મતદાર યાદીની ગરબડો, બદલાયેલાં પક્ષીય સમીકરણો પણ જવાબદાર
બપોર સુધીમાં ૪૧ ટકા મતદાન થતાં મોડી સાંજે અંતિમ ક્ષણ સુધી મહત્તમ મતદાન કરાવવા કાર્યકરોએ દોડધામ કરી
મુંબઈ - મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં પ્રાથમિક અંદાજ મુજબ ૫૦ ટકા મતદાન થયું હતું. મતલબ કે અડધોઅડધ મુંબઈગરા મતદાનથી દૂર રહ્યા હતા. જોકે, ઓછાં મતદાન માટે મતદાર યાદીમાં ગરબડોને પણ જવાબદાર ઠેરવાઈ હતી. વિધાનસભા ચૂંટણીમાં પણ મત આપી ચૂકેલા અનેક મતદારોના નામ ગાયબ થતાં તેમણે ભારે રઝળપાટ કરવી પડી હતી. આ ઉપરાંત પક્ષીય સમીકરણો બદલાતાં ૨૦૧૭ના પંચાવન ટકાની સરખામણીએ આજે ઓછું મતદાન થયાનો અંદાજ છે.
આજની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા ભાજપ, શિંદે શિવસેના, શિવસેના યુબીટી, મનસે, એનસીપી (એપી), એનસીપી શરદ પવાર અને કોંગ્રેસ મળીને ૧૭૦૦ ઉમદવારો ભવિષ્ય ઈવીએમમાં સીલ થયુ છે. આવતી કાલે મતગણતરી બાદ આ ઉમેદવારોનું ભાવિ ખુલ્લું થશે.
આજે સવારે ૭.૩૦ વાગ્યે શરૃ થયેલી મતદાન પ્રક્રિયા પ્રારંભ નિરસ રહી હતી. સવારે ૯.૩૦ વાગ્યા સુધી ૬.૯૮ ટકા, ૧૧.૩૦ વાગ્યા સુધીમા ૧૭.૪૧ ટકા, બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં ૨૯.૯૬ ટકા અને ૩.૩૦ વાગ્યા સુધી ૪૧.૦૮ ટકા મતદાન થયું હતું.
બપોર પછી મતદાને જોર પકડતાં વિવિધ રાજકીય પક્ષના નેતાઓ અને ઉમેદવારોએ રાહતનો દમ લીધો હતો. મુંબઈના અનેક મતદાન કેન્દ્રો પર ૫.૩૦ વાગ્યા પછી મતદાન કરવા લાંબી કતાર જોવા મળી હ તી. એના કારણે અંતિમ ટકાવારી આવતી કાલ સવાર સુધી સ્પષ્ટ થવાની શક્યતા છે.અંતિમ ક્ષણ સુધી મતદાન કરાવવા કાર્યકરોએ દોડધામ કરી હતી.
વર્ષ ૨૦૧૭ ચૂંટણી બાદ રાજ્યમાં રાજકીય સમીકરણોમાં ઉલ્ટફેર થઈ જતાં મુંબઈ આ ચૂંટણી રસપ્રદ બની રહી છે અને મુંબઈનો મેયર કોણ બનશે તેની છેલ્લી ઘડી સુધી અટકળો ે થઈ રહી હતી.
મુંબઈ મહાનગરપાલિકા પર કબજો મેળવવા ઠાકરેભાઈઓએ કરેલા સ્નેહમિલન હવે ક્યાં સુધી ટકશે તે આવતીકાલે ચૂંટણીના પરિણામો બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.રાજ્ય સરકારમાં સાથે મળીને સત્તા ભોગવતા ભાજપ-શિંદે શિવસેના-એનસીપી (એપી)માંથી એનસીપી (એપી)એ પોતાની અલગ રીતે ચૂંટણી લડતા તેનું પણ ભાવિ આવનારા દિવસોમાં કદાચ કંઈક જુદું જોવા મળે તો નવાઈ નહીં.ઠાકરેભાઈઓએ મરાઠી મતો મેળવવા માટે કરેલી હાકલ હકીકતમાં કેટલી પરિવર્તિત થાય છે. જેના પર રાજકીય પંડિતોની નજર રહેલી છે.
મુંબઈના કુલ મતદારોની ૧,૦૩,૪૪,૩૧૫ પૈકી ૫૦ ટકા જેટલા મતદારોએ મતદાન કર્યું હતું.
આ વખતની ચૂંટણી ઠાકરે ભાઈઓ જાતિય રાજકારણ પત્તું ફેક્યું હતું. જ્યારે ભાજપે વિકાસની રાજનીતિ કરી હતી. કોઈ પણ ભોગે સત્તા મેળવવા તડજોડની રાજનીતિ બધા પક્ષોએ કરતાં મતદારોમાં ખાસ કરીને યુવા મતદારો કોને મત આપવો તે અંગે છેક સુધી અવઢવમાં રહ્યા હતા.
દરમિયાન સમગ્ર મુંબઈમાં ૨૮ હજારથી વધુ પોલીસ તૈનાત કરવામાં આવ્યા હોવાથી શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયો હોવાનું મુંબઈ પોલીસે દાવો કર્યો હતો.
મતદાર યાદીમાં ગોટાળા અને વહીવટી ગેરવ્યવસ્થા બાબતે મતદારો ફરિયાદ કરતા. જેમાં કેટલાક મતદારોના નામ યાદીમાંથી ગાયબ થઈ ગયા હતા, તો કેટલાકને પોતાના સાચા મતદાન કેન્દ્ર સુધી પહોંચવા કલાકો વીતી ગયા હતા. દાદર સહિત અનેક ઠેકાણે કેટલાક ડુપ્લિકેટ નામ ે જોવા મળ્યા હતા.
બોરીવલી પૂર્વમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ ભાજપના ઉમેદવાર સીમા શિંદે પર પૈસા વહેંચવાનો આરોપ મૂકીને હોબાળો મચાવતા ભારે તંગદિલી સર્જાઈ હતી, પરંતુ પોલીસે મામલો થાળે પાડયો હતો.
મલાડ (પ.) નડિયાદવાળા કોલીની-૧માં ભાજપના ઉમેદવાર યોગીતા કોળીના બૂથ પર મનસેના કાર્યકર્તાઓ તોડફોડ કરી હતી. ધાકધમકી આપી હતી. જોકે પોલીસે ફરિયાદ નોંધી નહોતી.


