Mumbai

મરાઠા અનામત સામેની અરજીઓની સુનાવણીથી હાઈકોર્ટની બેન્ચ અળગી રહી

By GS TEAM
23 Sep 20252 mins read
મરાઠા અનામત સામેની અરજીઓની સુનાવણીથી હાઈકોર્ટની બેન્ચ અળગી રહી

ઓબીસી સમુદાય દ્વારા થયેલી પાંચ અરજીની સુનાવણી ટળી

અરજીઓ હવે યોગ્ય સમયે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરની બેન્ચ સમક્ષ સુનાવણી માટે મૂકવામાં આવશે 

મુંબઈ -  મુંબઈ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સોમવારે મહારાષ્ટ્ર સરકારના મરાઠા સમુદાયના સભ્યોને અનામત માટે કુણબી જાતિ પ્રમાણપત્રો આપવાના નિર્ણયને પડકારતી અનેક અરજીઓની સુનાવણીથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.

અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની વ્યક્તિઓ દ્વારા પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મરાઠા સમુદાયને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવાથી તેઓ ઓબીસી શ્રેણીમાં સામેલ થશે.

આ અરજીઓ ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને સંદેશ પાટિલની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવી હતી.

જોકે, ન્યાયાધીશ પાટીલે કહ્યું કે તેઓ સુનાવણી માટે અરજીઓ  હાથ ધરતા નથી. જેના પગલે બેન્ચે કોઈ કારણ જણાવ્યા વિના અરજીઓથી અળગી રહી હતી.

આ અરજીઓ હવે યોગ્ય સમયે મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચ સમક્ષ સુનાવણી માટે મૂકવામાં આવશે.

આ અરજી કુણબી સેના, મહારાષ્ટ્ર માલી સમાજ મહાસંઘ, આહીર સુવર્ણકાર સમાજ સંસ્થા, સદનદ મંડલિક અને મહારાષ્ટ્ર નાભિક મહામંડળે દાખલ કરી છે.

તેમણે દાવો કર્યો હતો કે સરકારનો નિર્ણય મનસ્વી, ગેરબંધારણીય અને કાયદાની દ્રષ્ટિએ ખરાબ હતો અને તેને રદ કરવા યોગ્ય છે.કુણબી સેનાએ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે સરકારી ઠરાવો ત્રણ જાતિઓ - કુણબી, કુણબી મરાઠા અને મરાઠા કુણબીના પ્રમાણપત્રો આપવાના આધાર અને માપદંડોમાં ફેરફાર કરે છે.

તેમાં ઉમેર્યું હતું કે, ઠરાવો  અસ્પષ્ટ છે અને તેના પરિણામે  સંપૂર્ણ અરાજકતા સર્જાશે.

 આ નિર્ણય એ અન્ય પછાત વર્ગોમાંથી મરાઠા સમુદાયને જાતિ પ્રમાણપત્રો આપવાની એક જટિલ પદ્ધતિ છે જે ગૂંચવણભરી અને અસ્પષ્ટ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે તથા સમુદાયને ઓબીસી શ્રેણીમાં સમાવવાનો છે,એમ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે.

  મરાઠા આંદોલનકારી  મનોજ જરાંગેએ ૨૯ ઓગસ્ટથી દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં પાંચ દિવસ માટે ભૂખ હડતાળ શરૃ કર્યા બાદ સમાધાનના ભાગરુપે સરકારે મરાઠા સમુદાયના લાયક વ્યક્તિઓને કુણબી જાતિ પ્રમાણપત્રો આપવાની જાહેરાત કરી હતી.