હાઇકોર્ટે રેલ્વેના 2 એન્જિનિયરોને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું

મુંબ્રા ટ્રેન દુર્ઘટનામાં પાંચ પ્રવાસીનાં મોતની ઘટનાં
પોલીસને 9 ડિસેમ્બર સુધી બંને સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી નહીં કરવાનો નિર્દેશ આપ્યો
મુંબઈ - ૯ જૂનના રોજ પાંચ મુસાફરોના જીવ લેનારા મુમ્બ્રા ટ્રેન અકસ્માતના આરોપી મધ્ય રેલ્વેના એન્જિનિયરો વિશાલ ડોલસ અને સમર યાદવને બોમ્બે હાઈકોર્ટે ધરપકડ સામે વચગાળાની રાહત આપી છે.
ગયા અઠવાડિયે થાણે સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ, બંને એન્જિનિયરોએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે આ કેસમાં તપાસ હજુ પણ ચાલુ છે. થાણે સેશન્સ કોર્ટે બચાવ પક્ષનો એ દાવો સ્વીકારવાનો ઇનકાર કર્યોે હતો કે આ ઘટના માત્ર અકસ્માત હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે આ દુર્ઘટના જેમાં પાંચ મુસાફરોના મૃત્યુ થયા હતા અને નવ ઘાયલ થયા હતા તે આરોપી રેલવે એન્જિનિયરો અને અન્ય અધિકારીઓ દ્વારા જાણી જોઈને થયેલી ભૂલને કારણે થઈ હતી.
પાટા પરથી ઉતરવાના કારણ અંગે કોર્ટ સમક્ષ બે વિરોધાભાસી અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા.
જીઆરપી દ્વારા શરૃ કરાયેલી વીરમાતા જીજાબાઈ ટેકનોલોજીકલ ઇન્સ્ટિટયૂટ દ્વારા થયેલી તપાસમાં ડોલસ અને યાદવને વારંવાર ચેતવણી આપવા છતાં ટ્રેક પર ગંભીર ખામીઓ સુધારવામાં નિષ્ફળ રહેવા બદલ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.
રિપોર્ટમાં હાઇલાઇટ કરવામાં આવ્યું હતું કે રેલ સાંધા વચ્ચે ૧૭ મીમી ગેપ, ૭ મીમી વટકલ ગેપ, ૪ મીમી લેટરલ શિફ્ટની ખામીઓને કારણે કથિત રીતે જોરદાર આંચકો લાગ્યો હતો જેના કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી.
રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ૫ જૂનના રોજ ટ્રેક બદલાયા પછી કોઈ વેલ્ડીંગ કરવામાં આવ્યું ન હતું અને ટ્રેક બેડ નીચે ોવાણ થવાથી લાઇન વુ નબળી પડી ગઈ હતી.
રેલવેની નિષ્ણાત સમિતિએ આ નિષ્કર્ષને ફગાવી દીધો, અને દાવો કર્યો હતો કે ફૂટબોર્ડ પર ઉભા રહેલા મુસાફરો બેકપેક સાથે બહાર નીકળ્યા હતા અને બાજુના ટ્રેક પર ટ્રેન સાથે અથડાઈ ગયા હતા.
સમિતિએ એમ પણ કહ્યું કે ટ્રેન ૨.૨૫ ડિગ્રી વળાંક પર ૭૨ કિમી પ્રતિ કલાકની માન્ય ગતિએ આગળ વધી રહી હતી.
સેશન્સ કોર્ટે ઠરાવ્યું હતું કે અકસ્માત સંપૂર્ણપણે અટકાવી શકાય તેવો હતો અને તે એટલા માટે બન્યો કારણ કે સત્તાવાળાઓએ જાણતા હતા કે પીક અવર્સ દરમિયાન કોરિડોર પર ભારે ભીડ હોય છે, છતાં તૂટેલા ટ્રેક અને નબળા જાળવણીને અવગણ્યા હતા.
તેણે રેલવેના બેકપેક સિદ્ધાંતને ફગાવી દીધો, જેમાં સહાયક ફોટોગ્રાફ્સ અથવા વિડિયોનો અભાવ નોંધવામાં આવ્યો અને અવલોકન કર્યું કે મુસાફરો સામાન્ય રીતે બેગ આગળ રાખે છે, બહાર કાઢતા નથી.

