બંદરની જમીન પર દબાણ અટકાવવામાં સરકારની નિષ્ફળતાની ઝાટકણી
વારંવાર રજૂઆતો છતાં સરકાર મૂક પ્રેક્ષક બનીને બેસી રહીઃ બંદર ખાતે સુરક્ષા પૂરી પાડવા પણ નિર્દેશ
મુંબઈ - ગોવાામાં માર્મુગાઓ પોર્ટ ઓથોરિટીની જગ્યામાં બની ગયેલી શિવાજી મહારાજની પ્રતિમા તોડી પાડવાનો આદેશ બોમ્બે હાઈકોર્ટ દ્વારા અપાયો છે. આ પ્રતિમા સ્થાપિત થતી તથા તેનું અનાવરણ અટકાવવામાં સરકારની નિષ્ફળતાની હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે કહ્યું છે કે વારંવાર રજૂઆતો છતાં સરકાર ફક્ત મૂકપ્રેક્ષક બનીને બેસી રહી હતી.
ન્યાયાધીશ વાલ્મીકિ મેનેઝીસ અને અમિત એસ જામસાંડેકરની ડિવિઝન બેન્ચે રાજ્ય અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તેઓ પ્રતિમા તોડી પાડવા અને જંકશનને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવા માટે એમપીએને સશ સુરક્ષા પૂરી પાડે. બંદર સત્તાવાળાઓએ જાહેર જગ્યાને લગતા કાયદા હેઠળ ઉપાયો હાથ ધરવા જોઈએ અથવા તો પોતાની સીઆઈએસએફ સુરક્ષા પર આધાર રાખવો જોઈએ તેવી રાજ્ય સરકારની દલીલ હાઈકોર્ટે ફગાવી હતી.
હાલના કેસમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉભી થઈ શકે છે અને ફક્ત રાજ્ય જ તેની એજન્સીઓ, જેમ કે પોલીસ દળ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને અન્ય આવા અધિકારીઓ દ્વારા આવી ઘટનાઓને ડામી શકે છે અને જાહેર સલામતી અને વ્યક્તિઓની સંપત્તિનું રક્ષણ સુનિશ્ચિત કરી શકે છે,એમ બેન્ચે જણાવ્યું હતું.
બોગડા પોલીસ સ્ટેશન અને અન્ય સત્તાવાળાઓને ફરિયાદો હોવા છતાં અમેપીએએ વાસ્કો ખાતેની તેમની જમીન પર બળજબરીથી પ્રવેશ અને કાયમી પ્રતિમા સ્થાપિત કરવાનો આરોપ લગાવીને હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.
કોર્ટે પોલીસના સોગંદનામાની નોંધ લીધી હતી કે સ્થાનિક પોલીસે સંભવિત કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓની ચેતવણી આપ્યા છતાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, કલેક્ટર અને પોલીસ સહિત અન્ય અધિકારીઓ ૧૯ ફેબુ્રઆરીએ ભવ્ય પ્રતિમાના અનાવરણ સામે અસરકારક નિવારક પગલાં લેવામાં નિષ્ફળ ગયા હતા.
આનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે આપણે એક મુખ્ય બંદરની મિલકત પર સ્પષ્ટ આક્રમણ દેખાય છે અને રાજ્યએ ફક્ત મૂકપ્રેક્ષક તરીકે કામ કર્યું છે અને હકીકતમાં ગુનાહિત અતિક્રમણને રોકવા માટે કોઈ સહાય આપ્યા વિના આક્રમણના ગુનેગારો સાથે ગુપ્ત રીતે સાંઠગાંઠ કરી છે, એવી બેન્ચે ટિપ્પણી કરી હતી.
બેન્ચે અનાવરણ સમયે સ્થાનિક ધારાસભ્ય સંકલ્પ અમોનકર અને અન્ય રાજકીય વ્યક્તિઓની મુખ્ય હાજરીની પણ નોંધ લીધી હતી.
આ ઘટના ઉપર ઉલ્લેખિત અધિકારીઓ અને સ્થાનિક ધારાસભ્ય અને પોર્ટ પ્રોપર્ટીના અન્ય સહભાગીઓ વચ્ચે સ્પષ્ટ અને મૌન સમજૂતી અથવા ગોઠવણો તરફ વધુ નિર્દેશ કરે છે, જેમાં પોર્ટ પ્રોપર્ટીના અતિક્રમણને રોકવા માટે અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નિવારક કે અન્ય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી,એમ કોર્ટે અવલોકન કર્યું.
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી મારફત તે જ જમીન પર પ્રતિમા સ્થાપિત કરવા માટે એનઓસી માટે મોકલવામાં આવેલી અગાઉની વિનંતીને યુનિયન લેન્ડ પોલિસી માર્ગદશકા હેઠળ એમપીએ દ્વારા નકારી કાઢવામાં આવી હતી.
આ અરજી પેન્ડિંગ રાખવામાં આવી છે, જેમાં બેન્ચે સંકેત આપ્યો છે કે તે અધિકારીઓના વર્તન અને મોર્મુગાઓ મ્યુનિસિપલ કાઉન્સિલના સ્ટેન્ડની વધુ તપાસ કરશે કે તેનો બંદરની જમીન પર અધિકારક્ષેત્રનો અભાવ છે.


