સિંચાઈ કૌભાંડમાં કોન્ટ્રાક્ટરને 353 કરોડ ચૂકવવા હાઈકોર્ટનો સરકારને આદેશ

રૃ.૩૫,૦૦૦ કરોડનું મહારાષ્ટ્ર સિંચાઈ કૌભાંડ
બાલગંગા ડેમનું ૮૦ ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું હોઈ ચૂકવણી રોકી ન શકાય તેવી કોર્ટની નોંધ
મુંબઈ - મુંબઈ હાઈકોર્ટે તાજેતરમાં ૩૫,૦૦૦ કરોડ રૃપિયાના મહારાષ્ટ્ર સિંચાઈ કૌભાંડમાં આરોપી અનેક કોન્ટ્રાક્ટરોમાંના એક એફએ એન્ટરપ્રાઇઝિસને ૩૦૩ કરોડ રુપિયા ચૂકવવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો છે.
એફએ એન્ટરપ્રાઇઝિસનો કેસ બાલગંગા ડેમ સાથે સંબંધિત હતો. કોન્ટ્રાક્ટરને ૨૦૦૯માં રૃ. ૩૫૩ કરોડનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટની કિંમત આગામી વર્ષે રૃ. ૪૯૫ કરોડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રભરના પ્રોજેક્ટ્સ સાથે સંકળાયેલા વ્યાપક સિંચાઈ કૌભાંડની તપાસ દરમિયાન, ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એફએ એન્ટરપ્રાઇઝ પર ૯૨ કરોડ રૃપિયાના બોગસ બિલ રજૂ કરવાનું અને છેતરપિંડી કરવાનો કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો. ૨૦૧૫માં કોન્ટ્રાક્ટર સામે ૩૦,૦૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી. ચુકવણી અટકી ગયા પછી જૂન ૨૦૧૨માં ડેમનું કામ પહેલાથી જ બંધ થઈ ગયું હતું, અને કોંકણ ઇન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને ઓક્ટોબર ૨૦૧૬ માં કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. કેસમાં આરોપો ઘડવામાં આવ્યા છે અને વિશેષ થાણે કોર્ટ સમક્ષ ટ્રાયલ હજુ શરૃ થવાની બાકી છે.
એફએ એન્ટરપ્રાઇઝે બાદમાં આબટ્રેશન ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો જેણે એપ્રિલ ૨૦૧૯માં તેની તરફેણમાં ચુકાદો આપ્યો અને ૩૦૩ કરોડ રૃપિયા ચૂકવવાનો આદેશ આપ્યા હતો. જોકે, મે ૨૦૨૦ માં હાઇકોર્ટની સિંગલ બેન્ચે આ આદેશને ઉલટાવી દીધો, જેમાં કંપનીને વ્યાજ સાથે ૫૦ કરોડ રૃપિયા પરત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
કંપનીએ આ નિર્ણયને પડકાર્યો અને ૧૨ ઓગસ્ટના રોજ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ બેન્ચના ચુકાદાને ઉલટાવી દીધો હતો. કોર્ટે ઠરાવ્યું કે આબટ્રેશન ટ્રિબ્યુનલે પુરાવા અને સાક્ષીઓની જુબાનીનું યોગ્ય મૂલ્યાંકન કર્યું હતું, અને સિંગલ બેન્ચે તથ્યોનું પુનઃમૂલ્યાંકન કરીને આ નિર્ણયને પલટાવી દીધો હતો. કોર્ટે સ્વીકાર્યું કે ડેમનું ૮૦ ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, અને ચૂકવણી રોકી શકાતી નથી. પરિણામે, એફએ એન્ટરપ્રાઇઝિસને હવે ૩૦૩ કરોડ રૃપિયા મળશે, જેમાં ૫૦ કરોડ રૃપિયા અલગ રાખવામાં આવ્યા છે.
સૂત્રોએ સંકેત આપ્યો હતો કે એફએ એન્ટરપ્રાઇઝિસ સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ હકીકતો સરકાર દ્વારા હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી ન હોય શકે, કારણ કે હાઇકોર્ટના આદેશ પર મુખ્ય સચિવ દ્વારા રજૂ કરાયેલા ૨૦૨૨ સમિતિના અહેવાલનો કોઈ ઉલ્લેખ નહોતો.
મુખ્ય સચિવ દ્વારા રચવામાં આવેલી રાજ્ય સ્તરીય ટેકનિકલ સલાહકાર સમિતિ (એસએલટીએસી) એ પ્રતિ ઘન મીટર ૪,૦૦૦ રૃપિયાના ચોક્કસ દર નક્કી કર્યા હતા. જોકે, સૂત્રોએ નિર્દેશ કર્યો હતો કે આ અહેવાલ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો કે કેમ તે અંગે અસ્પષ્ટતા હતી. દરમિયાન, કોન્ટ્રાક્ટરે પ્રતિ ઘન મીટર ૧૨,૦૦૦ રૃપિયાનો દાવો કર્યો હતો - જે દર કોર્ટે તેના ચુકાદામાં સ્વીકાર્યો હતો.








