પુણેની ગેરકાયદે શાળાનું ડિમોલિશન અટકાવવા હાઈકોર્ટનો ઈન્કાર
2000 વિદ્યાર્થી ભણે છે એટલા ખાતર કાયદેસર નહિ કરાય
બધા માને છે કે કોઈપણ ગેરકાયદેસર બાંધકામ કરી પછી કાયદેસર કરાવી લેવાય, આ ગેરકાયદેસરતાનો કોઈ ઈલાજ નથી
નવ મેના આદેશમાં કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે શૈક્ષણિક સંસ્થા ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધરાવે છે તેટલા ખાતર થઈને કોર્ટ ગેરકાયદે બાંધકામને નિયમાનુસાર કરવાનો આદેશ ઓથોરિટીને આપી શકે નહીં.
મહારાષ્ટ્રમાં સામાન્ય સમજણ એવી છે કે કોઈ પણ ગેરકાયદે બાંધકામ કરી શકે અને બાદમાં નિયમાનુસાર કરવાની માગણી મૂકી શકે પણ ગેરકાયદેસરતાનો કોઈ ઈલાજ હોતો નથી.
ધર્માદાયી શૈક્ષણિક સંસ્થા આર્યન વર્લ્ડ સ્કૂલે પુણે મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના ૧૭ એપ્રિલના આદેશ સામે કોર્ટમાં અપીલ કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે સ્કૂલ મેનેજમેન્ટની બાજુ સાંભળવાની તક આપ્યા વિના તોડકામનો આદેશ અપાયો હતો. ગ્રામ પંચાયતે આપેલા ના વાંધા પ્રમાણપત્રને આધારે બાંધકામ કરાયું હતું. ડેવલપમેન્ટ ઓથોરિટીએ નિયમાનુસારની અરજી ફગાવી હતી. કોર્ટે નોંધ કરી હતી કે ગ્રામ પંચાયતને બાંધકામની પરવાનગી આપવાની સત્તા નથી સત્તા જિલ્લા કલેક્ટરને છે. કોર્ટે સંબંધીત ગ્રામપંચાયત સામે અને સરપંચ સામે પણ પગલાં લેવાનો સરકારને નિર્દેશ આપ્યો છે. સરકારને ૧૪ નવેમ્બર સુધીમાં આદેશ પૂર્તતાનું સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે.