Mumbai

સાનપાડામાં પીટી ટીચર દ્વારા વિદ્યાર્થિનીની જાતીય સતામણી

By GS TEAM
24 Dec 20252 mins read
સાનપાડામાં પીટી ટીચર દ્વારા વિદ્યાર્થિનીની જાતીય સતામણી

નેરુલના પીટી શિક્ષક આમિર ખાનની ધરપકડ કરી રિમાન્ડ પર

અગાઉ પીડિતાને મેસેજ નહિ પહોંચાડનારા વિદ્યાર્થીને માર માર્યો હતોઃ સસ્પેન્ડ થયા બાદ નોકરી પર પરત લેવાયો

મુંબઈ: નવી મુંબઈના સાનપાડાની એક ખાનગી શાળામાં ૧૩ વર્ષીય વિદ્યાર્થિનીની સાથે છેડતી કરવાના અને તેનો પીછો કરવાના આરોપમાં ૩૨ વર્ષીય પીટી શિક્ષકની ધરપકડ કરી હતી. પોલીસે તેના પર પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. આ બાદ તેને મંગળવારે બેલાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

સાનાપાડા પોલીસના જણાવ્યા મુજબ, નેરુલના રહેવાસી ૩૨ વર્ષીય આમિર ખાન જે શાળામાં પીટી શિક્ષક તરીકે કાર્યરત હતો. તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ ઘટના ચાર ડિસેમ્બરના રોજ બની હતી.  ૧૩ વર્ષીય વિદ્યાર્થિનીની શાળાના સમય કરતા પહેલા લગભગ ૬.૪૫ વાગ્યે શાળામાં પહોંચી ગઈ હતી. આ સમયે અન્ય વિદ્યાર્થીઓ હજુ આવ્યા ન હોવાથી પીડીતા વર્ગખંડમાં એકલી હતી.  આરોપીએ આ તકનો લાભ ઉઠાવતા સાતમાં ધોરણમાં ભણતી પીડીતાને ગાલ પર બળજરીથી ચુંબન કર્યું હતું.

ત્યારબાદ શિક્ષકે સગીરાને ધમકી આપી હતી કે કોઈને આ અંગે કંઈ કહ્યું તો પરિણામ સારુ રહેશે નહીં. આ તમામથી ગભરાઈ જતાં પીડીતાએ તેના માતાપિતાને કંઈ જણાવ્યું ન હતું.  આ ઘટના બાદ  પીટી શિક્ષકે કથિત રીતે સગીરાનો પીછો કરવાનું અને તેને માનસિક રીતે હેરાન કરવાનું ચાલુ કર્યું હતું. 

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતુ ંકે આ જ શિક્ષકે અગાઉ ઓગસ્ટ ૨૦૨૫માં ૧૩ વર્ષના વિદ્યાર્થી પર હુમલો કર્યો હતો. કારણ કે સગીરે આરોપી તરફથી પીડિતાને તેનો મેસેજ પહોંચાડયો ન હતો. જેનાથી શિક્ષક ગુસ્સે થઈ ગયો હતો. આ ઘટના બાદ સગીરના માતાપિતાએ આ અંગે પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી. જેથી પ્રિન્સિપાલે આરોપીને સસ્પેન્ડ કર્યો હતો. જો કે, પછીથી તેને ફરીથી નોકરી પર લેવામાં આવ્યો હતો.

જેથી શિક્ષકે ફરી પીડીતાને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ બાદ વારંવાર થતી હેરાનગતિથી વ્યથિત થઈને સગીરાએ આખરે તેના માતાપિતાને આ અંગે જણાવી દીધું હતું. ઘટના પ્રકાશમાં આવતા જ માતાપિતાએ તરત જ સાનપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને શિક્ષકની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.