ચોખ્ખી હવા માટે બીએમસી અને એમસીપીસીએ હજુ ઘણું કરવાનું બાકી છે
કોર્ટમાં હાજર રહેલા મ્યુ. કમિશનર, એમપીસીબી સેક્રેટરીને હાઈકોર્ટે કહ્યું, અમે વિકાસના વિરોધી નથીઃ તમે નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ ગયા છો
મુંબઈ - હાઈ કોર્ટે મુંબઈ મહાપાલિકા અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ઝાટકણી કાઢીને જણાવ્યું હતું કે કોર્ટ વિકાસકાર્યો વિરુદ્ધ નથી કે નથી બાંધકામ અટકાવવાના હિતમાં, કોર્ટ માત્ર વાયુપ્રદૂષણ અટકાવવાના નિયમોનો કડક અમલ થાય તેવું ઈચ્છે છે.ઓથોરિટી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે એમ જણાવીને પાલિકા અને બોર્ડને વાયુપ્રદૂષણ ઘટાડવાના ગંભીર પગલાં લેવાનું જણાવ્યું છે.જો પરિસ્થિતિ હાથની બહાર જતી રહેશે તો કંઈ હાથમાં રહેશે નહીં.
હાઈકોર્ટે સોમવારે આપેલા નિર્દેશને પગલે પાલિકા કમિશનર ભૂષણ ગગરાણી અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સચિવ દેવેન્દ્ર સસિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા. તમે સૂચનો રજૂ કરો, આ રીતે કામ નહિ થાય. તમે પોતે અધિકારીઓ હોવા ઉપરાંત તમે પણ નાગરિક છો અને મૂળભૂત ફરજ છે, એમ કોર્ટે જણાવ્યું હતું. કોર્ટે પાલિકા કમિશનરને સવાલ કર્યા હતા કે તમે ઓફિસમાંથી બહાર નીકળીને ઓચિંતાની સ્થળ મુલાકાત કરી છે અને ગુનાહિત લોકો સામે કોઈ પગલાં લીધા છે ખરાં?
પાલિકા વતિ વકિલે જવાબમાં જણાવ્યું હતું કે નવેમ્બરથી પાલિકાએ ૪૩૩ જણને કારણદર્શક નોટિસો આપી છે અને ૧૪૮ને સ્ટોપ વર્કની નોટિસ આપી છે.
ખરાબ વાયુ ગુણવત્તા આંકને લઈ ચિંતા વ્યક્ત કરતી ઢગલાબંધ અરજીઓની સુનાવણી વખતે હાઈકોર્ટે આમ જણાવ્યું હતું.
બાંધકામ ક્ષેત્રના કામદારોની અવસ્થા પ્રત્યે પણ કોર્ટે ચિંતા વ્યર્ત કરી હતી. જીવવાનો અધિકાર તમામને છે જેમાં ગરીબોનો પણ સમાવેશ છે એમ જણાવીને કોર્ટે બોર્ડને સવાલ કર્યો હતો કે બાંધકામ સ્થળો માટે કોઈ એડવાઈઝરી જારી કરાઈ છે કે નહીં ખાસ કરીને કામદારોના આરોગ્ય સંબંધી. કામદારોને ગંભીર આરોગ્યનું જોખમ રહેલું છે. તમે ગરીબોની સંભાળ રાખતા નથી. તમે તેમને માસ્ક તો આપી શકો છો આ તો કોમન સેન્સની વાત છ. આરોગ્યનો અધિકાર મૂળભૂત અધિકાર છે.
બોર્ડે આ બાબતે બુધવારે સૂચનો રજૂ કરાશે એમ જણાવતાં કોર્ટે આદેશમાં નોંધ કરી હતીકે પાલિકા અને બોર્ડ દ્વારા હજી ઘણું કરવાનું બાકી છે.


