Mumbai

લાલબાગ દર્શન કરી ઘરે જઈ રહેલા ગુજરાતી યુવાનનું અકસ્માતમાં મોત

By GS TEAM
6 Sep 20252 mins read
લાલબાગ દર્શન કરી ઘરે  જઈ રહેલા ગુજરાતી યુવાનનું  અકસ્માતમાં મોત

જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ પર બની ઘટના

ખાડાને લીધે સ્કૂટર સ્લીપ થતા બેસ્ટની બસનું ટાયર ફરી વળ્યું ઃ અન્ય યુવાન ગંભીર ઇજા પામ્યો

મુંબઇ -  જોગેશ્વરીમાં રહેતા બે યુવાનો લાલબાગ ચા રના દર્શન કરી આજે વહેલી સવારે ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે ખાડાને લીધે સ્કૂટર સ્લીપ થતા પાછળથી આવી રહેલા બેસ્ટની બસનું ટાયર ફરી વળતા દેવાંશ પટેલ (૨૨)નું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે તેનો મિત્ર સ્વપ્નિલ વિશ્વકર્મા (૨૨) ગંભીર ઇજા પામ્યો હતો. આ ઘટના બાદ વિશ્વકર્માને પવઇની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આઇસીયુમાં તેની સારવાર શરૃ કરવામાં આવી હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર જોગેશ્વરીમાં રહેતા દેવાશ પટેલ અને શ્વપ્નિલ વિશ્વકર્મા નામના બે મિત્રો દક્ષિણ મુંબઇમાં લાલબાગચા રાજાના દર્શન કરવા સ્કૂટર પર નીકળ્યા હતા. આજે વહેલી સવારે આ બન્ને મિત્રો જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડ થઇ જોગેશ્વરી તરફ જઇ રહ્યા હતા ત્યારે પવઇ-આઇઆઇટી નજીક ભવાની  પેટ્રોલ પંપ પાસે એક ખાડા અને અસમથળ રસ્તાને લીધે તેમનું સ્કૂટર સ્લીપ થઇ ગયું હતું અને બન્ને નીચે પટકાયા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલ બેસ્ટની બસના ટાયર બન્ને પરથી ફરી  વળ્યા હતા આ ઘટનામાં દેવાંશ પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે વિશ્વકર્માને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક પવઇની એક ખાનગી  હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની આઇસીયુમાં સારવાર શરૃ કરવામાં આવી હતી આ ઘટનાની જાણ થતા જ પવઇ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પવઇ પોલીસે બેસ્ટ બસના ડ્રાઇવરની બેદરકારીને લીધે આ અકસ્માત થયો હતો કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે.

આ ઘટના સંદર્ભે અહીં રહેતા એક સ્થાનિક અને અગ્રણી સમાજ સેવક આર. કાંબળેએ જણાવ્યું હતું કે ખાડાની આ સમસ્યા બાબતે મે અવારનવાર ટ્વિટર પર  આ બાબતે પોસ્ટ કરી પ્રશાસનનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આજે સવારે જે અકસ્માત થયો અને તેમાં એક યુવાનનું મોત થયું તેની પાછળ રસ્તા પરના આ ખાડા જ જવાબદાર છે. જો પાલિકાએ સમયસર આ ખાડા પૂરી દીધા હોત તો આ દુર્ઘટનાને નીવરી શકાઇ હોત.