માર્ચના એક જ સપ્તાહમાં બીજી હીટ વેવ
સાત જિલ્લામાં હીટવેવનો યલો એલર્ટ વિદર્ભ સહિત મહારાષ્ટ્રનાં ૨૪ શહેરમાં ગરમીનો પારો ૩૭ થી ૪૦ ડિગ્રી નોંધાયો
મુંબઇ - મુંબઇગરાં ૨૦૨૬ના માર્ચના પહેલા જ સપ્તાહમાં બીજી વખત હીટ વેવના બળબળતા બપોરમાં શેકાયાં છે. હજી ગઇ પાંચમી ફેબુ્રઆરીએ હવામાન વિભાગે મુંબઇમાં હીટ વેવ(ગરમીનું મોજું)ની ચેતવણી જારી કરી હતી. સાથોસાથ મહારાષ્ટ્ર આખું પણ જાણે કે ઉકળતી ભઠ્ઠી જેવું બની રહ્યું છે. હવામાન વિભાગે આજે અને આવતા ૨૪ કલાક માટે ઉત્તર કોંકણના મુંબઇ સહિત થાણે, પાલઘર, રાયગઢ અને વિદર્ભનાં અકોલા,અમરાવતી, વર્ધા એમ કુલ સાત જિલ્લા માટે હીટ વેવ(ગરમીનું મોજું ઃ યલો એલર્ટ)ની ચેતવણી જારી કરી છે.
સાથોસાથ ૯થી ૧૧, ફેબુ્રઆરી દરમિયાન ઉત્તર કોંકણના રત્નાગિરિ, મધ્ય મહારાષ્ટ્રના ધુળે, નંદુરબાર, જળગાંવ, નાશિક, અહિલ્યાનગર, મરાઠવાડાના છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ, હિંગોળી, લાતુર એમ મહારાષ્ટ્રના કુલ ૧૨ જિલ્લામાં ગરમી અને ઉકળાટની ચેતવણી જારી કરી છે.
હજી ગઇ પાંચમી ફેબુ્રઆરીએ હવામાન વિભાગે મુંબઇમાં હીટ વેવ(ગરમીનું મોજું)ની ચેતવણી જારી કરી હતી. ૫, ફેબુ્રઆરીએા મુંબઇમાં સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૮.૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું અતિશય ઉનું ઉનું નોંધાયું હતું. જ્યારે ૪, ફેબુ્રઆરીએ સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૮.૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ રહ્યું હતું.
આજે મહારાષ્ટ્રનાં ૧૩ શહેરમાં મહત્તમ તાપમાન ૩૭.૦ થી ૩૯.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું ઉકળતું નોંધાયું હોવાના સમાચાર મળે છે.
હવામાન વિભાગનાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાારને એવી માહિતી આપી હતી કે આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૯ અને લઘુત્તમ તાપમાન ૨૪.૦, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૮.૪ અને લઘુત્તમ તાપમાન ૨૧.૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું હોટ નોંધાયું હતું. આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૪૦ અને સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ફક્ત ૨૪ ટકા જેટલું ઘણું ઘણું ઓછું રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૦ ટકા કરતાં ઓછું રહે તેનો અર્થ એવો થયો કે આકાશમાં વાદળો બહુ ઓછાં છે. ગગન સ્વચ્છ હોવાથી સૂર્યનાં તેજ કિરણો છેક પૃથ્વી સુધી આવી જાય. પરિણામે બપોરે જમીન ગરમ થઇ જાય અને જમીન પરની ગરમ વરાળ આખા વાતાવરણમાં ફેલાઇ જાય. પરિણામે ગરમીનો પારો ઉંચો નોંધાય.
આજે મુંબઇનાં પશ્ચિમનાં પરાં રામ મંદિરમાં ગરમીનો પારો ૪૨.૫ જેટલો ઉકળતી ભઠ્ઠી જેવો નોંધાયો હતો.વિક્રોલી-૪૧.૭, વિદ્યાવિંર-૩૯.૩, દહિસર-૩૯.૧, ચેમ્બુર-૩૮.૯, બાંદ્રા - ૩૭.૯, ભાયખલા-૩૬.૨ ડિગ્રી જેટલું અતિશય હોટ હોટ રહ્યું હતું.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિક્રમ સિંહે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે મુંબઇના અને ગુજરાતના આકાશમાં એન્ટિ સાયક્લોનની અસર ફરીથી વરતાઇ રહી છે. એન્ટિ સાયક્લોનની અસર હોય ત્યારે વાતાવરણના ઉપરના પટ્ટામાં (પૃથ્વીના વાતાવરણના પહેલા ૧૫ કિલોમીટર સુધીના પટ્ટાને ટ્રોપોસ્ફિયર કહેવાય છે) જબરદસ્ત દબાણ સર્જાય છે. પરિણામે હવા ઉપરના વાતાવરણમાં જઇ શકતી નથી. વળી, બપોરે સૂર્યનાં તેજ કિરણોને કારણે જમીનનું તાપમાન વધી જાય છે. હવા પણ ગરમ થઇ જાય. જોકે આ ગરમ હવા ઉપરના હિસ્સામાં જઇ શકતી નથી અને નીચેના વાતાવરણમાં જ ગોળ ગોળ ઘુમ્યા કરે છે. અ બધાં પરિબળોને કારણે સમગ્ર વાતાવરણ ગરમ થઇ જાય અને મહત્તમ તાપમાન પણ વધી જાય.
ઉપરાંત, હાલ મુંબઇ પર ઉત્તર -પૂર્વ -ઉત્તર(ઇશાન) દિશાના સૂકા પવનો ફૂંકાવા શરૃ થયા છે. ઇશાનના સૂકા પવનો સાથે ગરમી પણ હોવાથી તાપમાનમાં વધારો થાય. વળી, મુંબઇ પર ઇશાનના સૂકા પવનોફૂંકાય ત્યારે અરબી સમુદ્ર પરથી જમીન પર આવતી પવનની લહેરખીની ગતિવિધિમાં પણ અવરોધ સર્જાય. એટલે કે સમુદ્ર પરની પવનની લહેરખી બપોરે ૧૨ બાદ જમીન પર આવે. પરિણામે ત્યાં સુધીમાં જમીન ગરમ થઇ ગઇ હોય. સરવાળે જમીન પરની વરાળ આખા વાતાવરણમાં ફેલાઇ જાય.
હવામાન વિભાગ(નાગપુર કેન્દ્ર)ના સિનિયર વિજ્ઞાાની પ્રવીણ કુમારે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે આજે વિદર્ભના અકોલા,અમરાવતી, વર્ધા એમ ત્રણ જિલ્લામાં ૯થી ૧૧, ફેબુ્રઆરી દરમિયાન હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. ગઇકાલે અકોલા ૪૦.૯ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા ભારતનું સૌથી હોટ સ્થળ જાહેર થયું હતું. હાલ વિદર્ભ પર બંગાળના ઉપસાગર પરથી ભેજવાળા પવનો નથી ફૂંકાતા. એટલે વિદર્ભનું હવામાન સાવ જ સૂકું રહેતું હોવાથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે.


