20મીના મતદાન પર અસરની સંભાવનાને લીધે નિર્ણય
સંખ્યાબંધ પાલિકાઓમાં મંતદાન ૨૦મી પર મુલત્વી રહ્યા બાદ હાઈકોર્ટનો ફેંસલો ઃ ત્યાં સુધી એક્ઝિટ પોલ પર પણ પ્રતિબંધ
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે મંગળવારે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચ (એસઈસી) ને તમામ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓની મતગણતરી ૩ ડિસેમ્બરને બદલે ૨૧ ડિસેમ્બરે કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે ૨૦ ડિસેમ્બર સુધી એક્ઝિટ પોલ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
મહારાષ્ટ્રમાં ૨૬૪ મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતોની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે હાઇકોર્ટનો આ નિર્દેશ આવ્યો હતો. પ્રક્રિયામાં કેટલીક સ્પષ્ટ અનિયમિતતાઓને કારણે એસઈસીએ ગયા અઠવાડિયે ૨૪ સ્થાનિક સંસ્થાઓમાં ચૂંટણીઓનું સમયપત્રક ૨૦ ડિસેમ્બર પર ગોઠવાયું હતું.
હાઇકોર્ટ એસઈસીના ૨૯ નવેમ્બરના સુધારેલા સમયપત્રકને પડકારતી અરજીઓના સમૂહ પર સુનાવણી કરી રહી હતી. એક સાથે પરિણામો જાહેર કરવાની માગણી કરાઈ હતી.
એક અરજીમાં ચંદ્રપુર મ્યુનિસિપલ કાઉન્સિલના એક વિભાગ માટે મતદાન ૨૦ ડિસેમ્બર સુધી મુલતવી રાખવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
પરંતુ સુધારેલા કાર્યક્રમમાં બાકીના ૨૬ વોર્ડ માટે મતદાન અને પરિણામોની જાહેરાત અને મતગણતરી મૂળ સમયપત્રક મુજબ આગળ વધારવાની મંજૂરી આપવામાં આવી છે.
જોકે, અરજદારોમાંના એક, સામાજિક કાર્યકર્તા સચિન ચુટેએ દલીલ કરી હતી કે પરિણામોની જાહેરાત એક જ તારીખે થવી જોઈએ, તબક્કાવાર કે વિભાજીત રીતે નહીં.
અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી પંચના આદેશથી ચૂંટણી મુક્ત, ન્યાયી અને બધા ઉમેદવારોને સમાન તક પૂરી પાડવાના મૂળભૂત સિદ્ધાંતનું ઉલ્લંઘન થાય છે. ચુટેના વકીલે દલીલ કરી હતી કે બધા વોર્ડના પરિણામો એકસાથે જાહેર કરવા જોઈએ.
હાઇકોર્ટ ૧૦ ડિસેમ્બરે એસઈસીના સુધારેલા ચૂંટણી કાર્યક્રમ સામેની અરજીઓ પર વધુ સુનાવણી કરશે. મંગળવારે ૨૬૪ નગર પરિષદો અને નગર પંચાયતો માટે મતદાનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો હતો.
જોકે, ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ રિટનગ અધિકારીઓના નિર્ણયો સામે દાખલ કરાયેલી ન્યાયિક અપીલોને ધ્યાનમાં રાખીને ૨૪ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ ૨૦ ડિસેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી હતી.
શનિવારે જાહેર કરાયેલો એસઈસીનો આ નિર્ણય કેટલીક સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયામાં જોવા મળેલી અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેમાં નામાંકન પાછું ખેંચવાની સમયરેખા અને ચૂંટણી પ્રતીકોની ફાળવણીનો સમાવેશ થાય છે.
એસઈસીએ જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં, જિલ્લા અદાલત તરફથી અપીલના ચુકાદા ૨૨ નવેમ્બર પછી આપવામાં આવ્યા હતા, અથવા કેટલાક કિસ્સાઓમાં, ઉમેદવારોને મહારાષ્ટ્ર મ્યુનિસિપાલિટીઝ ચૂંટણી નિયમો મુજબ ઉમેદવારી પત્રો પાછા ખેંચવા માટે ત્રણ દિવસનો સમયગાળો મળ્યો ન હતો.
પરિણામે, આ કેસોમાં રિટર્નિંગ અધિકારીઓ દ્વારા ૨૬ નવેમ્બરના રોજ અથવા તે પછી ચૂંટણી પ્રતીકોની ફાળવણીની કાર્યવાહી ગેરકાયદેસર ગણવામાં આવી હતી.
તેથી, એસઈસીએ આવી અસરગ્રસ્ત નાગરિક સંસ્થાઓમાં વર્તમાન ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવી (મુલતવી રાખી) છે.


