'જીવન ફક્ત એક વાર મળે છે, અમે પુનર્જન્મમાં માનતા નથી'
ખલાસીઓને નહિવત ખોરાક , રોજના ૩૦૦ મિલિ પાણી જ અપાતું હોવાનું જાણી હાઈકોર્ટની આકરી ઝાટકણી
મુંબઈ - મુંબઈના દરિયાકાંઠે ધરપકડ કરાયેલા ત્રણ જહાજો પર ફસાયેલા ૫૦ ખલાસીઓને મુક્ત કરવાનો આદેશ બોમ્બે હાઈકોર્ટે મંગળવારે આપ્યો હતો અને જહાજ માલિકોને મહિનાઓ સુધી ઓછામાં ઓછો ખોરાક અને પાણી આપીને ક્રુ સભ્યો સાથે પાલતુ પ્રાણીઓ કરતા પણ ખરાબ વર્તન કરવા બદલ ટીકા કરી હતી.
જીવન ફક્ત એક જ વાર મળે છે. અમે પુનર્જન્મમાં માનતા નથી,એમ કોર્ટે અવલોકન કર્યું હતું, જ્યારે જહાજ માલિકો પર માનવ જીવનમાં ઓછામાં ઓછો રસ હોવાનો અને ક્રૂના સ્વાસ્થ્ય કરતાં તેમની વ્યાપારી પ્રવૃત્તિઓને પ્રાથમિકતા આપવાનો આરોપ મૂક્યો હતો.
ખલાસીઓએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે શહેરથી લગભગ ૧૧ નોટિકલ માઇલ દૂર દરિયામાં ગેરકાયદે ઇંધણ તેલ અને બિટયુમેન ટ્રાન્સફર માટે ધરપકડ બાદ જહાજોના માલિકો દ્વારા ત્યજી દેવામાં આવેલા જહાજો પર ખોરાક અને પાણીનો ઓછામાં ઓછો પુરવઠો હોવાથી તેઓ ફસાયેલા હતા.
એમટી એસ્ફાલ્ટ સ્ટાર, એમટી સ્ટેલર રૃબી અને એમટી અલ જાફઝિયા જહાજમાં ૫૦ જેટલા ખલાસીઓ ફસાયેલા હતા અને તેમાંથી સાત લોકોએ હેબિયસ કોર્પસ (વ્યક્તિ રજૂ કરવા) અરજી સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
સોમવારે કોર્ટે યલો ગેટ પોલીસને મંગળવારે તમામ ૫૦ ખલાસીઓને તેની સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.
બધા ખલાસીઓને ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને હિતેન વેણેગાંવકરની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને તેમણે માહિતી આપી હતી કે તેમાંથી કોઈ પણ તેમના જહાજોમાં પાછા ફરવા માંગતો નથી કારણ કે તેમને ત્યાં ખોટી રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
ખલાસીઓએ બેન્ચને જણાવ્યું કે તેઓ નહિવત્ત ખોરાક અને પાણી સાથે જહાજો પર જીવી રહ્યા હતા અને તેમને દરરોજ ફક્ત ૩૦૦ મિલી પાણી આપવામાં આવતું હતું.
કોર્ટે જહાજ માલિકોની ઝાટકણી કાઢી, તેમના પર માનવ જીવન પ્રત્યે સૌથી ઓછી રુચિ હોવાનો અને ફક્ત તેમના જહાજો અને વ્યાપારી પ્રવૃત્તિઓ વિશે ચિંતિત હોવાનો આરોપ લગાવ્યો.
તમે (માલિકો) ક્રુ મેમ્બર્સને દરરોજ ફક્ત ૩૦૦ મિલી પાણી કેવી રીતે આપી શકો છો? અમારા ઘરોમાં પાલતુ પ્રાણીઓને પણ દરરોજ વધુ પાણી મળે છે. અમે માનવ જીવન સાથે આ રીતે વ્યવહાર કરવાની મંજૂરી આપીશું નહીં.
તમામ ૫૦ ખલાસીઓને મુક્ત કરવાનો આદેશ આપતા બેન્ચે જણાવ્યું હતું કે તે માનવ જીવનનું ધ્યાન રાખશે, જ્યારે જહાજ માલિકો તેમના જપ્ત કરાયેલા જહાજોનું ધ્યાન રાખી શકે છે.
અમને તમારા જહાજો અને જહાજોની કોઈ ચિંતા નથી. આ હેબિયસ કોર્પસ અરજીનો આ વિષય નથી. માલિકોનું વર્તન એવું છે કે તેઓ માનવ જીવનની કદર કરતા નથી. તેઓ ફક્ત તેમની વ્યાપારી પ્રવૃત્તિઓની જ ચિંતા કરે છે,એમ એમ કોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે નોંધ્યું હતું કે ઓછામાં ઓછા ખોરાક અને પાણીના પુરવઠા સાથે, ખલાસીઓના સ્વાસ્થ્યને અસર થશે, જેની મંજૂરી આપી શકાય નહીં.
તેણે યલો ગેટ પોલીસને ૫૦ ખલાસીઓ માટે બધી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા અને તેમને મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો હતો.


