| IMAGE FROM X |
Habiba Jaffrey property fraud case: બોલિવૂડના જાણીતા અભિનેતા જાવેદ જાફરીના પત્ની હબીબા જાફરી સાથે પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટના નામે અંદાજે રૂપિયા 17.5 કરોડની છેતરપિંડીનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. આ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
મુખ્ય આરોપીઓની ધરપકડ અને કાર્યવાહી
મુંબઈ પોલીસની પ્રોપર્ટી સેલે વિવાદિત આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મહેશ પાટીલ, વેપારી નિશિત પટેલ અને અન્ય સાથીદારો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે નિશિત પટેલની ધરપકડ કરી છે, જેને અદાલતે 19 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ કૌભાંડમાં સામેલ અન્ય 3 થી 4 ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
કેવી રીતે આચરવામાં આવી ઠગાઈ?
હબીબા જાફરીને પ્રોપર્ટીમાં રોકાણ કરવા પર મસમોટા નફા અને સુરક્ષિત રોકાણની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ વિશ્વાસ જીતીને અલગ-અલગ તબક્કે કરોડો રૂપિયા પડાવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આ વ્યવહારોમાં નકલી દસ્તાવેજો, ખોટા આશ્વાસનો અને આર્થિક હેરફેરનો આશરો લેવામાં આવ્યો હતો.
મોટું રેકેટ હોવાની આશંકા
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આની પાછળ કોઈ મોટું ઠગાઈનું રેકેટ સક્રિય છે?. તપાસ એજન્સીઓ બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઈલ કોલ રેકોર્ડ્સ અને ડિજિટલ પુરાવાઓની ચકાસણી કરી રહી છે જેથી જાણી શકાય કે અન્ય કોઈ હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે કે કેમ.


