Get The App

બીમાર વૃદ્ધ માતાને હોસ્પિટલમાં ત્યજી દેનારા પુત્રને હાઇકોર્ટની ફટકાર

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
બીમાર વૃદ્ધ માતાને હોસ્પિટલમાં ત્યજી દેનારા પુત્રને હાઇકોર્ટની ફટકાર 1 - image

પુત્રને પરવા નહિ પણ હાઈકોર્ટની આંતરડી કકળી ઉઠી

પુત્ર માતાને લઈ  ન જતાં અને બિલ ન ચૂકવતાં હોસ્પિટલ હાઈકોર્ટમાં પહોંચી ઃ  પુત્રને માતાના ફલેટનો કોઈ વ્યવહાર નહિ કરવા પણ આદેશ

 મુંબઈ -  માતાની આઈસીયુમાં સારવાર થઈ ચૂકી હોવા છતાં તેને ઘરે લઈ જવા ઈન્કાર કરનારા પુત્રને બોમ્બે હાઈકોર્ટે કડક શબ્દોમાં ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે જણાવ્યું  હતું કે એક પુત્ર તેની વૃદ્ધ માતાની સંભાળ રાખવાની સૌથી મૂળભૂત ફરજ પૂર્ણ કરવામાં પણ નિષ્ફળ ગયો છે તે જાણી આંતરડી કકળી ઉઠે છે.  સાથે સાથે અદાલતે બાંદ્રા પોલીસ મથકના સિનિયર પીઆઈ તથા સિનિયર સિટિઝન્સ ટ્રિબ્યૂનલ પણ આ કેસમાં સહાનુભૂતિ અને સહાય દાખવવામાં નિષ્ફળ ગયા હોવાની આકરી ટીકા કરી હતી. અદાલતે વૃદ્ધાને કોઈ સરકારી હોસ્પિટલમાં ખસેડવા આદેશ આપ્યો છે. સાથે સાથે ફરજ બજાવવામાં નિષ્ફળ ગયેલા પુત્રને માતાને ફલેટ સંબંધે કોઈ વ્યવહાર કરતાં રોકતો પણ આદેશ આપ્યો છે.  ૭૧ વર્ષીય વૃદ્ધાને બાંદ્રાની હોલી  ફેમિલી ચેરિટેબલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. તેને એક પ્રકારનો સ્ટ્રોક હોવાનું નિદાન થતાં આઈસીયુમાં સારવાર માટે ખસેડાઈ હતી. હોસ્પિટલે વૃદ્ધાની હાલત સુધરી છે તેમ જણાવવા છતાં પણ પુત્રએ માતાને લઈ જવાનો ઈન્કાર કરતાં અને તબીબી બેદરકારીના બહાના બતાવી સંપૂર્ણ બિલ ચૂકતે  કરવામાં પણ અખાડા કરતાં આખરે હોસ્પિટલે હાઈકોર્ટમમાં અરજી કરી હતી. 

માતાને ૨૪ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ અસંતુલન અને નબળાઈની તકલીફોને પગલે  હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોકટરોએ  રાઈટ એમસીએ ઇન્ફાર્ક્ટ ( એક પ્રકારના સ્ટ્રોક)નું નિદાન કર્યું હતું . તે ગંભીર કુપોષિત  હોવાનું પણ જણાયું હતું. હોસ્પિટલે કોર્ટને જણાવ્યું કે  હવે તેની હાલત સુધારા પર છે  અને   ચોથી  ઓક્ટોબર સુધીમાં રજા  આપી શકાય તેમ છે.  તેમ છતાં તેના પુત્રએ માતાને  ઘરે લઈ જવાનો ઇનકાર કર્યો હતો, લગભગ ૧૬ લાખ રૃપિયાના બાકી બિલની ચુકવણી અટકાવી દીધી હતી અને તેના બદલે તબીબી બેદરકારીના આરોપો લગાવવાનું શરૃ કર્યું હતું. હોસ્પિટલે જણાવ્યું હતું કે તેણે અત્યાર સુધી ફક્ત ૪.૨૫ લાખ રૃપિયા ચૂકવ્યા છે.

