બિલ્ડરે ખાનગી તકરારમાં પાલિકા તંત્રનો ઉપયોગ કરતાં હાઈકોર્ટ નારાજ - દંડ ફટકાર્યો

પુએ પાલિકાએ આપેલી શો કોઝ નોટિસ પણ રદ કરી
અજાણી વ્યક્તિની ફરિયાદના આધારે પાલિકાએ સ્થળ તપાસ કર્યા વિના નોટિસ આપીઃ પાલિકા તંત્રનો ખોટો દુરુપયોગ થયાની હાઈકોર્ટની નોંધ
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે આપેલા ચુકાદામાં ખાનગી કરાર સંબંધી વિવાદોનો બદલો વાળવા માટે મ્યુનિસિપલ સત્તાતંત્રનો ઉપયોગ કરી શકાય નહીં એમ જણાવ્યું છે. કોર્ટે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઈપણ કાનૂની આધાર અથવા યોગ્ય તપાસ વિના કામ બંધ કરવાની નોટિસ જારી કરવાના મનસ્વી, ઉતાવળા અને સખત પગલાંની ટીકા કરી હતી. કોર્ટે એ શોધી નોંધ્યું હતું કે કામ બંધ કરવાની નોટિસ કાયદાકીય પ્રક્રિયાની સંપૂર્ણ અવગણના કરીને જારી કરવામાં આવી હતી. તે ફક્ત અમુક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદોને કારણે રેકોર્ડની ચકાસણી કર્યા વિના અથવા સ્થળનું નિરીક્ષણ કર્યા વિના અપાઈ હતી.
ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણી અને આરિફ એસ. ડોક્ટરની બેન્ચ મેસર્સ એટ્રિયા કન્સ્ટ્રક્શન્સ અને રાજગૃહી રેસીડેન્સીના ફ્લેટ ખરીદદારોના જૂથ દ્વારા દાખલ કરાયેલી રિટ અરજીઓની સુનાવણી કરી રહી હતી, જે એટ્રિયા કન્સ્ટ્રક્શન્સ (વિંગ્સ સી અને ડીના ડેવલપર) અને વેલબિલ્ડ મર્ચન્ટ્સ પ્રા. લિ. (વિંગ્સ એ અને બીના માલિક/ડેવલપર) વચ્ચેના વિવાદને કારણે ઉદ્ભવી હતી. વિંગ ડીનું બાંધકામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું હતું. ભોગવટા પ્રમાણપત્ર માટેની અરજી પેન્ડિંગ હતી અને ફ્લેટ ખરીદનારાઓ કબજાની રાહ જોઈ રહ્યા હતા. મ્યુનિસિપલ અધિકારીઓએ સુનાવણી માટે વોટ્સએપ નોટિસ જારી કરી અને બીજા જ દિવસે, પર્યાવરણીય અને નિયોજનના કથિત ઉલ્લેખને ટાંકીને કામ બંધ કરવાની નોટિસ જારી કરાઈ હતી.
કોર્ટે નોંધ્યું હતું કે વાંધાજનક નોટિસની અસ્પષ્ટતા જ એક્ઝિક્યુટિવ એન્જિનિયરના ઈરાદા વિશે ગંભીર શંકા ઉભી કરે છે. જેના કારણે ૦૯ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ સુનાવણી નક્કી કરવામાં આવી હતી તે પાસાઓ પણ નોટિસમાં દર્શાવવામાં આવ્યા નથી. સુનાવણીમાં ઘણી વ્યક્તિઓ હાજર રહી હતી જેઓ પ્રોજેક્ટ સાથે કોઈ સંબંધ ધરાવતી નથી. તેઓ કરાર સાથે દૂરથી પણ જોડાયેલા નથી. કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતોે કે કાનૂની સત્તાધિકારી દ્વારા પસાર કરવામાં આવતો કોઈપણ આદેશ જે સુધરાઈ સંબધિત પરિણામ લાવશે અને પક્ષના નાગરિક અધિકારોનું ઉલ્લંઘન કરશે તે પસાર કરી શકાતો નથી, સિવાય કે પૂરતા કારણો સાથે યોગ્ય કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવે અને અસરગ્રસ્ત પક્ષને સુનાવણી સાથે આવી કારણ બતાવો નોટિસનો જવાબ આપવાની તક આપવામાં આવે.
કોર્ટે જણાવ્યું હતું કે કામ બંધ કરવાની નોટિસ કોઈપણ કારણદર્શક નોટિસ, સ્થળ નિરીક્ષણ અથવા રેકોર્ડની ચકાસણી વિના જારી કરવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે વેલબિલ્ડ આબટ્રેશન અને સમાધાન કાયદાની કલમ ૯ અને ૩૭ હેઠળ આબટ્રેશન સંબંધિત કાર્યવાહીમાં એટ્રિયા કન્સ્ટ્રક્શન્સ સામે કોઈ આદેશ મેળવવામાં નિષ્ફળ ગયા પછી, વેલબિલ્ડના ઇશારે મ્યુનિસિપલ મશીનરીનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
નોટિસ રદ કરી કોર્ટે મ્યુનિસિપલ અધિકારીઓના વર્તન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું અને મ્યુનિસિપલ કમિશનરને સંડોવાયેલા અધિકારીઓના વર્તનની તપાસ કરવા અને કોર્ટમાં કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તદનુસાર, હાઈકોર્ટે ખાનગી વિવાદનું સમાધાન કરવા માટે મ્યુનિસિપલ મશીનરીનો દુરુપયોગ કરવા બદલ વેલબિલ્ડ મર્ચન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પર રૃ. પચ્ચીસ લાખનો ઉદાહરણરૃપ દંડ ફટકાર્યો હતો, અને કામ બંધ કરવાની નોટિસ જારી કરવા માટે જવાબદાર મ્યુનિસિપલ અધિકારીઓ પર સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે રૃ. પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.

