મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ૩૦મી સુધી વરસાદ રમઝટ મચાવશે

મહારાષ્ટ્રના ૧૫ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી
મુંબઈના જુદા જુદા વિસ્તારોમાં હળવાંથી મધ્યમ ઝાપટાં ચાલુઃ નાસિક, પુણે, મહારાષ્ટ્ર, સાતારામાં પણ વ્યાપક વરસાદની આગાહી
મુંબઇ - હવામાન વિભાગે એવો ચેતવણીસૂચક વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ(૨૭થી૩૦ --સપ્ટેબર) દરમિયાન મુંબઇના ગગનમાં ભારે જબરો મેઘાડંબર જામે તેવાં તોફાની કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. સાથોસાથ, આખા કોંકણ,મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં પણ ગાંડોતૂર વરસાદ વરસે તેવો વરતારો છે.
એક તરફ ૨૦૨૫ની નૈઋત્યની વર્ષા ઋતુ ભારતનાં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ--કશ્મીર,, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ વગેરે રાજ્યોમાંથી તબક્કાવાર વિદાય લઇ રહી છે. બીજીબાજુ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલાં હવામાનનાં તીવ્ર પરિબળોની ભારે અસરથી મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગમાં સપ્ટેમ્બરના છેલ્લા દિવસ સુધી રસતરબોળ વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા છે.
૨૭થી ૨૯, સપ્ટેમ્બર દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રના ૧૫ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. જ્યારે ૨૮, સપ્ટેમ્બરે રાયગઢ અને પુણે ઘાટ પ્રદેશ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. મુંબઇ માટે ૩૦, સપ્ટેમ્બરે યલો એલર્ટ (ભારે વરસાદ) જારી કરવામાં આવી છે. આમ મુંબઇને આવતા ચાર દિવસ દરમિયાન મેઘરાજાની અને પવન દેવની પ્રચંડ થપાટ વાગે તેવો વરતારો છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે આજે ૨૬, સપ્ટેમ્બરે સવારે ૮ ઃ ૩૦ વાગે બંગાળના ઉપસાગરના આકાશમાં હવાના હળવા દબાણનું કેન્દ્ર (લો -પ્રેશર) સર્જાયું છે. આ લો -પ્રેશર પશ્ચિમ દિશા ભણી સરકીને આવતા ૨૪ કલાક દરમિયાન ડિપ્રેશન(લો --પ્રેશરથી આગળનો તબક્કો)નું સ્વરૃપ ધારણ કરે તેવી પણ પૂરી સંભાવના છે. ઉપરાંત, બંગાળના ઉપસાગરથી દક્ષિણ મહારાષ્ટ્ર(કોંકણ) સુધીના આકાશમાં હવાના હળવા દબાણનો પટ્ટા (ટ્રફ) ની તીવ્ર અસર પણ રહેવાની શક્યતા છે.
આવાં ભારે તોફાની કુદરતી પરિબળની અસરથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ભેજનો વિપુલ જથ્થો ઠલવાય. સાથોસાથ પવનના સૂસવાટાનો માહોલ પણ સર્જાય તેવી સંભાવના છે.
હવામાનમાં થઇ રહેલા આવા અકળ અને તીવ્ર ફેરફારથી આવતા ત્રણ દિવસ(૨૭થી ૨૯ --સપ્ટેમ્બર) દરમિયાન કોંકણ( મુંબઇ, થાણે,પાલઘર, રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ(ઓરેન્જ એલર્ટ),મધ્ય મહારાષ્ટ્ર(નાશિક શહેર--ઘાટ પ્રદેશ, પુણે ઘાટ પ્રદેશ, કોલ્હાપુર ઘાટ પ્રદેશ, સાતારા ઘાટ પ્રદેશ), મરાઠવાડા(સોલાપુર, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, લાતુર, ધારાશિવ)માં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે.
હવામાન વિભાગ(નાગપુર કેન્દ્ર)ના સિનિયર વિજ્ઞાાની પ્રવીણ કુમારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે ૨૭ થી ૨૯ , સપ્ટેમ્બર દરમિયાન વિદર્ભના અકોલા,અમરાવતી, બુલઢાણા, ગઢચિરોળી, નાગપુર, વર્ધા, ચંદ્રપુર, ભંડારા, ગોંદિયા, વાશીમ, યવતમાળ વગેરે જિલ્લામાં મેઘગર્જના, વીજળીના ચમકારા, તીવ્ર પવન સાથે મધ્યમ વર્ષા થાય તેવી શક્યતા છે.








