Mumbai

પોક્સો કેસમાં હાઈકોર્ટે 15 વર્ષની કિશોરી સામે ચાર્જશીટ અટકાવીે

By GS TEAM
11 Oct 20252 mins read
પોક્સો કેસમાં હાઈકોર્ટે   15 વર્ષની કિશોરી સામે  ચાર્જશીટ  અટકાવીે

તરુણી પર સહાધ્યાયી તથા તેની માતાને ઉત્તેજક મેસેજીસ  મોકલવાનો આરોપ

પીડિતા અને આરોપી બંને તરુણી છે ત્યારે પોલીસ પોક્સો કેમ લાગુ પાડી શકે તેવો કોર્ટનો સવાલઃ મજાક મજાકમાં મેસેજ મોકલ્યાનનો આરોપી તરુણીનો દાવો

મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને  સહાધ્યાયી તથા તેની માતાને કથિત રીતે જાતીય ઉત્તેજક સંદેશા મોકલવાના કેસની આરોપી ૧૫ વર્ષની કિશોરી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ ન કરવા જણાવ્યું છે. 

 મુખ્ય ન્યાયાધીશ  ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે પોલીસને એવો પણ પ્રશ્ન કર્યો હતો કે જ્યારે પીડિતા અને આરોપી બંને ૧૫ વર્ષની છોકરીઓ હોય ત્યારે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોક્સો) કાયદા હેઠળ કેસ કેવી રીતે નોંધી શકાય?

આરોપી કિશોરી દ્વારા દાખલ કરાયેલી અરજી પર હાઇકોર્ટ સુનાવણી કરી રહી હતી, અરજીમાં તેણે દાવો કર્યોે હતો કે તે તેના સહાધ્યાયી સાથે મજાક કરી રહી હતી. આ અરજી તેના પિતા દ્વારા દાખલ કરવામાં આવી હતી.

૧૦ જુલાઈના રોજ કાંદિવલી પોલીસે કેસ નોંધ્યો હતો. જેના મુજબ ૧૫ વર્ષની છોકરીએ ફરિયાદ કરી હતી કે તેને અજાણ્યા નંબર પરથી પ્રેમમાં હોવાનો દાવો કરીને અશ્લીલ સંદેશાઓ મળ્યા હતા. મોકલનારને પુરુષ માનીને, તેણે નંબર બ્લોક કરી દીધો. જોકે, ટૂંક સમયમાં જ તેના સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર આવા સંદેશાઓ દેખાયા હતા.

ટૂંક સમયમાં પીડિતાની માતાને પણ આવા જ સંદેશા મળવા લાગ્યા હતા. જોકે, જ્યારે માતાએ પણ નંબર બ્લોક કરી દીધો, ત્યારે મોકલનાર વ્યક્તિએ પીડિતાના મિત્રો સાથે એક વોટ્સએપ ગુ્રપ બનાવ્યું અને તે જ જાતીય ઉત્તેજક સંદેશાઓ મોકલ્યા હતા. પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે આ સંદેશાઓ પીડિતાના સહાધ્યાયી દ્વારા મોકલવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ તેના મિત્ર સાથે  મજાક રમી હતી, તેને કાનૂની પરિણામોની ખબર નહોતી.

બુધવારે સુનાવણી દરમિયાન, કોર્ટે પોલીસના પોક્સો એક્ટ લાગુ કરવાના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. પોલીસે પોક્સો હેઠળ કેસ કેમ નોંધ્યો? એમ ન્યાયાધીશોએ ટિપ્પણી કરી હતી.

વધારાના સરકારી વકીલ એસ.સી. ગાવંડે સમજાવ્યું હતું કે શરૃઆતની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો. સગીરની ફરિયાદ અજાણ્યા નંબર પરથી મેસેજ મળવા અંગે હતી.  તે સમયે, એ ખબર નહોતી પડી કે મેસેજ કોણે મોકલ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે મેસેજ એક છોકરી દ્વારા મોકલવામાં આવ્યો હતો,એમ ગાવંડે જણાવ્યું.

અરજદારના વકીલે વિનંતી કરી હતી કે મામલો પેન્ડિંગ હોય ત્યાં સુધી પોલીસને ચાર્જશીટ દાખલ ન કરવાનો નિર્દેશ આપવામાં આવે. ત્યારબાદ બેન્ચે ગાવંડને તપાસ અધિકારીને સૂચના આપવા કહ્યું કે હાઈકોર્ટ અરજી પર સુનાવણી કરી રહી છે. અરજી આગામી સપ્તાહે સુનાવણી માટે રાખવામાં આવી છે.