કાંદિવલીમાં ગુજરાતી એકટ્રેસના તરુણ પુત્રનો નીચે ઝંપલાવી આપઘાત
માતાએ ટયુશન જવા બાબતે ટકોર કરતાં લાગી આવ્યું
57 માળની બિલ્ડિંગમાં અભિનેત્રીનો ફલેટ ૫૧મા માળે છેઃ છૂટાછેડા બાદ પુત્ર જ એકમાત્ર સહારો હતો
મુંબઈ - હાલમાં વિલેપાર્લેની કોલેજ, ભાંડુપ અને ગોરેગાંવની બિલ્ડિંગમાંથી વિદ્યાર્થી- વિદ્યાર્થિનીની આત્મહત્યાની ઘટનાથી મુંબઈમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ત્યાં કાંદિવલીમાં એક ગુજરાતી અભિનેત્રીના ૧૪ વર્ષીય પુત્રએ બહુમાળી બિલ્ડિંગમાંથી કૂદીને જીવન ટૂંકાવી લેતા ચકચાર જાગી છે. ટયુશનમાં જવાના મુદ્દે વિવાદ થતા તરુણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં કંઈ પણ શંકાસ્પદ જણાયું નથી. પોલીસે એક્સીડેન્ટલ ડેથ રિપોર્ટ (એડીઆર) નોંધીને વધુ તપાસ આદરી છે. કાંદિવલી (પશ્ચિમ) સ્થિત ન્યૂ લિંક રોડ પર સી બુ્રક બિલ્ડિંગમાં આ ઘટના બની હતી. આ ૫૭ માળની ગગનચુંબી ઈમારતના ૫૧મા માળ પર ફલેટમાં ગુજરાતી અને હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં કામ કરતી અભિનેત્રી આરતી મકવાણા તેના ૧૪ વર્ષીય પુત્ર સાથે રહેતી હતી. થોડા સમય પહેલાં છૂટાછેડા લઈ ચૂકેલી આરતી મકવાણા માટે આ પુત્ર જ એકમાત્ર સહારો હતો.
કાંદિવલી પોલીસે જણાવ્યું હતું કે 'અભિનેત્રીનો પુત્ર નવમાં ધોરણમાં ભણતો હતો. ગઈકાલે સાંજે આ વિદ્યાર્થીને તેની માતાએ ટયુશન જવાનું કહ્યું હતું. પરંતુ તે આનાકાની કરતો હતો. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવાય છે. તરુણ ગઈકાલે સાંજે છ વાગ્યે ઘરેથી બહાર જતો રહ્યો હતો. ત્યારબાદ બિલ્ડિંગમાંથી નીચે ઝંપલાવી દીધું હતું.
કાંદિવલી પોલીસ સ્ટેશન એક અધિકારીએ જણાવ્યું હતું કે 'સ્થાનિક રહેવાસીને વિદ્યાર્થિના નીચે પડી જવાની જાણ થઈ હતી. બાદમાં તેની માતા અને પોલીસને માહિતી આપવામાં આવી હતી. તરુણને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. બિલ્ડિંગના ચોક્કસ ક્યા માળ પરથી આ બનાવ બન્યો તે જાણવા સીસીટીવી ફૂટેજની તપાસણી કરવામાં આવી છે. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી નથી. પોલીસને શરૃઆતની તપાસમાં આ કેસમાં કંઈ પણ શંકાસ્પદ જણાયું નથી. પોલીસ મૃતકના મોબાઈલ ફોનના રેકોર્ડ, પરિવાર સંબંધી, સ્થાનિક રહેવાસીની પૂછપરછ કરી આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા ઝીણવટભરી તપાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે 'પોલીસ તપાસના ભાગરૃપે આ વિદ્યાર્થીની સ્કૂલ અને ટયુશન ક્લાસની મુલાકાત જઈ અન્ય વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોની પણ પૂછપરછ કરી શકે છે.