જીમ ટ્રેનર યુવતી અને પાર્ટનર દ્વારા નાણાંકીય વિવાદમાં યુવકની હત્યા
સળિયો મારી હત્યા કરી બંનેનું પોલીસ સમક્ષ સમર્પણ
પુણે પોલીસ દ્વારા પ્રણય ત્રિકોણના એંગલની પણ તપાસઃ ઉઘરાણીની તકરારમાં અશ્લીલ ટિપ્પણી બાદ હત્યા
મુંબઈ - પુણેના પિંપરી- ચિંચવડના દીધીમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં એક જીમ ટ્રેનર યુવતી અને તેના બિઝનેસ પાર્ટનરએ ધોળા દિવસે લોખંડી સળિયા વડે હુમલો કરી ૩૫ વર્ષના એક યુવકની હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ યુવતી અને તેના બિઝનેસ પાર્ટનરે પોલીસમાં આત્મસમર્પણ કરી ગુનો કબૂલી લીધો હતો.
મૃતકની ઓળખ ગોપીનાથ ઉર્ફે લલ્લા વર્પે (૩૫) તરીકે કરવામાં આવી હતી. જ્યારે આરોપી પ્રાંજલ ટાવરે (૨૨) અને યશ પાટોળે (૨૫)ની આ ઘટના બાદ પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોનું માનવું છે કે પ્રાંજલ તાવરેએ મૃતક વર્પે વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો હતો. જોકે બન્ને વચ્ચે નાણાકીય વિવાદ થયો હતો. સૂત્રોનું માનવું છે કે પ્રાંજલ તાવરેએ વર્પે પાસેથી પૈસા લીધા હતા અને તે પાછા માંગતો હતો. આ પહેલાં પણ બન્ને વચ્ચે દલીલો થઈ હતી. એવું કહેવાય છે કે મૃતકે આરોપી યુવતી સામે અશ્લીલ ટિપ્પણી કરી અપશબ્દનો પ્રયોગ કર્યો હતો.
બન્ને આરોપીઓ ચરહોલી ફાટા વિસ્તારમાં રોકફિટ ફિટનેસ હબ જીમમાં જીમ ટ્રેનર તરીકે કામ કરતા હતા. તેઓ સાઈડ બિઝનેસ તરીકે પ્રોટીન પાવડરની દુકાન પણ ધરાવતા હતા. બુધવારે બપોરે વર્પે તેમની દુકાન પર આવ્યો હતો અને પ્રાંજલ પાસે પૈસાની માગણી કરી હતી.
આ સમયે બન્ને વચ્ચે ભારે વિવાદ થયો હતો. એવું કહેવાય છે કે આ સમયે મૃતકે તેની સામે અમુક અશ્લીલ ટિપ્પણી કરી અપશબ્દો વાપર્યા હતા. ત્યારબાદ પ્રાંજલ અને યશે મળી વર્પે પર લોખંડના સળિયાથી જોરદાર હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર ઘવાયો હતો. વર્પેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે આ બન્ને સામે હત્યા અને સમાન ઈરાદા હેઠળ કેસ નોંધી બુધવારે બન્નેની ધરપકડ કરી હતી. તેમને કોર્ટમાં હાજર કરવામાં આવતા ચાર દિવસની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી. પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીઓએ પીડિત પર જીવલેણ હુમલો કરી તેનો જીવ શા માટે લીધો. આ ઉપરાંત પોલીસ પ્રણય ત્રિકોણના એંગલની પણ તપાસ કરી રહી છે.