Mumbai

હાઈકોર્ટની ઓનલાઇન પ્લેટફોર્મ્સને ઐશ્વર્યા રાયની મંજૂરી વિના તસવીરો ન વાપરવા તાકીદ

By GS TEAM
12 Sep 20252 mins read
હાઈકોર્ટની ઓનલાઇન પ્લેટફોર્મ્સને ઐશ્વર્યા  રાયની મંજૂરી વિના તસવીરો ન વાપરવા તાકીદ

અભિષેક બચ્ચનને પણ  હાઇકોર્ટમાં પર્સનાલિટી રાઈટ્સનું  સંરક્ષણ  માંગ્યું છે

સંબંધિત વેબસાઈટ્સને  ઐશ્વર્યાનું ગેરકાયદે કન્ટેન્ટ દૂર કરી એક મહિનામાં લેખિત જવાબ નોંધાવવાનો  કોર્ટનો આદેશ

ઐશ્વર્યા રાયે તેના પર્સનાલિટી રાઈટ્સનાં સંરક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં કરેલી અરજીને માન્ય રાખી અદાલતે ઓનલાઇન પ્લેટફોર્મ્સને તેની મંજૂરી વિના તેનું નામ અને તસવીરો ગેરકાયદે ન વાપરવાની તાકીદ કરી હતી.  હાઈકોર્ટે ઐશ્વર્યાની મંજૂરી વિના તેના નામ, અવાજ , તસવીરો વગેરેનો કમર્શિઅલી દુરુપયોગ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. 

જસ્ટીસ તેજસ કારિયાએ જણાવ્યું હતું કે જ્યારે વિખ્યાત હસ્તીઓની પર્સનાલિટીનો ઉપયોગ તેમની મંજૂરી વિના કરવામાં આવે તો તેના કારણે સબંધિત વ્યક્તિને વ્યવસાયી અવરોધનો સામનો કરવો પડા શકે એટલું જ નહીં તેમના ગૌરવપૂર્વક જીવન જીવવાના અધિકાર પર પણ તેની અસર પડે છે. અદાલત આવા અનધિકૃત ઉપયોગ સામે આંખ આડા કાન ન કરી શકે અને સંબંધિત વ્યક્તિના અધિકારોનું રક્ષણ કરવાની તેની ફરજ છે. અદાલતે નવમી સપ્ટેમ્બરે આપેલાં આદેશને બુધવારે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.

દસમી સપ્ટેમ્બરે અદાલતે ઐશ્વર્યાના પતિ અભિષેક બચ્ચનની અરજીને પણ હાથ ધરી આ મામલે વચગાળાનો આદેશ તે જારી કરશે તેમ જણાવ્યું હતું. ૨૦૨૩માં આ દંપતીની પુત્રી આરાધ્યા બચ્ચને પણ હાઇકોર્ટમાં અરજી કરી તેના આરોગ્ય વિશેના ગેરમાર્ગે દોરનારાં કન્ટેન્ટને હટાવવા અરજી કરી હતી. 

ઐશ્વર્યાએ તેના વકીલો મારફતે અરજી કરી જણાવ્યું હતું કે અનેક વેબસાઈટ્સ પર તેનાં નામ, તસવીરો, વિડીયો, અવાજ વગેરેનો તેની સંમતિ વિના કમર્શિઅલી ઉપયોગ થઈ રહ્યો છે. આ રીતે તેના પર્સનાલિટી રાઈટ્સનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તેની મોર્ફ કરાયેલી ઈમેજીસ તથા વિડીયો પણ કેટલીય પોર્નસાઈટ્સ પર દર્શાવાઈ રહ્યા છે.અદાલતે વચગાળાના આદેશમાં આ વેબસાઇટ્સને તેના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરી તેના સબંધિત સામગ્રી તેની મંજૂરી વિના વાપરવા પર પ્રતિબંધ મુક્યો હતો. અદાલતે હાલ એકપક્ષી આદેશ આપી બચાવપક્ષને તેમનો લેખિત જવાબ મહિનામાં નોંધાવવાની તાકીદ કરી આ મામલે વધુ સુનાવણી આવતાં વર્ષે પંદર જાન્યુઆરી પર મુલતવી રાખી હતી. 

અગાઉ અમિતાભ બચ્ચન, અનિલ કપૂર તથા  જેકી શ્રોફ  પણ પોતાના પર્સનાલિટી તથા પબ્લિસિટી રાઈટ્સનાં જતન માટે આ પ્રકારની અરજી કરી  હાઈકોર્ટમાંથી યોગ્ય આદેશ મેળવી  ચૂક્યા છે. અનિલ કપૂરના તકિયા કલામ 'જક્કાસ'ના કમર્શિઅલ ઉપયોગ પર હાઈકોર્ટે પ્રતિબંધ  મૂક્યો હતો.