મુંબઈની ચાંદિવલી વિધાનસભાબેઠકનું ઈવીએમ તપાસાશે
શિંદે સેનાના ઉમેદવાર સામે પરાજિત કોંગ્રેસ નેતાની અરજીને પગલે ભેલના નિષ્ણાતોને મુંબઈમાં પરીક્ષણ કરવા નિર્દેશ
મુંબઈ - રાજ્યમાં બારામતી અને રાહુરી પેટાચૂંટણી યોજાઈ રહી છે તેવા સમયે દેશના ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર, હાઈકોર્ટે ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) તપાસવાનો આદેશ આપ્યો છે. મુંબઈની ચાંદિવલી વિધાનસભા ચૂંટણીમાં ઈવીએમ તપાસવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના પરાજિત ઉમેદવાર નસીમ ખાને બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારબાદ આ ચુકાદો આપવામાં આવ્યો હતો.
૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં એકનાથ શિંદેના શિવસેનાના ઉમેદવાર દિલીપ લાંડેએ નસીમ ખાનને હરાવ્યા હતા. તેમણે આ પરિણામ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આ પરિણામમાં ગરબડ થઈ છે.
તેમણે ઉઠાવેલા મુદ્દાઓની નોંધ લેતાં કોર્ટે ગુરુવારે ઈવીએમનું નિરીક્ષણ અને ચકાસણી કરવાની મંજૂરી આપી છે. બેંગલુરુ સ્થિત કંપની ઈવીએમ ઉત્પાદક ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે ૧૬ અને ૧૭ એપ્રિલના રોજ મુંબઈમાં આ પરીક્ષણ કરવાની મંજૂરી આપી છે. આ સંદર્ભમાં મુંબઈ ઉપનગરીય જિલ્લાના ડેપ્યુટી રિટનગ ઓફિસર દ્વારા નસીમ ખાનને એક પત્ર મોકલવામાં આવ્યો છે. તેમાં આ અંગે માહિતી આપવામાં આવી છે. ન્યાયાધીશ સોમશેખર સુંદરસેને આ ચુકાદો આપ્યો છે.
નસીમ ખાન ૨૦૦૯ અને ૨૦૧૪ ની ચૂંટણીમાં ચાંદિવલી વિધાનસભા મતવિસ્તારથી ધારાસભ્ય બન્યા હતા . પરંતુ તે પછી, ૨૦૧૯ અને ૨૦૨૪ ની સતત બે ચૂંટણીઓમાં તેમને દિલીપ લાંડેથી હારનો સામનો કરવો પડયો હતો. પરંતુ આ વખતે, નસીમ ખાને આ પરિણામને બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યું હતું. તેમણે ચૂંટણી અરજી દાખલ કરી હતી. નસીમ ખાને કહ્યું છે કે કોર્ટનો નિર્ણય ઐતિહાસિક છે.
રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓ ઈવીએમમાં ચેડાંના આક્ષેપો વારંવાર કરી રહ્યા છે તે વચ્ચે હાઈકોર્ટે આ નિર્ણય આપ્યો છે.


