Mumbai

વસઈમાં દાંડિયા રમતાં હાર્ટ એટેકથી ગુજરાતી મહિલાનું મોત

By GS TEAM
27 Sep 20252 mins read
વસઈમાં દાંડિયા રમતાં હાર્ટ એટેકથી ગુજરાતી મહિલાનું મોત

સોસાયટીમાં નવરાત્રિ ઉત્સવમાં કરુણાંતિકા

શ્વાસ લેવામાં તકલીફ બાદ બેભાન થઈ ગયાં, હોસ્પિટલ ખસેડાયાં પણ બચી શક્યાં નહિ

મુંબઈ -  વસઈ પશ્ચિમના ઓમ નગરમાં દાંડિયા રમતી  વખતે  ૪૬  વર્ષીય ગુજરાતી મહિલાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. 

 વસઈ-વેસ્ટના ઓમ નગરમાં ધુરી કોમ્પ્લેક્સમાં બુધવારે રાત્રે, આ કોમ્પ્લેક્સના સાગર બિલ્ડિંગમાં રહેતા શાહ દંપતી દાંડિયા રમી રહ્યા હતા. રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ, ૪૬ વર્ષના ફાલ્ગુની શાહના શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. એથી તેઓ ખુરશી પર બેસી ગયા હતા. પરંતુ, ત્યાં બેસીને અચાનક બેભાન થઈ ગઈ હતી. બધાનું ધ્યાન જતાં તેમને તાત્કાલિક અંબાડી રોડ પરની પાસે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં થી તેમને વધુ સારવાર માટે વસઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યાં હતાં જ્યાં રાતે ૧૧ વાગ્યે તેમનું અવસાન થયું હતું. 

 ફાલ્ગુની શાહને મોટે ભાગે  હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું માણિકપુર પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી કૃષ્ણા સાબલેએ જણાવ્યું હતું. આ સંદર્ભે માણિકપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે. ૨૦૨૨માં ગરબા રમતી વખતે યુવકનું મૃત્યુ..

ં નવરાત્રિ ઉત્સવ દરમિયાન આવી જ એક કમનસીબ ઘટના બની હતી. વિરાર પશ્ચિમના ગ્લોબલ સિટીમાં આવેલા એવરશાઇન એવન્યુ બિલ્ડિંગમાં  ત્રીજી  ઓક્ટોબર, ૨૦૨૨ના શનિવારની રાત્રે દાંડિયા ચાલી રહ્યો હતો ત્યારે ગરબા રમતી વખતે ૩૫ વર્ષના મનીષ જૈન નામના યુવકને હૃદયરોગનો હુમલો આવ્યો. તેના પિતા ૬૫ વર્ષના નરપત જૈન અને ભાઈ તેને હોસ્પિટલ લઈ જવા માટે રિક્ષામાં બેસીને નીકળ્યા હતા. જો કે, મનીષ જૈનનું રિક્ષામાં જ મૃત્યુ થયું હતું. તેના પિતા નરપત જૈન તેમના પુત્રના મૃત્યુનો આઘાત સહન કરી શક્યા નહીં. તે આઘાતને કારણે તેમને પણ હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું. હતું.