આજે વિરાર-દહાણુ વચ્ચેના પટ્ટામાં અતિભારે વરસાદની આગાહીઃ મુંબઈમાં 4 દિવસ ઓરેન્જ એલર્ટ
બોરીવલી, થાણે, મુલુંડ, નવી મુંબઈમાં રાતે ભારે વરસાદ
પાલઘર, રાયગઢ, રત્નાગીરી, નાશિક, પુણે સહિત 7 જિલ્લામાં રેડ એલર્ટ
મુંબઇ : મુંબઈ મહાનગરમાં દિવસભરના એકંદર વિરામ બાદ રાતે બોરિવલી, મીરા ભાયંદર, થાણે, મુલુંડ તથા નવી મુંબઈ સહિતના ઉપનગરીય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી રાત સુધી વરસાદ ચાલુ રહેતાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. દરમિયાન હવામાન ખાતાંએ આવતીકાલે પાલઘરથી દહાણુ વચ્ચેના પટ્ટામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈ મહાનગરમાં પણ આવતીકાલથી ચાર દિવસ સુધી ઓરેન્જ એલર્ટ સાથે વ્યાપક વરસાદની આગાહી છે.
હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આવતા ચાર દિવસ(૧૨થી૧૫,જુલાઇ) દરમિયાન મહારાષ્ટ્રના સાત(૭) જિલ્લામાં રેડ એલર્ટ જ્યારે ૧૫ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ દિવસોમાં આ તમામ સ્થળોએ રસતરબોળ વરસાદ વરસે તેવી આગાહી છે.
રાજ્યમાં ૧૨મીએ રત્નાગીરી, કોલ્હાપુર તથા ગઢ ચિરોળીમાં અને ૧૨થી ૧૪ જુલાઈ સુધી રાયગઢ, નાશિક અને પુણેમાં રેડ એલર્ટ જારી કરાયો છે. બાકીના દિવસોમાં મુંબઇ,થાણે,સિંધુદુર્ગ,ચંદ્રપુર, નાગપુર, અમરાવતી,અકોલા, ઔરંગાબાદ, જાલના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયો છે.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો. જયંત સરકારે એવી માહિતી આપી હતી કે હાલ બંગાળના અખાતમાં લો પ્રેશર(હવાના હળવા દબાણનું કેન્દ્ર) સર્જાયું છે.સાથોસાથ નજીકના આકાશમાં ૭.૬ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ છે. વળી, ગુજરાતથી ઉત્તર કર્ણાટક સુધીના સમુદ્ર ઉપર ઓફ્ફશોર ટ્રફ સાથે ગગનમાં ૩.૧થી૫.૮ કિલોમીટરના અંતરે ઇસ્ટ-વેસ્ટ શિયર ઝોનની પણ અસર છે.
આજે મુંબઇ નજીકના પાલઘર શહેર અને જિલ્લામાં ભારે તોફાની વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.પાલઘર જિલ્લાના જવ્હારમાં આજે સવારના૮-૦૦થી સાંજના ૬-૦૦ સુધીમાં ૧૭૫ મિલિમીટર, મોખાડા ૧૪૧.૮ મિલિમીટર, વાડા-૧૦૭ મિલિમીટર જેટલી મુશળધાર વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.