Get The App

એમ્બ્યુલન્સનો ડ્રાઈવર જમવા જતાં રહેતાં સારવારમાં વિલંબથી ગુજરાતી યુવકનું મોત

Updated: Dec 24th, 2025

GS TEAM

Google News
Google News
એમ્બ્યુલન્સનો ડ્રાઈવર જમવા જતાં રહેતાં સારવારમાં વિલંબથી ગુજરાતી યુવકનું મોત 1 - image

ગુજરાતી યુવાનને વાશી પાસે ચાલુ ટ્રેને હાર્ટ એટેક

એમ્બ્યુલન્સ ન મળતાં ગોલ્ડન અવરમાં જ હોસ્પિટલ ન લઈ જઈ શકાયોઃ  રેલવે સ્ટેશને સ્ટ્ચર ન હતું,  કોઈ સ્ટાફને સીપીઆરની ટ્રેનિંગ પણ નહિ

મુંબઈ - નવી મુંબઈના વાશી રેલવે સ્ટેશનપર પચ્ચીસ વર્ષના ગુજરાતી યુવાનનેહાર્ટએટેક આવ્યા બાદ તેને સમયસર સારવાર ન મળતા તેનું મૃત્યુ થયું  હતું. આ ઘટના બીજી  ડિસેમ્બરના રોજ બપોરે બની હતી, પણ મૃતક હર્ષ પટેલની બહેન અમિકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ બાબતની સ્ટોરી શેર કરતા બેદરકારી સામે આવી હતી. અમિકાએ રેલવે પ્રશાસનને જવાબદાર ઠેરવી આ બાબતે જવાબ માગ્યો હતો.

આ  બાબતે પ્રાપ્ત વધુ વિગતાનુસાર મૃતક હર્ષ પટેલ બીજી ડિસેમ્બરના રોજ ચેમ્બુરથી પનવેલ દરમિયાન પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે બપોરે ૧.૩૭ વાગ્યે તેને અચાનક જોરદાર  એટેક આવ્યો હતો અને તે ટ્રેનમાં જ બેભાન થઈ ગયો હતો. આ સમયે ટ્રેનમાં પ્રવાસ કરતા સહપ્રવાસીઓએ તાત્કાલિક આ વાતની જાણ રેલવે પોલીસ (જીઆરપી)ને કરી હતી. 

આ  ટ્રેન જ્યારે બપોરે ૧.૫૭ના વાશી પહોંચી ત્યારે સહપ્રવાસીઓ અને પોલીસ તેને રેલવે સ્ટેશન બહાર પાર્ક કરેલ ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા. જોકે અહીં એમ્બ્યુલન્સ ઊભી હતી, પણ તેમાં ડ્રાઇવર નહોતો. વધુ પૂછપરછ કરતા ડ્રાઇવર બહાર જમવા ગયો હોવાનું જાણવા મળ્યું હતું. હર્ષને ૧૫ મિનિટ સુધી એમ્બ્યુલન્સમાં રાખી ડ્રાઇવરની રાહ જોવામાં આવી હતી.

અંતે  વધુ સમય રાહ જોઈ શકાય તેમ ન હોવાથી પોલીસે સરકારી જીપમાં તેને વાશીની પાલિકાની હોસ્પિટલમાં ખસેડયો હતો, પણ તે પહેલાં જ તેનું મૃત્યુ થયું હતું. ડોક્ટરોએ તેને દાખલ કરવા પહેલા જ મૃત ઘોષિત કર્યો હતો. 

અ ા ઘટના બાદ તાજેતરમાં હર્ષની બહેન અમિકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી રેલવે પ્રશાસનની બેદરકારી બાબતે પ્રશ્નો કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે જ્યારે આ ઘટના બની ત્યારે વાશી સ્ટેશન પર સ્ટ્રેચર, વ્હીલચેર કે  પછી અન્ય કોઈ જરૃરી સુવિધા ઉપલબ્ધ ન હોવાનું જણાયું હતું. હર્ષને કપડામાં વિંટાળી સબ-વેમાંથી લઈ જવામાં આવ્યો હતો. આ સિવાય સ્ટેશન બહાર પાર્ક કરેલ એમ્બ્યુલન્સનો ડ્રાઇવર અન્ય કોઈ વ્યક્તિને 'બેકઅપ' તરીકે રાખ્યા વગર જમવા ચાલ્યો ગયો હતો. આ ઓછું હોય તેમ જીઆરપી ચોકીમાં ફરિયાદ લેવાનું ટાળવામાં આવતા અંતે તેમને ફરિયાદ માટે સીએસએમટી સ્થિત ડીઆરેણ ઓફિસમાં મોકલવામાં આવ્યા હતા.

આ  બાબતે વાશી જીઆરપીના સિનિયર અધિકારીઓએ પણ કબૂલ કર્યું હતું કે એમ્બ્યુલન્સ ચાલક આ રીતે તેની એમ્બ્યુલન્સ છોડી જમવા જતો રહ્યો એ તેની ગંભીર બેદરકારી હતી. નિયમ મુજબ ઇમરજન્સી એમ્બ્યુલન્સના ડ્રાઇવરને રાઉન્ડ ધ ક્લોક ૨૪-૭ કલાક એમ્બ્યુલન્સમાં હાજર રહેવું ફરજિયાત છે. આ ઘટનાને લીધે રેલવે સ્ટેશન પર ક્વિક રિસ્પોન્સ ટીમ અને મેડિકલ ફેસિલિટી બાબતના દાવાની પોલ ખોલ થઈ છે.