હવે પીડિતાના પતિ બની ચૂકેલા યુવક સામે પોક્સો કેસ ચાલુ રાખવા હાઈકોર્ટનો આદેશ
લગ્ન કરી લીધાં અને બાળક પણ થઈ ગયું તેટલા ખાતર કેસ રદ ન થાય
પોક્સો એક્ટ અને બાળ લગ્ન પ્રતિબંધ કાયદા હેઠળ નોંધાયેલી
એફઆઈઆર રદ કરવાનો હાઈકોર્ટનો ઇનકાર
ગુના સમયે ૨૭ વર્ષના યુવકને સમજ હોવી જોઈતી હતી કે છોકરી સગીર છેઃ કાયદો સમાજ માટે છે વ્યક્તિઓ માટે નહિ
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે એક સગીર છોકરી પુખ્ત વયના પુરુષ સાથે પ્રેમમાં હોય અને તેના પરિવારે તેના લગ્ન કરાવી દીધા હોય બાદમાં તેણે બાળકને જન્મ આપ્યો હોય તો તેનો અર્થ એ નથી કે જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોક્સો )કાયદા હેઠળના ગુનો બનતો નથી.
ન્યાયાધીશ ઉમલા જોશી-ફાળકે અને નંદેશ દેશપાંડેની ડિવિઝન બેન્ચે ૨૯ વર્ષીય પુરુષ અને તેના માતા-પિતા સામે કડક પોક્સો એક્ટ અને બાળ લગ્ન પ્રતિબંધ કાયદાના આરોપો હેઠળ નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો ગત શુક્રવારે એક ચુકાદામાં ઇનકાર કર્યો હતો.
રેકોર્ડ પરથી, બેન્ચે નોંધ્યું કે સગીરા આરોપી (હવે તેના પતિ) સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને પછી, આ સંબંધને બંને પરિવારો તરફથી સ્વીકૃતિ મળી અને ત્યારબાદ ૨ જૂન, ૨૦૨૪ ના રોજ, તેમના લગ્ન મુસ્લિમ વિધિઓ અનુસાર કરવામાં આવ્યા હતા.જોકે ત કહે છે કે લગ્ન મુસ્લિમ વિધિ અને ધર્મ મુજબ થયા હતા, પરંતુ લગ્ન સમયે, તે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની હતી. તરુણીએ બાળકને જન્મ આપ્યો ત્યારે પણ તે ૧૮ વર્ષથી ઓછી ઉંમરની હતી,એમ ન્યાયાધીશોએ નોંધ્યું હતું.
બેન્ચે વધુમાં એ હકીકત ધ્યાનમાં લીધી કે આરોપી હાલમાં ૨૯ વર્ષનો છે અને ઘટના સમયે એટલે કે કથિત લગ્ન સમયે, તેની ઉંમર આશરે ૨૭ વર્ષની હતી. ઓછામાં ઓછું, તેણે સમજવું જોઈતું હતું કે તેણે છોકરી ૧૮ વર્ષની થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ. છોકરી સગીર છે તે જાણ હોવા છતાં તેને તેના માતાપિતાની કાયદેસર કસ્ટડીમાંથી દૂર લઈ જાય છે, ત્યારે તે જ સમયે તે ગુનો કરે છે. હવે છોકરીએ બાળકને જન્મ આપ્યો છે એટલા ખાતર અમારો અભિપ્રાય છે કે અરજદારોના કૃત્યોને અવગણી શકાય નહીં,એમ બેન્ચે આદેશમાં કહ્યું.
ન્યાયાધીશોએ તેમના ૧૮ પાનાના આદેશમા ં સુપ્રીમ કોર્ટના અવલોકનોનો ઉલ્લેખ કર્યો હતો. ન્યાયાધીશોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા સુઓ મોટો કેસમાં કેન્દ્ર સરકારની દલીલો પર પણ વિચારણા કરી હતી. જેમાં કેન્દ્રે સંમતિની ઉંમર ઘટાડવામાં અનિચ્છા વ્યક્ત કરી છે અને દલીલ કરી છે કે ત પોક્સો એક્ટ જે હેતુ માટે ઘડવામાં આવ્યો હતો તે જ હેતુને ખલેલ પહોંચાડશે.
સગીરની સંમતિ અપ્રસ્તુત હોવાથી અને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ જે વલણ અપનાવ્યું છે તે દર્શાવે છે કે તે ભારતના બંધારણના આદેશની વિરુદ્ધ હશે કારણ કે કાયદો વ્યક્તિઓ માટે નથી પરંતુ મોટા પાયે સમાજ માટે છે.
ન્યાયાધીશોએ અવલોકન કર્યું કે કાયદા અનુસાર ન્યાય થવો જોઈએ. તેથી, બેન્ચે આરોપી અને તેના માતા-પિતા દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી, જેમણે તેમના વિરુદ્ધ નોંધાયેલ એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી, કારણ કે પીડિતા લગ્ન સમયે અને શારીરિક સંબંધ બાંધ્યો ત્યારે પણ સગીર હતી, અમને આ યોગ્ય કેસ લાગતો નથી, જ્યાં આપણે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ ૪૮૨ હેઠળ અમારી સત્તાઓનો ઉપયોગ કરીને કેસને અપવાદરૃપ સંજોગ ગણીએ છીએે,એમ બેન્ચે કેસ રદ કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું.