વિશેષ પીએમએલએ કોર્ટના સમન્સ છતાં રાજ ગેરહાજર
કુંદ્રાના વકીલે ચાર્જશીટની નકલ મળી નહીં હોવાની રજૂઆત કરતાં ઈડીને કોર્ટે નિર્દેશ આપ્યો
મુંબઈ - ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સામે બિટકોઈન કૌભાંડ કેસમાં ચાલી રહેલી તપાસને લગતી સુનાવણી કોર્ટે ૨૦ ફેબુ્રઆરીએ રાખી છે.
કુંદ્રાના વકીલે જણાવ્યા મુજબ રાજ કુંદ્રા ઈડીને તપાસમાં સહકાર આપી રહ્યા છે. ઈડી દ્વારા તેમને હાજર રહેવા સમન્સ જારી કરાયા બાદ અમે સ્પેશ્યલ પીએમએલએ કોર્ટમાં વકાલતનામું દાખલકર્યું હતું. કોર્ટ સમક્ષ અરજી કરી હતી જેમાં ચાર્જશીટની નકલ અમને આપવાની વિનંતી કરવામાં આવી હતી. કોર્ટે નિર્દેશ જારી કર્યો છે જેના હેઠળ અમને આવતીકાલે ચાર્જશીટની નકલ પ્રાપ્ત થશે,આગામી સુનાવણી ૨૦ ફેબુ્રઆરી પર રાખી છે. રાજ કુંદ્રાએ કોર્ટમાં હાજર રહેવાનું ટાળ્યું હતું.
કેસ એપ્રિલ ૨૦૨૪નો છે જેમાં ઈડીએ રાજ અને શિલ્પાની ૯૭.૭૯ કરોડની મિલકત જપ્ત કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે બિટકોઈનના રૃપમાં મોટી રકમ એકઠી કરી છે.
બિટકોઈનના રૃપમાં જનતાને ૧૦ ટકા વળતર આપવાના ખોટા વચનો આપ્યા હતા. ઈડીએ ખુલાસો કર્યો હતો કે રાજ કુંદ્રાને ગેઈન બિટકોઈન પોન્ઝી કૌભાંડના માસ્ટરમાઈન્ડ અમિત ભારદ્વાજ પાસેથી ૨૮૫ બિટકોઈન મળ્યા હતા. આ બિટકોઈનનો કબજો તેની પાસેછે અને ગુનાની રકમ ભોગવે છે. તેણે હેતુપૂર્વક ગુનામાંથી મળેલી રકમ સમર્પિત કરી નથી. આટલું જ નહીં વ્યવહારને પ્રામાણિક દર્શાવવા પત્ની સાથે વેચાણ વ્યવહાર કર્યો હતો જે બજાર કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે કર્યો હતો જેથી ભંડોળનું મૂળ છુપાવી શકાય, એમ ફરિયાદમાં જણાવાયું છે.
કુંદ્રાએ પોતે બ્રિટીશ નાગરિક છે, દુબઈમાં અમિત ભારદ્વાજને મળ્યો હતો અને ઈઝરાઈલની પાર્ટી પણ હતી તો આમાં ઈડી ક્યાંથી વચ્ચે આવી? એવો સવાલ કુંદ્રાએ કર્યો હતો.


