Mumbai

મઢ ટાપુના નકશાઓમાં ચેડાંની તપાસમાં ઢીલથી હાઈકોર્ટ વિફરીઃ અધિકારીઓને તેડું

By GS TEAM
26 Sep 20252 mins read
મઢ ટાપુના નકશાઓમાં ચેડાંની તપાસમાં ઢીલથી  હાઈકોર્ટ વિફરીઃ અધિકારીઓને તેડું

શું પટાવાળા એટલા શક્તિશાળી હતા કે અધિકારીઓએ આંખ આડા કાન કર્યા? 

એડિ.કલેક્ટર,  આસિ. મ્યુ. કમિશનરને હાજર રહી તેઓ એસઆઈટીને તપાસમાં સહકાર કેમ નથી આપતા તેનો જવાબ રજૂ કરવા આદેશ

મુંબઈ -  મલાડ (પશ્ચિમ) માં આવેલા મઢ ટાપુ પર ૮૮૦ થી વધુ  બનાવટી નકશા બનાવી  બાંધકામો કરાયાંના કૌભાંડમાં ઢીલી તપાસથી ભારે નારાજ થઈ  બોમ્બે હાઈકોર્ટે ગુરુવારે મુંબઈ ઉપનગરના એડિશનલ કલેક્ટર (અતિક્રમણ) અને બીએમસીના વરિષ્ઠ અધિકારીને તેની સમક્ષ હાજર રહેવા અને કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ને તેમના તરફથી સહકાર નહિ મળી રહ્યો હોવાની ફરિયાદનો જવાબ આપવા આદેશ આપ્યો છે. 

ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને સંદેશ ડી પાટિલની ડિવિઝન બેન્ચ શહેરના ઉત્તરી દરિયાકાંઠે આવેલા મઢ ટાપુ વિસ્તારમાં એરંગલના રહેવાસી વૈભવ મોહન ઠાકુર અને અન્ય લોકોની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદારોએ આરોપ લગાવ્યો હતો કે મોટાભાગના નકશામાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) ધોરણો હેઠળ મુક્તિ મેળવવા અને ૧૯૬૪ પહેલા બાંધવામાં આવેલા  સ્ટ્રકચર  બતાવવા માટે ચેડાં કરવામાં આવ્યાં હતાં. અને તેને કાયદેસર બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ વર્ષની શરૃઆતમાં, હાઈકોર્ટે એસઆઈટી પાસેથી અસરકારક તપાસની માંગ કરી હતી અને પ્રશ્ન કર્યો હતો કે શું આ કેસમાં ઝડપાયેલા પટાવાળા શું એટલા શક્તિશાળી હતા  કે શહેર સર્વેક્ષણ વિભાગ અને અન્ય અધિકારીઓના વરિષ્ઠ અધિકારીઓએ તેમના કૃત્યો પ્રત્યે  આંખ આડા કાન કર્યા હતા.

ઓક્ટોબર ૨૦૨૪ માં, હાઈકોર્ટે તપાસમાં  ઢીલ દર્શાવવા બદલ પોલીસની ઝાટકણી કાઢી હતી અને એસઆઈટીની રચના કરી હતી. ગુરુવારે અરજદારો વતી એડવોકેટ અભિનંદન વાગ્યાણીએ રજૂઆત કરી હતી ક એસઆઈટીની રચના કરવામાં આવી હોવા છતાં, પોલીસ અધિકારીઓ દ્વારા સ્ટ્રકચર્સ માટેના વસ્તી ગણતરી પ્રમાણપત્રો બનાવટી છે કે નહીં તે શોધવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. વાગ્યાણીએ ઉમેર્યું હતું કે એપ્રિલ, ૨૦૨૫ માં કેટલાક વ્યક્તિઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા જેમાં એજન્ટોને ચૂકવણી દર્શાવવામાં આવી હતી, જેમણે બદલામાં પાલિકાના અધિકારીઓને ચૂકવણી કરી હતી, છતાં પોલીસ દ્વારા આ સંદર્ભમાં કોઈ તપાસ કરવામાં આવી નથી.

 તેમાં ઉમેર્યું હતું કે ફક્ત ૧૬ સપ્ટેમ્બરનો પત્ર જ મળ્યો હતો, જેમાં વસ્તી ગણતરીના પ્રમાણપત્રો બનાવટી હતા કે નહીં તે અંગે પ્રકાશ પાડવામાં આવ્યો ન હતો.