઈ છે: રોહિતનો વિડીયો

મુંબઈ : હું રોહિત આર્ય છું, સ્યુસાઈડ કરવાને બદલે મેં આ પ્લાન બનાવ્યો છે. મેં અહીં કેટલાંક બાળકોને હોસ્ટેજ રાખ્યાં છે. મારીબહુ બધી માગણીઓ નથી. મારી માગણી બહુ સિમ્પલ છે. મારી માગણીઓ એકદમ નૈતિક છે. મારા કેટલાક સવાલો છે. મારે કેટલાક લોકો  સાથેે વાત કરવી છે. તેઓ જે જવાબ આપે તેના પર મારે વળતા સવાલો પણ કરવા છે. મારે બીજું કાઁઈ જોતું નથી. મારી પૈસાની પણ માગણી નથી. હું કોઈ ત્રાસવાદી નથી. મારે ફક્ત વાતચીત કરવી છે અને તેના માટે મેં આ બાળકોને હોસ્ટેજ બનાવ્યાં છે. આ બાળકો સાથે કશુંક અઘટિત થશે. જો હું જીવતો રહીશ તો હું કરીશ પરંતુ મને કાંઈ થશે તો બીજા લોકો કરશે.   તમારા તરફથી એક પણ ખોટું કદમ ઉઠાવાશે તો હું આ આખી જગ્યા સળગાવી દઈશ. હું મરીશ કે નહિ મરું પરંતુ બાળકોને હાનિ થશે એ ચોક્કસ છે. તેમને વધારે કાંઈ થાય તો મને જવાબદાર ન ગણવો પરંતુ એ લોકોને જવાબદાર ગણવા જેમણે બિનજરુરી રીતે આ પરિસ્થિતને નોતરી છે. એક નોર્મલ કોમન માણસ ફક્ત વાત કરવા માગતો હતો તેમ છતાં તેમણે આ પરિસ્થિતિ સર્જી છે. મારી વાત થશે પછી હું બહાર આવીશ. હું એકલો નથી. મારી સાથે બીજા પણ લોકો છે. મારા જેમ કેટલાય લોકો હેરાન થયા છે. તેમનો હું આજે નિવેડો લાવવા માગું છે. મને કોઈનેય નુકસાન કરવા માટે ઉશ્કેરશો નહિ.