માથેરાનમાં હાથ રિક્ષાની પ્રથા અમાનવીય અને ગેરબંધારણીયઃ સુપ્રીમ

સુપ્રીમ છેક ૧૯૮૦માં આ પ્રથા ગેરબંધારણીય ઠેરવી ચૂકી છે
છ મહિનામાં હાથ રિક્ષાઓ બંધ કરી તેના ચાલકોને ઈ રિક્ષા ઉપલબ્ધ કરાવવા અથવા ખરીદી આપવા સરકારને આદેશ
મુંબઈ - આઝાદીના ૭૮ વર્ષ પછી પણ એક માણસ બીજા માણસને રિક્ષામાં બેસાડી તેને પોતાના હાથથી ખેંચતો હોય તે પ્રથા ભારત જેવા દેશમાં માનવીય ગૌરવને છાજે તેવી નથી અને સંપૂર્ણ બંધારણીય મૂલ્યોથી તદ્દન વિરુદ્ધ છે એમ કહી સુપ્રીમ કોર્ટે માથેરાનમાં હાથ રિક્ષા પર પ્રતિબંધ મૂકવા આદેશ આપ્યો છે. સુપ્રીમે આવી અમાનવીય પ્રથા છ માસમાં બંધ કરી દેવા મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું છે.
માથેરાન ઈકો સેન્સિટિવ ઝોન હોવાથી પરિસરમાં વાહનો પર બંધી છે. આથી અહીં પર્યટકોને લાવવા લઈ જવા હાથ રિક્ષાનો ઉપયોગ થાય છે. ડુંગરાળ ભાગમાં આ રીતે વ્યક્તિને હાથેથી ખેંચીને લઈ જવાની પ્રથા પર સુપ્રીમ કોર્ટે આકરા પ્રહારો કર્યા હતા.
સંવિધાનમાં દરેક નાગરિકને આદર અને સમાનતાનો અધિકાર છે, ત્યારે આવું કઈ રીતે બની શકે? સંવિધાનમાં આપેલા સામાજિક અને આર્થિક ન્યાયને આપણે સમજીએ છીએ? આ પ્રશ્નનો જવાબ કદાચ ના છે, એમ કહી અદાલતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
હવે વધુ વિલંબ કરશો નહીં આગામી છ મહિનામાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો જેથી હાથ રિક્ષા ચાલકોને ઈ રિક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવે અથવા સરકારે પોતે ઈ રિક્ષા ખરીદીને લોકોને ચલાવવા આપવી જેથી તેમનો ઉદરનિર્વાહ ચાલે.
અગાઉ પ્રાયોગિક ધોરણે ૨૦ ઈ રિક્ષા શરૃ કરવામાં આવી હતી, ત્યારબાદ આ પ્રયોગ હવે તમામ હાથરિક્ષાને સ્થાને શરૃ કરી દેવાનો સંકેત અપાયો છે.
અદાલતને જણાવાયું હતું કે આ હિલ સ્ટેશન પર રહેતા ચાર હજાર લોકો ઉપરાંત દર વર્ષે અહીં આવતા આઠ લાખ લોકો માટે હજુ પણ હાથ રિક્ષાનો ઉપયોગ થાય છે.
અદાલતે જણાવ્યું હતું કે આ હાથ રિક્ષા ચલાવનારા લોકો પાસે બીજો કોઈ વૈકલ્પિક રોજગાર ન હોવાથી તેઓ વખાના માર્યા આ હાથ રિક્ષા ખેંચે છે. સુપ્રીમ કોર્ટે ૧૯૮૦માં આઝાદ રિક્ષા પુલર્સ યુનિવન વિરુદ્ધ સ્ટેટ ઓફ પંજાબના કેસમાં આપેલા ચુકાદામાં હાથ રિક્ષાની પ્રથાને સામાજિક ન્યાય અને સમાનતાનાં બંધારણીય મૂલ્યોથી વિરુદ્ધની ગણાવી હતી. આ ચુકાદાના ૪૫ વર્ષ બાદ પણ માથેરાનમાં આવી પ્રથા હજુ અસ્તિત્વમાં છે તે ખરેખર બહુ મોટી કમનસીબી છે એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.









