રૃ.15 લાખની લાંચ સ્વીકારવાનો કેસ
પ્રોપર્ટીના વિવાદમાં તરફેણ કરતો ચૂકાદો આપવા લાંચ માગ્યાનો આક્ષેપ
મુંબઈ બોમ્બે હાઈકોર્ટે રૃા.૧૫ લાખની લાંચના કેસમાં વધારાના સેશન્સ જજ ઈજાઝુદ્દીન સલાઉદ્દીન કાઝી સામે કાનૂની કાર્યવાહી કરવા એન્ટી-કરપ્શન બ્યુરો (એસીબી)ને મંજૂરી આપી છે.
ન્યાયમૂર્તિ કાઝીએ તેમના કોર્ટ કલાર્ક સાથે કમર્શિયલ પ્રોપર્ટીના વિવાદમાં તરફેણ કરતો ચુકાદો આપવા માટે નાણાંની માગણી કરી હોવાના આક્ષેપ બાબતે તપાસનો માર્ગ આ મંજૂરી સાથે મોકળો થયો છે.
કુર્લાની એક પ્રોપર્ટીના કમર્શિયલ દાવામાં સંડોવાયેલા બિઝનેસમેન સુનીલ રામચંદ્રન નાયરે નોંધાવેલી ફરિયાદને પગલે આ બાબતે તપાસ હાથ ધરાઈ હતી.
એસીબીના રીમાન્ડ રીપોર્ટમાં જણાવ્યા મુજબ કોર્ટના કલાર્ક ચંદ્રકાન્ત હન્મત વાસુદેવે ફરિયાદીનો સંપર્ક સાધ્યો હતો અને રૃા.૨૫ લાખની લાંચ માગી હતી. આ પૈકીના રૃા.દસ લાખ કથિતપણે તેના માટે અને રૃા.૧૫લાખ ન્યાયમૂર્તિ કાઝી માટે માગ્યા હોવાનું કહેવાય છે. બાદમાં લાંચની રકમ ઘટાડીને રૃા.૧૫ લાખ કરવામાં આવી હતી.
એસીબીએ ગઈ ૧૧મી નવેમ્બરે ચેમ્બુરના એક સ્ટાર બક્સમાં છટકું ગોઠવી વાસુદેવને લાંચ તરીકે નિશાનીવાળી ચલણી નોટો લેતાં મુદ્દામાલ (રંગે હાથ) ઝડપી લીધો હતો. બાદમાં, વાસુદેવે પંચોની હાજરીમાં ન્યાયમૂર્તિ કાઝીને વોટસપ કોલ કર્યો હતો. કોલ પરની વાતચીત દરમિયાન ન્યાયમૂર્તિએ નાણાકીય દેવડદેવડની પુષ્ટિ કરી ફોન પર આ બાબતે વધુ ચર્ચા કરવાને બદલે નાણાં તેમના નિવાસસ્થાને લઈ આવવાની સૂચના વાસુદેવને આપી હતી.
બાદમાં, એસીબીએ ન્યાયમૂર્તિ સામે કાનૂની કાર્યવાહી કરવા માટે મંજૂરી આપવાની વિનંતી ૧૮મી નવેમ્બરે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને કરી હતી.


