વિદર્ભમાં અતિવૃષ્ટિએ 26નો અને મરાઠવાડામાં 11 જણનો ભોગ લીધો
પાંચ દિવસ રેઇન સ્ટ્રાઇકને લીધે હાહાકાર
પૂરના પાણીમાં તણાઇ જવાથી, વીજળી પડવાથી તથા અન્ય અકસ્માતમાં મૃત્યુ ઃ સેંકડો પશુના મોત ઃ હજારો ઘર પડી ગયા ઃ પાકનો નાશ
મુંબઇ - મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં છેલ્લાં પાંચ દિવસ દરમિયાન ગાંડાતૂર વરસાદે હાહાકાર મચાવ્યો હતો. વરસાદ સંબંધી અકસામાતોમાં વિદર્ભ વિસ્તારમાં ૨૬ જણ અને મરાઠવાડામાં ૧૧ જણ માર્યા ગયા હતા.
ગઇ ૧૪મી ઓગસ્ટથી ૧૯મી ઓગસ્ટ દરમિયાન વિદર્ભના અમરાવતી, અકોલ, નાગપુર જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું હતું. ૭૬૦ ગામડાના ૮,૧૮૮ ઘર તૂટી પડયા હતા, ૨૫૦ પશુઓ માર્યા ગયા હતા અને લાખો એકરમાં ઉભો પાક નાશ પામ્યો હતો.
નાંદેડ સહિત મરાઠવાડામાં અનેક વિસ્તારોમાં ત્રાટકેલા વરસાદમાં સૌથી વધુ ગંભીર સ્થિતિ મુખેડ તાલુકામાં થઇ હતી. ૫૮ હજાર હેક્ટર વિસ્તારમાં ખેતરોમાં ઉભો પાક નાશ પામ્યો હતો. ૪૯૮ પશુઓ તણાઇ ગયા હતા. વરસાદના પ્રરાહને લીધે ૫૮૮ ઘર તૂટી પડવાથી અનેક લોકો રસ્તા પર આવી ગયા છે.
આ બે જિલ્લામાં વાહનો તણાઇ જવાથી, ઘર પડવાથી, પૂરના પ્રવાહમાં તણાઇ જવાથી તેમ જ વીજળી પડતા આટલી મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો હતો.
નાસિક અને કોલ્હાપુરમાં પૂરને લીધે પરિસ્થિતિ ગંભીર
નાસિક જિલ્લાને ધમરોળતા ગાંડાતૂર વરસાદને કારણે અને ગંગાપૂર ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ગોદાવરી નદીમાં ફરી પૂર આવ્યું છે. પૂરન ે લીધે હંમેશની જેમ નદીકાંઠાના મંદિરો ડૂબી ગયા છે અને કિનારાની નજીકના પંચવટી અને રામકુંડ એરિયામાં પાણઈ ફરી વળ્યું છે.
નાસિકના ગંગાપૂર ડેમમાંથી આજે ૧૭૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવતા ગોદાવરી નદીમાં પૂર આવ્યું હતું. નદીકાંઠે બે મોઢાબડ હનુમાનજીની પ્રતિમા અડધી પાણીમાં ડૂબેલી જોવા મળી હતી.
કોલ્હાપુરમાં ભારે વરસાદને લીધે પંચગંગા નદી ભયજનક સપાટીથી ઉપર વહેવા માંડી છે. જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ૧૬ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. સાતારામાં કોયના ડેમની સપાટી ઝડપથી વધવા માંડતા ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યાં હતા.
કલ્યાણમાં પાણીમાંથી ૩૦ કામદારોને પોકલેનથી બચાવાયા
કલ્યાણ નગર રોડ પર રસ્તાનું કામ ચાલતું હતું એ વખતે પૂરના પાણીમાં ઘેરાઇ ગયેલા ૩૦ કામદારોને પોકલેનથી ઉપાડીને સલામત સ્થળે લઇ જવામાં આવ્યા હતા.