Get The App

મુંબઇ સહિત કોંકણમાં 6,7,8 જુલાઈએ પવન સાથે ભારે વરસાદની આગાહી

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઇ સહિત કોંકણમાં 6,7,8 જુલાઈએ પવન સાથે ભારે વરસાદની આગાહી 1 - image


હવામાન વિભાગે ભારે વરસાદનો વરતારો આપ્યો 

પાલઘર જિલ્લા કલેક્ટરે નાગરિકોને નદી, કેનાલથી દૂર રહેવા સૂચના આપી 

મુંબઇ -   હવામાન વિભાગે આવતા ત્રણ  દિવસ(૬,૭,૮  -જુલાઇ) દરમિયાન મુંબઇ (યલો એલર્ટ)  સહિત થાણે,પાલઘર,રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ જિલ્લામાં ભારે વર્ષા થવાનો વરતારો આપ્યો છે. હાલ બંગાળના ઉપસાગર ઉપર અને પશ્ચિમ બંગાળના ઉત્તરને ગંગાતટ પ્રદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે. સાથોસાથ મહારાષ્ટ્રથી કર્ણાટક સુધીના  દરિયા કિનારા ઉપર હવાના હળવા દબાણનો પટ્ટો પણ સર્જાયો છે.

આ કુદરતી પરિબળો તબક્કાવાર પશ્ચિમ દિશા ભણી ગતિ કરે તેવી સંભાવના  હોવાથી મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ તીવ્ર બને તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં પણ આવતા ત્રણ દિવસ(૬,૭,૮ -જુલાઇ) દરમિયાન ભારે વરસાદ વરસે તેવાં સાનુકુળ કુદરતી પરિબળો છે. સાથોસાથ ૪૫ -- ૫૫ કિલોમીટર(પ્રતિ કલાક)ની તીવ્ર ગતિએ પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે. 

 મુંબઇ નજીકના પાલઘર જિલ્લા વહીવટીતંત્રે આજે નાગરિકોને ઘરમાં રહેવાની અને  ભારે વરસાદથી નદીઓમાં પૂર ઉમટવાની શક્યતા હોય તેવાં સ્થળોએથી દૂર રહેવાની સૂચના આપી છે.હવામાન વિભાગે આજે પાલઘરમાં અતિ ભારે વરસાદ(ઓરેન્જ એલર્ટ) ની ચેતવણી આપી છે.                                                               

 પાલઘરનાં જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીનાં વડાં  ઇન્દુ  રાની જાખરે અખબારી યાદીમાં એવી માહિતી આપી છે કે હવામાન વિભાગે આવતા બે દિવસ (૬,૭ -જુલાઇ) દરમિયાન પાલઘર જિલ્લામાં ભારેથી  અતિ ભારે વર્ષાનો વરતારો  આપ્યો છે. સાથોસાથ ઓરેન્જ એલર્ટ પણ જારી કરી છે.  

જિલ્લા કલેક્ટરે પાલઘર જિલ્લાનાં નાગરિકોેને એવી સૂચના પણ આપી છે કે કોઇપણ વ્યક્તિએ તોફાની પૂરથી  બે કાંઠે છલકાતી નદી સહિત કેનાલ, બ્રીજ  ઓળંગવાનો પ્રયાસ ન કરવો. નદીમાં પૂર આવ્યાં હોવાથી તેનો પ્રવાહ અતિ તોફાની બનતો હોવાથી વ્યક્તિ તેમાં તણાઇ જવાનું જોખમ રહે છે.

ઉપરાંત, શાળાએ જતાં વિદ્યાર્થીઓ -વિદ્યાર્થિનીઓએ પણ પૂરતી કાળજી રાખવી. સલામત હોય તેવા રસ્તે જ જવું. શક્ય હોય ત્યાં સુધી ઘરે જ રહેવું. 

મુશળધાર  વરસાદથી આવતા ૪૮ કલાક  દરમિયાન   પાલઘર જિલ્લાની  નદીઓની સપાટી વધવાની શક્યતા હોવાથી બચાવ ટુકડીઓ સહિત ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખવામાં આવી છે.


Tags :