Get The App

શિરડી, ભીમાશંકર, અજંતા ગુફાઓ માટે હેલિકોપ્ટર ટૂરિઝમ સર્કિટ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
શિરડી, ભીમાશંકર, અજંતા ગુફાઓ માટે હેલિકોપ્ટર ટૂરિઝમ સર્કિટ 1 - image

કુંભમેળા અગાઉ હેલિ-ટૂરિઝમ શરુ કરવાનું આયોજન

નાસિકમાં કુંભમેળાને લીધે ૨૦ માસમાં એક કરોડ લોકો આવે તેમ હોવાથી સર્કિટ શરુ કરવા વિચારણા

મુંબઈ -  મહારાષ્ટ૩ના તીર્થયાત્રાના મુખ્ય સ્થળોને જોડતી હેલિકોપ્ટર ટુરિઝમ સર્કિટ ચાલુ કરવાની તૈયારી થઈ રહી છે. નાસિકમાં આ વર્ષથી કુંભ મેળો શરૃ થઈ રહ્યો છે. તે અગાઉ આ સર્વિસ શરૃ કરવાનું મહારાષ્ટ્ર સરકારનું લક્ષ્ય છે. રસ્તાઓ પરથી ટ્રાફિક કન્જેશન ઓછું થશે અને શ્રદ્ધાળુઓ ઓછા સમયમાં વધુ તીર્થસ્થાનોમાં દર્શન કરી શકે તે દ્રષ્ટિએ સરકાર હેલિકોપ્ટર સર્વિસ શરૃ કરવા ઈચ્છુક છે.

શિરડીના સાઈબાબા મંદિર, શ્રી ઘૃષ્ણેશ્વર જ્યોર્તિલિંગ (છત્રપતિ સંભાજી નગર) અજંતા ઈલોરા-ગુફાઓ અને પુણે જિલ્લામાંના ભીમા શંકર મંદિરને જોડતી હેલિ-સર્કિટ શરૃ કરવાની દરખાસ્ત મહારાષ્ટ્ર પ્રવાસન વિભાગે રજુ કરી છે. આ સર્વિસ ઓક્ટોબર ૨૦૨૬થી જુલાઈ ૨૦૨૮ સુધી ચાલુ રાખવામાં આવશે.

નાસિક કુંભ મેળાની ૨૦ મહિનાના સમયગાળા દરમ્યાન ૧ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ નાસિક આવશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમ્યાન અને ખાસ કરીને શાહી સ્નાન, અમૃત સ્થાન, નગર પ્રદક્ષિણા દરમ્યાન રોડ ટ્રાફિક અનેકગણો વધશે. આ બાબત ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટર સર્વિસ શરૃ કરવાની સરકારની યોજના છે. કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર બંને મળીને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ વિગેરે માટે રૃા.૧૫,૦૦૦ કરોડથી વધુ રકમ ખર્ચશે. 

જરૃરી સ્થળો પર હેલિપેડ્સ બનાવવાની જમીનની ઓળખ કરવાના નિર્દેશ જિલ્લા કલેક્ટરોને આપી દેવામાં આવ્યા છે. તેવું પ્રવાસન વિભાગના એક અધિકારીએ કહ્યું હતું.

ખાનગી કંપનીઓ હેલિકોપ્ટર સર્વિસ શરૃ કરશે અને તે અંગેની કાર્યવાહી માટે બિડીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

હેલિકોપ્ટર સર્કીટ માટે પસંદ કરાયેલા તીર્થસ્થાનો ૧૫૦ કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં આવે છે. આથી હેલિકોપ્ટર દ્વારા જવાનું વધુ આરામદાયક થશે.