શુક્રવાર મોર્નિંગ શોના પૈસા પરત આપવા પડયા
કેરલ હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચે લાદેલો પ્રતિબંધ હાઈકોર્ટે બીજા દિવસે ઉઠાવ્યો
મુંબઇ - વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ 'કેરલ સ્ટોરી ટુ'ની રીલિઝ પર ગુરુવારે કેરલ હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચ દ્વારા લાદવામાં આવેલો મનાઈહુકમ શુક્રવારે બપોરે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ઉઠાવી લેવાયો હતો.
ડિવિઝન બેન્ચે ગઈકાલે મોડી રાત સુધી સિંગલ બેચના મનાઈ હુકમ સામે નિર્માતાએ કરેલી અપીલની સુનાવણી કરી હતી પરંતુ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ ચુકાદો છેક આજે બપોરે આવ્યો હતો. હાઈકોર્ટનો ચુકાદો બાકી હોવાથી નિયત પ્લાન પ્રમાણે આજે સવારે થિયેટરોમાં આ ફિલ્મ રીલિઝ થઈ શકી ન હતી. આથી, સવાર તથા બપોરના શો માટે ઓલરેડી બૂકિંગ કરાવી ચૂકેલા પ્રેક્ષકોને નાણાં પાછી આપી દેવાની નોબત આવી હતી. જોકે, બપોરે મોડેથી હાઈકોર્ટની લીલીઝંડી મળતાં સાંજ પછીના શો શરુ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું.
ગઈકાલે ગુરુવારે સિંગલ બેન્ચે મનાઈહુકમ ફરમાવતાં ફિલ્મની રીલિઝ અટકી પડે તેવી સ્થિતિ સર્જાતાં નિર્માતાએ તત્કાળ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આ ફિલ્મ આવતીકાલે ૧૫૦૦ થિયેટરમાં રીલિઝ થવાની છે. છેલ્લી ઘડીએ મનાઈહુકમથી વ્યવસાયિક હિતોને નુકસાન થાય તેમ છે. નિર્મતાએ ફિલ્મથી કોઈ વર્ગ કે રાજ્ય કે સમુદાયની લાગણી નહિ દુભાતી હોવાનો તથા ફિલ્મના પહેલા ભાગને નેશનલ એવોર્ડ પણ મળ્યો હોવાનો ઉલ્લેખ તેમની દલીલોમાં કર્યો હતો.
સિંગલ બેન્ચના સ્ટે બાદ નિર્માતાઓએ તરત જ ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરી હતી. મોડી રાત સુધી ડિવિઝન બેન્ચ સમક્ષ સામસામે દલીલો ચાલી હતી. . જસ્ટીસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી તથા જસ્ટીસ પી. વી. બાલાકૃષ્ણનની બેન્ચે રાતના પોણા દસ સુધી સુનાવણી કરી હતી.
આ પહેલાં હાઈકોર્ટની સિંગલ બેન્ચે સુનાવણી કરતી વખતે સેન્સર બોર્ડની ભારે ઝાટકણી કાઢી હતી. ન્યામૂર્તિ બેચ્ચુ કુરિયન થોમસની સિંગલ જજની બેન્ચે કહ્યું હતું કે સેન્સર બોર્ડે ખાસ કોઈ વિચારણા કર્યા વિના જ ફિલ્મને પ્રમાણપત્ર આપી દીધું હોય તેમ લાગે છે. સેન્સર બોર્ડ તેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યું છે.


