સોસાયટીમા
શેડ બનાવી ૫૦ બકરા રખાયાં
મ્યુનિ.એ
શેડ તોડયો, બકરાં જપ્ત કર્યા બાદ બે જૂથ સામસામેઃ જયશ્રી રામના નારા ગાજ્યા, હનુમાન ચાલીસાના પાઠઃ પોલીસનાં ધાડાં ઉતરી પડયાં
મુંબઈ -
મીરા રોડ ઈસ્ટના શાંતિ પાર્ક વિસ્તારમાં પૂનમ હાઉસિંગ ક્લસ્ટરમાં બકરી ઈદના દિવસે કુરબાની માટે આશરે ૫૦ જેટલી
બકરીઓ લાવી તેના માટે શેડ બાંધવામાં આવતાં સંકુલના અન્ય રહીશોએ આ બાબતે વિરોધ કર્યા
બાદ બે સમુદાયના લોકો સામસામે આવી જતાં
અથડામણ થઈ હતી. આ અથડામણમાં બજરંગ દળના એક
કાર્યકર યુવકને બ્લેડના ઘા મારવામાં આવ્યા હતા. આ અથડામણમાં એકથી વધુ લોકો
ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ બનાવને
પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલી વ્યાપી જતાં પોલીસનાં ધાડેધાડાં ખડકી દેવામાં
આવ્યાં હતાં. બાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શેડ તોડી પાડી તમામ બકરીઓ જપ્ત
કરી લેવામાં આવી હતી.
ગયા
વર્ષે જે.પી. કામ્પ્લેક્સના સોસાયટીમાં બકરા રાખવા અને બકરી ઈદ નિમિત્તે કુરબાની
આપવાને લઈને જે વિવાદ થયો હતો તે આ વર્ષે શાંતિ પાર્ક વિસ્તારની પૂનમ ક્લસ્ટર
સોસાયટીમાં પણ થયો છે. બકરી ઈદ નિમિત્તે થોડા દિવસો માટે બકરા રાખવા માટે
સોસાયટીમાં એક અનધિકૃત શેડ બનાવવામાં
આવ્યો હતો. તેમાં લગભગ પચાસ બકરા રાખવામાં આવ્યા હતા. આખી રાત તેમના રડવાનો અવાજ
અને દુર્ગંધથી રહેવાસીઓ પરેશાન હતા. આથી લોકોએ આ શેડ સામે પોલીસમાં ફરિયાદ
નોંધાવ્યા બાદ જુદા જુદા ધર્મના લોકોનાં
ટોળાં સામસામે આવી ગયાં હતાં. હિન્દુવાદી
સંગઠનના કાર્યકરો પણ પહોંચ્યા હતા.
જયશ્રી રામ તથા હર હર મહાદેવના નારાઓ સાથે વાતાવરણ ગાજ્યું હતું. હિન્દુ
સમુદાયના લોકોએ હનુમાન ચાલીસાના પાઠ પણ શરુ કર્યા હતા.
સોસાયટીના
હિન્દુ રહેવાસીઓએ કહ્યું હતું કે સોસાયટીના મુસ્લિમ પદાધિકારીઓએ કોઈ બેઠક વિના બારોબાર
જ શેડ બનાવવા મંજૂરી આપી હતી. સોસાયટીએ સ્પષ્ટતા કરી હતી કે સોસાયટીમાં બકરાં રાખવાની પરવાનગી ફક્ત ઈદ સુધી
જ અપાઈ છે. કુર્બાની માટે મંજૂરી આપી નથી.
અગાઉ રવિવારે,
હિન્દુ સંગઠનોની ફરિયાદ બાદ, મહાનગરપાલિકાએ
કાર્યવાહી કરી શેડ દૂર કર્યો હતો. પરંતુ
સોમવારે રાત્રે, એક વ્યક્તિનો બજરંગ દળના કાર્યકરો
સાથે ફરી એક વાર ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન, એક વ્યક્તિ
પર એક કાર્યકર પર બ્લેડ વડે હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
તંગદિલી
વધતાં ઉચ્ચ અધિકારીઓ સોસાયટી ખાતે પહોંચ્યા હતા અને બંને સમુદાયો સાથે બેઠકો યોજી
હતી. દરમિયાન, પરિસ્થિતિને કાબૂમાં
લેવા માટે પોલીસ દ્વારા વિસ્તારમાં વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે, અને પોલીસ વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરીને શાંતિ જાળવવા
અપીલ કરી છે. ઘટનાની વધુ તપાસ ચાલી રહી છે.
વરાહ
પૂજાના નામે કેટલાક લોકો ભૂંડ લાવ્યા, પોલીસે ઝૂંટવ્યું
પૂનમ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં બકરી ઈદ
નિમિત્તે બકરાં લાવવામાં આવતાં તેના પ્રતિકાર રુપે કેટલાક લોકોએ વરાહ પૂજા કરવાની
છે તેવો દાવો કરી ભૂંડ સોસાયટીમાં લાવ્યા હતા. જોકે, બાદમાં પોલીસે આ લોકોને અટકાવ્યા હતા.
પોલીસ ભૂંડને ઝૂંટવી ભાગી હતી. પોલીસ
પાસેથી તે આંચકી લેવા યુવકો પાછળ પાછળ દોડયા હતા. આ સમગ્ર માર્ગ પર દોડધામનાં
દ્રશ્યો સર્જાયાં હતાં.
અનેક
સોસાયટીઓમાં બકરા લાવવા સામે સતત ચેકિંગ
મીરા રોડ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી
સ્થિતિ પ્રવર્તી રહી છે. કેટલીય સોસાયટીઓમાં સ્થાનિક રહીશો તથા હિન્દુવાદી
સંગઠનોના કાર્યકરો સ્વંય વાહનોની તપાસ કરી સોસાયટીમાં બકરા તો નથી લવાઈ રહ્યાને
તેનું ચેકિંગ કરી રહ્યા છે. તેના પગલે વાતાવરણમાં ભારે અંજપો વ્યાપી ગયો છે.
બોરીવલીમાં
પણ એક સોસાયટીમાં બકરા લવાતાં વિરોધ
બોરીવલીમાં
સમર હાઈટ્સ નામની એક સોસાયટીમાં પણ એક પરિવાર દ્વારા બકરા લાવવામાં આવતાં સ્થાનિક
લોકોએ વિરોધ કર્યો હતો. આ મુદ્દે સ્થાનિક ધારાસભ્ય સહિતના આગેવાનોની દરમિયાનગીરી
માગવામાં આવી હતી.