આ વૃદ્ધાને તેના પોતાના ઘરે અથવા તો સરકારી હોસ્પિટલમાં ખસેડવા માટે પોલીસ અને સિનિયર સિટિઝન્સ ટ્રિબ્યૂનલ હસ્તક્ષેપ કરે તેવો આદેશ આપવા  માંગ કરતી અરજી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. 

હોસ્પિટલે આરોપ લગાવ્યો હતો કે પુત્ર સહકાર આપતો ન હતો, મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાં વિલંબ કરતો હતો, હોસ્પિટલ સ્ટાફ સાથે દુર્વ્યવહાર કરતો હતો અને લાંબા સમય સુધી તેની માતાને ત્યજી દીધી હતી. લાંબા સમય સુધી આઈસીયુમાં રહેવાથી હોસ્પિટલમાં ચેપનું જોખમ રહેલું હોવાનું જણાવવામાં આવ્યું હોવા છતાં, તેણે ડિસ્ચાર્જ લેવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે હોસ્પિટલ પર બેદરકારીનો આરોપ લગાવીને કાનૂની નોટિસ ફટકારી હતી.

બેન્ચે અવલોકન કર્યું કે પુત્રનું વર્તન - ડિસ્ચાર્જ લેવાનો ઇનકાર કરવો, નિવવાદ બિલો પણ ચૂકવવામાં નિષ્ફળ રહેવું, અને તેની માતાની સંભાળ રાખવાની બાંયધરી આપવાનો ઇનકાર કર્યા પછી કોર્ટરૃમ છોડી દેવું - તે સ્પષ્ટ રીતે તરછોડી   દેવાનો  કેસ દર્શાવે છે.  આ વર્તન કોઈ સમજદાર વ્યક્તિ કે જવાબદાર પુત્રનું નથી,એમ કોર્ટે ટિપ્પણી કરીને ઉમેર્યું કે તેના વર્તનથી એવું લાગે છે કે તે અન્ય તબીબી અભિપ્રાય મેળવવાના બહાને હોસ્પિટલના બિલ ચૂકવવાનું ટાળી રહ્યો હતો. 

કોર્ટેે પુત્રને તેની માતાને તબીબી દેખરેખ હેઠળ બાંદ્રાની ભાભા હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવાનો અથવા  સરકારી અથવા સીજીએચએસ ( સેન્ટ્રલ ગર્વનમેન્ટ હેલ્થ સ્કિમ) દર, જે પણ ઓછું હોય તે દરે તમામ સંબંધિત ખર્ચ ઉઠાવવાનો આદેશ આપ્યો હતો. જો તે આમ કરવામાં નિષ્ફળ જાય, તો રાજ્યએ માતાની કસ્ટડી લેવી જોઈએ અને તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવી જોઈએ, કોર્ટે જણાવ્યું હતું.

ન્યાયાધીશોએ નોંધ્યું કે રહેણાંક ફ્લેટ માતાના નામે હતો તેથી  તેણે પુત્રને કોર્ટની પૂર્વ રજા વિના તેની માતાની કોઈપણ મિલકતનો વ્યવહાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને તેણીની બધી સંપત્તિઓની વિગતો આપતું સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

પોલીસ અને ટ્રિબ્યૂનલ પણ      વૃદ્ધાની  મદદે  ન આવ્યાં

કોર્ટે તબીબી બેદરકારીના મુદ્દાને સ્પર્શવાનો  ઇનકાર કરતા નોંધ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલે દરદીને સાજી કરી હતી અને આરોપો છતાં તેની સારવાર ચાલુ રાખી હતી. ચોથી ઓક્ટોબરથી વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં, બાંદ્રા પોલીસ અને સિનિયર સિટીઝન્સ ટ્રિબ્યુનલ દ્વારા  બેદરકારી અને સહાનુભૂતિનો સંપૂર્ણ અભાવ દર્શાવવા બદલ  કોર્ટે ઊંડી નિરાશા વ્યક્ત કરી હતી.

 મેઈન્ટેનન્સ ટ્રિબ્યુનલને જાળવણી કાયદાની કલમ પાંચ અને ૨૩ હેઠળ વરિષ્ઠ નાગરિકની મિલકત અને હિતોના રક્ષણ સહિત જરૃરી પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવે છે.  આ આદેશોનું પાલન થયું છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટે ફરી તા. ૨૪મી નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે એમ કોર્ટે જણાવ્યું હતું.