ખિન્ન વાતાવરણમાં ડૂસકાં વચ્ચે કહ્યું, 'ધ્યાન રાખજો '
રાજકારણીઓ મોતનો મલાજો ભૂલ્યાઃ મોર્નિંગ વોકના સ્થળે, મંદિરો બહાર તથા સામાજિક મેળાવડાઓમાં પણ પ્રચાર માટે દોટ
મુંબઇ - રાજકારણીઓ માટે સત્તાથી સર્વોપરી બીજું કશું હોતું નથી તે પુરવાર કરતા એક કિસ્સા રુપે મુલુન્ડમાં એક નેતાએ સ્મશાનમાં અંતિમવિધિ ચાલુ હતી ત્યારે પણ પ્રચારની ચેષ્ટા કરતાં આ કિસ્સો રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
મુંબઈ મહાપાલિકા ચૂંટણી માટે મહાયુતી અને આઘાડીમાં હજી સીટોની ફાળવણી બાકી છે અને તે માટે વાટાઘાટો ચાલી રહી છે, ત્યાં ઈચ્છુક ઉમેદવારોએ વ્યક્તિગત સ્તરે વિભાગપ્રમુખોની મુલાકાતો અને પ્રચાર ચાલુ કરી દીધાં હોવાનું જણાઈ રહ્યું છે. જેનો એક કિસ્સો મુલુન્ડના સ્મશાનમાં બન્યો હતો. આથી રાજકારણીઓ સ્મશાનને પણ પોતાના પ્રચારનું સ્થળ બનાવી શકે તેની સાબિતી મળે છે.
જેને ટિકીટ જોઈતી હોય તેવા ઉમેદવારો ગલીને નાકે, ચાની ટપરીએ કે સોસાયટીને પગથિયે પણ મળી જાય તો એક જ વાક્ય બોલતાં સંભળાય કે '(અમારું) ધ્યાન રાખજો'. આ ઝુંબેશ એટલી વ્યાપક બની ગઈ છે કે સ્થળ, પ્રસંગ ન જોતાં મુલુન્ડમાં અંતિમયાત્રામાં ગયેલા એક ઈચ્છુક ઉમેદવારે સ્મશાનમાં પણ 'ધ્યાન રાખજો' એવો સાદ પાડયો હતો.
એક પરિવારની વ્યક્તિની અંતિમવિધિ ચાલુ હતી. સ્મશાનભૂમિમાં ગંભીર શાંતિના વાતાવરણમાં શોકમગ્ન ચહેરાઓ અને મંત્રોચ્ચાર ચાલતા હતા. તેજ સમયે એક ઈચ્છુક ઉમેદવારે તે વિભાગના પ્રમુખની નજર પડતાં 'સાહેબ, ધ્યાન રાખજો' એવું કહ્યું હતું. શોકમય વાતાવરણમાં આવો રાજકીય સૂર ભળતાં તે ક્ષણ સૌને ખટકી હતી. અર્થાત્ રાજકારણીઓ મૃત્યુના પ્રસંગમાં પણ પોતાનો અવસર ગોતી લે તે વાત સાચી પાડવા લાગ્યાં છે.
એટલું જ નહિ તો હવે ઉમેદવારો નાના-મોટા કાર્યક્રમોમાં, કૉલેજોની બહાર, મોર્નિંગ વોકના સ્થળોએ તેમજ સાંઈ પાલખી અને ક્રિસમસ સેલિબ્રેશનમાં પણ પોતાનો પ્રચારની તક શોધતાં જોવા મળી રહ્યા છે. કેટલાય નેતાઓ ક્યારેય સવારે ગાર્ડનમાં દેખાતા ન હતા તેઓ હવે પોતાના મતવિસ્તારમાં અચૂક સવારે ગાર્ડનમાં હાજર થઈ જાય છે અને લોકોનું અભિવાદન કરવા પ્રયાસ કરે છે. કેટલાક સામાજિક મેળાવડામાં આમંત્રણ હોય કે ન હોય તો પણ કોઈ રીતે તક સાધીને ઉમેદવારો પહોંચવા લાગ્યા છે. કેટલાક નેતાઓ તો કોઈ જ્ઞાાતિ કે સંસ્થાનો કાર્યક્રમ ગોઠવાય તો હોદ્દેદારોનો સામેથી ચાલીને સંપર્ક કરીને પોતાને બોલાવવા માટે કહેણ પાઠવે છે


