ગરમીની ઝાળ મહારાષ્ટ્રનાં ગિરિ મથકો માથેરાન(37), મહાબળેશ્વર(31.7) સુધી પહોંચી
આવતા 24 કલાકમાં કોંકણ, મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે વર્ષાનો વરતારો
મુંબઈ : હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના હવામાનમાં અકળ અને તોફાની ફેરફાર થઇ રહ્યા છે. રાજ્યના અમુક વિસ્તારમાં ઠંડુ વાતાવરણ છે જ્યારે કેટલાક વિસ્તારો ઉકળતી ભઠ્ઠી જેવા બની રહ્યા છે.
મહારાષ્ટ્રનાં ગિરિ મથકો માથેરાનમાં અને મહાબળેશ્વરમાં ખુશનુમા વાતાવરણને બદલે ગરમી-ઉકળાટનો માહોલ સર્જાઇ રહ્યો છે. આજે માથેરાનમાં ગરમીનો પારો ૩૭.૦ ડિગ્રી જેટલો વધુ નોંધાયો હતો અને રાતનું તાપમાન ૨૦.૮ ડિગ્રી(તફાવત-૧૭ ડિગ્રી) નોંધાયું હતું. જ્યારે મહાબળેશ્વરમાં ગરમીનો પારો ૩૧.૭ ડિગ્રી જેટલો ઉંચો નોંધાયો હતો અને રાતનું તાપમાન ૨૧.૧ ડિગ્રી(તફાવત-૧૦ ડિગ્રી) રહ્યું હતું.
આજે મુંબઇની બપોર પણ ગરમ અને ઉકળાટભરી રહી હતી.આજે કોલાબામાં દિવસનું તાપમાન ૩૪.૪ અને રાતનું તાપમાન ૨૫.૦ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં દિવસનું તાપમાન ૩૫.૬ અને રાતનું તાપમાન ૨૪.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવાર(૩૫.૪)ની સરખામણીએ આજે વાતાવરણ ગરમ રહ્યું હતું. આવતા ૪૮ કલાક દરમિયાન પણ મુંબઇમાં ગરમી-ઉકળાટ રહે તેવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
હવામાન ખાતાના સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ પશ્ચિમ વિદર્ભથી મરાઠવાડા થઇને દક્ષિણ કર્ણાટક સુધી આકાશમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે. સાથે બે વિરુદ્ધ દિશાના પવનોની જબરી ટક્કર પણ થસ રહી છે. આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની વ્યાપક અસરથી આવતા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ કોંકણનાં રત્નાગિરિ અને સિંધુદુર્ગમાં અને મધ્ય મહારાષ્ટ્રનાં કોલ્હાપુર, સાતારા, સાંગલી, સોલાપુરમાં ગાજવીજ, તીવ્ર પવન સાથે હળવી વર્ષા થાય તેવી સંભાવના છે.
- મહારાષ્ટ્ર ઉકળતો ચરુ
આજે વિદર્ભનું ચંદ્રપુર ૪૩.૨ ડિગ્રી સાથે આખા મહારાષ્ટ્રનું સૌથી હોટ સ્થળ નોંધાયું હતું. જ્યારે મધ્ય મહારાષ્ટ્રનું અહમદનગર ૧૯.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. આજે અહમદનગરનું મહત્તમ તાપમાન ૪૨.૬ ડિગ્રી નોંધાયું હતું, જે તફાવત ૨૨.૮ ડિગ્રી જેટલો વધુ રહ્યો હતો.
આજે વિદર્ભના અમરાવતીમાં મહત્તમ તાપમાન ૪૨.૮,વર્ધા-૪૨.૮, અકોલા-૪૨.૩, બ્રહ્મપુરી-૪૨.૨, નાગપુર-૪૧.૬, જ્યારે માલેગાંવ-૪૨.૨, નાંદેડ-૪૧.૦, ચીકલથાણા-૪૦.૨ ડિગ્રી નોંધાયો હતો.